અમદાવાદના મણિનગર ખાતેના કુમ કુમ મંદિર દ્વારા યુ.કે. લંડન ખાતેના મંદિરમાં અને ગુજરાતના વિવિધ મંદિરોમાં હિંડોળા ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. જેનો પ્રારંભ 25 જુલાઈથી થયો છે અને તેની પૂર્ણાહુતિ 24 ઓગષ્ટના રોજ કરવામાં આવશે. શનિવારે સ્વામિનારાયણ ભગવાનને 31 કીલો પેંડાના હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા હતા. મહંત આનંદપ્રિયદાસજી સ્વામી 435 દિવસે કુમકુમ મંદિર ખાતે મંદિરે પધાર્યા હોવાથી તેની ખુશીમાં આ હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પેંડાનો પ્રસાદ દર્શન કરવા માટે આવનાર ભાવિક ભક્તોને વહેંચવામાં આવશે.
અષાઢ વદ બીજ 25 જુલાઈથી હિંડોળાનો પ્રારંભ થયો
કુમકુમ સ્વામિનારાયણ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ ભગવાનને અષાઢ વદ બીજ 25 જુલાઈથી હિંડોળાનો પ્રારંભ થયો છે અને જેની પૂર્ણાહુતિ શ્રાવણ વદ બીજ 24 ઓગષ્ટ સુધી હિંડોળા યોજાશે.સ્વામિનારાયણ ભગવાનના હિંડોળાને ફૂલોથી, સુકામેવાથી, ફૂટથી, પવિત્રાંથી, રાખડીઓથી, મીણબત્તી, પેન, કોડી, શૃંખલા, છીપલાં,મોરપીંછ, સિક્કાઓથી, અગરબત્તી, આદિ થી શણગારવામાં આવે છે. હિંડોળા દરમ્યાન મંદિરોમાં ઝાંઝ, પખાજ, મંજીરા,ઢોલક, તબલાંથી ઓચ્છવ કરવામાં આવે છે.ત્યારે બાળકો, યુવાનો, ભાઈઓ - બહેનો સૌ ભગવાન્મય બની નાચતા હોય છે.
હીંડોળાની પરંપરા સ્વામિનારાયણ સંપ્રદાયમાં 200 વર્ષથી ચાલે છે
હીંડોળાની પરંપરા સ્વામિનારાયણ સંપ્રદાયમાં 200 વર્ષથી ચાલી આવી છે. સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ વડતાલમાં પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનનને હિંડોળામાં ઝુલાવવા માટે એક હિંડોળો તૈયાર કર્યો હતો. જે લાકડાના હિંડોળામાં 12 બારણાં હતાં. તેમાં એક એવી અદ્ભૂત કલા તેમણે ગોઠવી હતી કે, દરેક જગ્યાથી હરિના દર્શન થાય. હિંડોળાને આંબાની ડાળી વચ્ચે, રેશમી દોરી વડે બાંધ્યો હતો અને સ્વામિનારાયણ ભગવાનને હરિભક્તોને એકી સાથે બાર સ્વરૂપે દર્શન આપ્યાં હતાં.આમ, શ્રીજીમહારાજને સંતો - ભક્તો હિંડોળામાં આવી રીતે ઝુલાવતા અને આનંદવિભોર બનતા.આ ઉત્સવની સ્મૃતિ માટે આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ હિંડોળા ઉત્સવ ઉજવાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.