અકસ્માત:અમદાવાદમાં કેડિલા બ્રિજ પર હિટ એન્ડ રન, એક્ટિવા પર જતા વૃદ્ધનું મોત

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નારોલથી અમરાઈવાડી જતી વખતે વાહને અડફેટે લીધા
  • પૌત્રની​​​​​​​ અજાણ્યા વાહનચાલક સામે ટ્રાફિક પોલીસમાં ફરિયાદ

અમરાઈવાડીમાં રહેતા વૃદ્ધ બુધવારે રાત્રે એક્ટિવા લઈને નારોલથી અમરાઈવાડી જઈ રહ્યા હતા, તે સમયે જશોદાનગર કેડિલા ઓવરબ્રિજ પાસે એક પૂરપાટ ઝડપે આવેલા વાહન ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. જેના કારણે ગંભીર ઈજાઓ થતા વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ. આ મામલે મૃતકના પૌત્રએ જે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથધરી છે.

અમરાઈવાડીના ભરત પાર્ટી પ્લોટ પાસે ઓમ સોસાયટીમાં રહેતા 60 વર્ષીય રતિલાલ ઠાકોર નારોલ ખાતેની ફેક્ટરીમાં ગાડી ચલાવે છે. બુધવારે રાત્રીના સમયે તેઓ નારોલ ફેક્ટરી ટ્રક મૂકીને ત્યાંથી પોતાના એક્ટિવા પર ઘર તરફ જઈ રહ્યા હતા. જશોદાનગર કેડિલા ઓવરબ્રિજ પાસે પહોંચ્યા તે સમયે પૂરપાટ ઝડપે આવેલા અજાણ્યા વાહન ચાલકે રતિલાલની એક્ટિવાને ટક્કર મારી હતી. જેના કારણે રતિલાલ જમીને પટકાઈ પડ્યા હતા. આ ઘટના બાદ અકસ્માત કરીને અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો.

બીજી બાજુ આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટ્રાફિક પોલીસ અને 108ને ઘટનાની જાણ કરી હતી. જોકે 108 આવે તે પહેલા જ રતિલાલનુ મોત નીપજ્યુ હતુ. આ મામલે મૃતક રતિલાલના પૌત્ર દિવ્યાંગભાઈએ જે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલકના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

અકસ્માતના કારણે 40 મિનિટ ટ્રાફિક જામ રહ્યો
અકસ્માત થતા રતિલાલ રસ્તા પર પટકાઈ પડ્યા હતા. બીજી બાજુ રસ્તો સાંકડો હોવાના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. 40 મિનિટ સુધી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. ટ્રાફિક જવાનો દોડી આવ્યા અને ટ્રાફિક વ્યવસ્થા સરખી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...