પાછલા કેટલાક વર્ષોથી નિવૃત્ત થયેલા પ્રોફેસર કે જેઓ પેન્શનની રકમની રાહ જોઈ રહ્યા છે. તેમના માટે મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમારના હકારાત્મક અભિગમ થકી આગામી 18મી જૂને વયોવૃદ્ધ પેન્શનર્સ માટે સ્પેશિયલ લોક અદાલત યોજાશે. જેમાં 600થી વધુ નિવૃત્ત અધ્યાપકોને લોક અદાલતના દિવસે પેન્શનને લગતી બાબતનો નિકાલ કરી ચેક સુપરત કરવામાં આવશે. આ માટે મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે ઉચ્ચ શિક્ષણ વિભાગના સ્પેશિયલ સેલને સરકારી કોલેજમાં જઈ અરજદાર અધ્યાપકોના વિગતોની ખરાઈ કરવા માટે પણ કહ્યું છે.
649 નિવૃત્ત અઘ્યાપકોને પેન્શનની રકમના ચેક અપાશે
લાંબા સમયથી નિવૃત્ત થયા બાદ પેન્શનની રકમની રાહ જોઈ રહેલા સરકારી કોલેજોના અધ્યાપકો માટે ખુશ ખબર છે. મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમારે તેમની સમક્ષ આવેલી એક પેન્શનને લગતા કિસ્સાની સુનાવણી દરમિયાન એડ્વોકેટ જનરલને વિનંતી કરી હતી કે, 'પેન્શન મેળવવા માટે રાહ જોઈ રહેલા નિવૃત્ત થયેલા અધ્યાપકોના પેન્શન સંબંધિત પ્રશ્નોના નિકાલ માટે આગામી 18મી જૂને સ્પેશિયલ લોક અદાલતના અયોજનમાં કોર્ટને મદદરૂપ થાય'. જેમાં તમામ 649 જેટલા નિવૃત્ત અઘ્યાપકોને પેન્શનની રકમના ચેક આપવામાં આવશે.
પેન્શનર્સ સેલ કોલેજોમાં જઈ દસ્તાવેજ અને હયાતીની ખરાઈ કરે
સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમારે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા છે કે, ઉચ્ચ શિક્ષણ વિભાગે પેન્શનર્સ માટે રચેલા સેલ જે-તે સરકારી કોલેજમાં જઈને નિવૃત્ત અધ્યાપકોના દસ્તાવેજ અને તેમની હયાતી અંગેની ખરાઇ પ્રક્રિયા પૂર્ણ કરે અને સ્પેશિયલ લોક અદાલતમાં તેમના કેસનો નિકાલ લાવવામાં આવે.
પેન્શનની રકમ મંજૂર થઈ હવે વેરિફિકેશનની પ્રક્રિયા બાકી
આ બાબતે અરજદાર વતી એડવોકેટ આશિષ અસ્થાવાદી અને કે.બી પૂજારા હાજર રહ્યા હતા. એડવોકેટ આશિષ અસ્થાવાદીએ જણાવ્યું કે, ' પેન્શનની રકમ મંજૂર થઇ ગયા બાદ હવે અરજદારોની વેરિફિકેશનની પ્રક્રિયા બાકી રહે છે, જેથી તે પૂર્ણ કરવામાં આવશે'.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.