એક્સક્લુઝિવ:અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ પૂર્વના વિસ્તારોમાં, પણ પોલીસે લોકડાઉન ભંગની સૌથી વધુ ફરિયાદ પશ્ચિમ વિસ્તારોમાં નોંધી

અમદાવાદ2 વર્ષ પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
  • કૉપી લિંક
  • કોટ વિસ્તાર સહિત પૂર્વમાં લોકડાઉનનું સરિયામ ઉલ્લંઘન, છતાં લોકડાઉન ભંગની ફરિયાદો કોરોના કેસ કરતા પણ ઓછી
  • પૂશ્ચિમ-નવા પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં કોરોનાના માત્ર 333 કેસ જેની સામે લોકડાઉન ભંગની 1500થી વધુ ફરિયાદો

સમગ્ર ગુજરાત રાજયના હોટસ્પોટ બનેલા અમદાવાદ શહેરના મધ્ય ઝોનના દરિયાપુર, જમાલપુર જેવા કોટ વિસ્તાર અને દક્ષિણ ઝોનના દાણીલીમડા, બહેરામપુરામાં કોરોના પોઝિટિવ કેસનો રીતસર વિસ્ફોટ થયો છે. જ્યારે પશ્ચિમ અમદાવાદના ઘાટલોડિયા, વસ્ત્રાપુર, નારણપુરા, ચાંદલોડિયા, સોલા, જોધપુર, સેટેલાઇટ, આનંદનગરમાં કોરોનાની સ્થિતિ સંપૂર્ણપણે કાબૂ હેઠળ છે. આમ છતાં અત્યંત વિચિત્ર અને આશ્ચર્યની વાત એ છે કે, લોકડાઉન ભંગ બદલ થયેલા પોલીસ કેસમાં તદ્દન ઊંધુ ચિત્ર છે. જ્યાં કોરોનાના કેસ સૌથી વધુ છે અને લોકડાઉનનું વ્યાપક ઉલ્લંઘન થવાની ફરિયાદો ઉઠી છે તેવા મધ્ય અને દક્ષિણ ઝોનના વિસ્તારોમાં લોકડાઉન ભંગની ફરિયાદો સાવ ઓછી નોંધાઈ છે. જ્યારે કોરોનાના સાવ મામૂલી કેસ છે અને લોકડાઉન અમલની બાબતે પ્રમાણમાં શિસ્તબદ્ધ જણાતા પશ્ચિમ અને નવા પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં લોકડાઉન ભંગના કેસની સંખ્યા લગભગ બેવડી છે. 

કોરોનાના મધ્યઝોનમાં 1044- દક્ષિણ ઝોનમાં 636 કેસ, લોકડાઉન ભંગની 900 ફરિયાદ

અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં ગણાતા જમાલપુર, ખાડિયા, દાણીલીમડા, દરિયાપુર, કાલુપુર, શાહપુર સહિતના વિસ્તારોમાં કોરોનાનો પ્રકોપ વકરી રહ્યો છે. આમાંથી ફક્ત મધ્યઝોનના જમાલપુર, દરિયાપુર, કાલુપુર, શાહપુર, ખાડિયા સહિતના વિસ્તારોમાં 30 એપ્રિલ સુધીમાં 1044 કેસ નોંધાયા છે. જ્યારે દાણીલીમડા, બહેરામપુરા, ઈસનપુર, વટવા સહિતના દક્ષિણ ઝોનમાં 636 કેસ નોંધાયા છે. જ્યારે આ બંને ઝોનમાં જોઈએ તો લોકડાઉન ભંગ બદલ દરિયાપુરમાં 140, ગાયકવાડ હવેલીમાં 160, કાલુપુરમાં 130, કારંજમાં 200, દાણીલીમડામાં 200 અને ખાડિયામાં 90 મળી માંડ 900 પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 

પશ્ચિમ-નવા પશ્ચિમ ઝોનમાં કોરોનાના 333 કેસ સામે લોકડાઉન ભંગની અધધ 1500 ફરિયાદ

હવે વાત કરીએ પશ્ચિમ અને નવા પશ્ચિમ ઝોનની તો અત્યારસુધીમાં અહીં કોરોનાના 353 કેસ નોંધાયા છે. આમાં ગોપાલનગર- મેમનગર, સાબરમતી, ચાંદખેડા, પાલડી, વાસણા, જૂહાપુરા, સરખેજ, વેજલપુર એવા વિસ્તારો છે કે જ્યાં કોરોનાના નોંધપાત્ર કેસ છે. આમાંથી પશ્ચિમ ઝોનમાં 223 અને નવા પશ્ચિમ ઝોનમાં 110 કેસ પોઝિટિવ છે. જ્યારે લોકડાઉનનું ઉલ્લંઘન કરવા બદલ નોંધાયેલા પોલીસ કેસની વાત કરીએ તો પશ્ચિમ અને નવા પશ્ચિમ ઝોન હેઠળ આવતા સોલામાં 440, વસ્ત્રાપુરમાં 270, નારણપુરામાં 230, ઘાટલોડિયામાં 220, સેટેલાઈટમાં 200 અને આનંદનગર પોલીસ સ્ટેશનમાં 120 મળીને 1500 કરતા પણ વધુ ફરિયાદ નોંધાઈ છે. 

પૂર્વના હોટસ્પોટ-કોટ વિસ્તારોમાં બેફામ ફરતા લોકોથી જ કોરોના સંક્રમણ ફેલાયું

કોટ વિસ્તારના હોટસ્પોટ જેવા કે જમાલપુર, દરિયાપુર, કાલુપુરમાં કરફ્યુ, કન્ટેનમેન્ટ ઝોન અને લોકડાઉન હોવા છતાં લોકો વગર કારણસર બેફામ રીતે બહાર ફરતા, રાત્રે ચોકમાં ભેગા થઈ ચા-પાણી કરતા હતા. આ કારણે જ આ વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાયું છે. આનો ભોગ લોકો જ નહીં અહીં ફરજ બજાવતા પોલીસકર્મીઓ પણ બન્યા છે. પહેલાથી લોકડાઉનનો કડક અમલ કે કરફ્યુનો કડક અમલ ન કરવામાં આવતા આજે કોટ વિસ્તારમાં વધુ કોરોના કેસ જોવા મળ્યા છે. એટલું જ નહીં, આ વિસ્તારોમાં બપોરે 1થી 4 વાગ્યા દરમિયાન જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા છૂટ મળતી ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગના જે રીતે લીરેલીરા ઉડતા હતા તેની અસંખ્ય તસવીરો અને વિડિયો આવી ચૂક્યા છે. આમ છતાં અહીં જોઈએ તેટલા પ્રમાણમાં લોકડાઉન ભંગની ફરિયાદો નોંધાઈ નથી.

પશ્ચિમમાં લોકડાઉન ભંગની રોજ 30થી વધુ ફરિયાદ, પૂર્વમાં માત્ર 5થી 10

પશ્ચિમ વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનો દ્વારા લોકડાઉનના કડક અમલ માટે રોજના 30થી વધુ કેસો કરવામાં આવે છે જ્યારે પૂર્વ વિસ્તારના કન્ટેનમેન્ટ ઝોનમાં આવતા પોલીસ સ્ટેશનમાં માત્ર 5 કે 10 જ કેસ કરવામાં આવે છે. કોટ વિસ્તારમાં લોકડાઉનનો કડક અમલ અને કરફ્યુ અમલ માટે IPS સમશેરસિંહને મેદાનમાં ઉતારવા પડ્યા હતા. આ માટે સ્થાનિક આગેવાનોની મદદ લેવામાં આવી હતી આમ છતાં લોકો બહાર નીકળતા જોવા મળ્યા હતાં. પશ્ચિમ વિસ્તારમાં જેવી કડક કાર્યવાહી કરવામાં આવી તેવી જો કોટ વિસ્તારમાં પોલીસે કરી હોત અને લોકડાઉનનો ભંગ કરનારા સામે આક્રમક વલણ અપનાવી કેસો નોંધ્યા હોત તો પોઝિટિવ કેસની સંખ્યા કદાચ બહુ ઓછી હોત.

અન્ય સમાચારો પણ છે...