કોર્ટે કહ્યું ચૂંટણીની જેમ ચાઇનીઝ દોરી અંગે પ્રચાર કરો:જરૂર પડે તો ન્યુઝ ચેનલ, લાઉડ સ્પીકરનો ઉપયોગ કરીને પણ ચાઈનીઝ દોરીનો ઉપયોગ અટકાવો

અમદાવાદએક મહિનો પહેલા

હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી કહ્યું- ચૂંટણીમાં પ્રચાર કરો છો તેમ ચાઈનીઝ દોરીનો દુરુપયોગ કરો છો. ગુજરાતમાં ચાઈનીઝ દોરીના ઉપયોગના કારણે અનેક લોકોના જીવનું જોખમ હોય છે, એ સંદર્ભે હાઇકોર્ટમાં આજે ગુજરાત સરકાર તરફથી બીજી એફિડેવિટ ફાઇલ કરવામાં આવી હતી. તેનાથી હાઈકોર્ટને અસંતોષ લાગતા ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી અને ચૂંટણીમાં જે રીતે પ્રચાર કરો છો, તે રીતે જ ચાઈનીઝ દોરીના દૂરુપયોગ અંગેનો પ્રચાર કરવામાં આવે તેવું જણાવ્યું હતું. એટલું જ નહીં, જરૂર પડે તો ન્યુઝ ચેનલ તેમજ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરીને પણ ચાઈનીઝ દોરીનો ઉપયોગ અટકાવવામાં આવે તેવું સૂચન હાઇકોર્ટે કર્યું છે.

જાગૃતતા લાવવા હાઈકોર્ટના સૂચન
ઉત્તરાયણ પર ચાઈનીઝ દોરી સહિતની વસ્તુઓ પર પ્રતિબંધના મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી શરૂ કરવામાં આવી છે. જે સંદર્ભ રાજ્ય સરકારે હાઇકોર્ટમાં બીજીવાર એફિડેવિટ ફાઇલ કર્યું હતું . બીજીવાર કરેલા એફિડેવિટમાં હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે. આ સંદર્ભે સ્કૂલ કોલેજોમાં જાગૃતતા લાવવા હાઈકોર્ટ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. નાયલોન દોરી,ચાઈનીઝ અને દોરીમાં વપરાતા કાચનો ઉપયોગ અટકાવો માટે પણ જણાવ્યું છે. ઓટો રીક્ષામાં જાહેરાતની જરૂરત પડે તો લોકજાગૃતિ માટે ઉપયોગ કરો. મીડિયાએ પણ લોક જાગૃતિનો પ્રયાસ કરવો જોઈએ. એલઇડી સ્ક્રીન પર લોકજાગૃતિનો પ્રયાસ કરો તેમ હાઈકોર્ટ કહ્યું છે.

ટીવી અને લાઉડસ્પીકરથી પ્રચારનું સૂચન
સરકારે હાઇકોર્ટનું સૂચન આપ્યું કે દરેક ચેનલના CEO સાથે વાત કરીને તેમના પ્રાઈમ ટાઇમ આ લોકજાગૃતિ આવે તેવા પ્રયન્ત કરવામાં આવે. ફરજિયાત ચાઈનીઝ દોરી નાયલોન દોરી અને કાચનો ઉપયોગ અટકાવો,જેમ ચૂંટણીમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ થાય તેમ આના માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરો તેમ જણાવ્યું હતું.

સરકારના સોગંદનામા સામે હાઈકોર્ટે કાલે પણ નારાજગી વ્યક્ત કરી
6ઠ્ઠી જાન્યુઆરીએ ગુજરાત હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીઓની સુનાવણી થઈ હતી. જેમાં જીવલેણ ચાઈનીઝ દોરીના પ્રતિબંધ હોવાછતાં વેચાણ થાય છે. ત્યારે આ પ્રતિબંધિત દોરીના વેચાણ સામે કાર્યવાહી કરવા માટે જાહેરનામું બહાર પાડીને ન રોકાઈને તેના યોગ્ય અમલીકરણ માટે હાઈકોર્ટે કડક વલણ અખત્યાર કર્યું છે. ત્યારે આજે હાઈકોર્ટમાં થયેલી સુનવાણી દરમિયાન સરકારે રજૂ કરેલા સોગંદનામા સામે નારાજગી વ્યક્ત કરી હતી. અને કહ્યું હતું કે, રાજ્ય સરકારનું સોગંદનામું વિશ્વાસ અપાવે તેમ નથી. તેમજ હુકમસરનું સોગંદનામું ન હોવાથી આવતીકાલે ગૃહસચિવને નવેસરથી સોગંદનામું રજૂ કરવા માટે હુકમ કર્યો હતો.

પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ સામે દરોડાની હાઈકોર્ટને મૌખિક જાણ કરાઈ
હાઇકોર્ટના હુકમ મુજબનો જવાબ સરકારે રજૂ કર્યો નથી, માટે ગૃહસચિવને નવેસરથી એફિડેવિટ કોર્ટમાં રજૂ કરવા માટેનો આદેશ કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા ચાઈનીઝ દોરીને લઈને જે પોલીસ કાર્યવાહી કરી રહી છે, એની મૌખિક જાણકારી હાઈકોર્ટમાં સરકારી વકીલ એમ અંતાણી દ્વારા કરવામાં આવી હતી. વધુમાં સરકારે આવતીકાલે સમગ્ર રાજ્યમાં ચાઇનીઝ દોરીની સામે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેની વિગતવાર માહિતી માટે આવતીકાલ સુધીનો સમય માગ્યો છે, હાઈકોર્ટે સરકારને નિર્દેશ કર્યો છે કે કાલે નવેસરથી હાઈકોર્ટમાં જવાબ રજૂ કરવો પડશે તેમ હાઇકોર્ટે દ્વારા જણાવવામાં આવ્યું છે. અરજદાર હાઇકોર્ટમાં સૂચન કર્યું હતું કે ઉત્તરાયણ પહેલા અને ઉત્તરાયણના દિવસે ચાઇનીઝ દોરી અને કાચના પાયેલા માંઝાથી લોકો ઘાયલ થાય છે અને લોકોના દોરીથી કપાઈને મોતની ઘટના પણ બનતી હોય છે ત્યારે આવા લોકોને વળતર આપવા માટે પણ વિચારવું જોઈએ. સમગ્ર મામલે હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

હાઇકોર્ટે સરકારને વેધક સવાલો પૂછ્યા હતા

  • ચાઇનીઝ દોરી માટે કામગિરી થઈ છે કે માત્ર કાગળ પર જ કામગીરી ચાલે છે?
  • દરોડાની કામગીરીની વિગતવાર અને અન્ય કામગીરીની વિગતવાર માહિતી હાઈકોર્ટને આપો?
  • હાઇકોર્ટની સરકારને ટકોર સોગંદનામું યોગ્ય માહિતીનો અભાવ છે, કાલ સુધી નવું સોગંદનામું રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો

ચાઈનીઝ દોરી અને કાચના પાયેલા માંઝાના વેચાણ કરવાના મામલે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. એ અંગે રાજ્ય સરકાર દ્વારા હાઇકોર્ટમાં સોંગદનામું રજૂ કરવામાં આવ્યું હતું, સરકારે કોર્ટમાં રજૂ કરેલા જવાબથી હાઇકોર્ટે પોતાની નારાજગી વ્યક્ત કરી છે

અરજદારે રાજ્ય સરકારને હાઇકોર્ટમાં 10 સૂચનો કર્યા

1. પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ સામે ફરિયાદ મામલે રાઉન્ડ ધ ક્લોક એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવે, જ્યાં ફરિયાદીના નામની ગોપનીયતા જાળવવામાં આવે

2. સ્થાનિક તંત્ર પણ સામાજિક સંસ્થાઓ અને શાળા કોલેજના બાળકોને સાથે રાખીને પશુ પક્ષીઓ મામલે જાગૃતતા ફેલાવવાનું કામ કરવામાં આવે

3. સ્થાનિક અગ્રણીઓ સાથે રાખી એક કમિટીની રચના કરવામાં આવે, જે કલેક્ટર અથવા એસપી કક્ષાના અધિકારીઓની અધ્યક્ષતામાં બનાવવામાં આવે

4. આવા પ્રકારનું કૃત્ય કરતા પકડાય તેમની સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે.

5. આ પ્રકારના કિસ્સામાં ઘાયલ થતા લોકો માટે વળતર નક્કી કરવામાં આવે.

6. તમામ પોલીસ મથકોમાં એક વિશેષ ટીમ બનાવવામાં આવે કે જે ગેરકાયદેસર મેન્યુફેક્ચર વેચાણ અને વપરાશ કરતા લોકોની ઓળખ કરી શકે.

7. પ્રતિબંધિત વસ્તુઓની હેરફેર કરનારા લોકોને પકડવા વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવે.

8. ઓનલાઇન વેચાણ કરતા તમામ ઈ કોમર્સ વેબસાઇટને આવા પ્રકારની પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ ન કરવા માટે પણ જાણ કરવામાં આવે.

9. પાર્સલ ટ્રાન્સફર કરતી સંસ્થાઓને પણ આવા પ્રકારના પ્રતિબંધિત મટીરીયલ ની હેરફેર ન કરવા સૂચના આપવામાં આવે.

10. ઉતરાયણ ના તહેવાર દરમિયાન પણ પોલીસ ચેકિંગ કરે જેના કારણે પ્રતિબંધિત ચીજ વસ્તુઓનો ઉપયોગ કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે.

રોજ એક યુવાન મરે છે તો પણ કોઈ પગલાં નહીં
પ્રતિબંધિત ચાઈનીઝ દોરીને કારણે ગુજરાતમાં આશાસ્પદ યુવાનનાં મોતની છેલ્લા 3 દિવસમાં આ ત્રીજી ઘટના છે. હજી 1 જાન્યુઆરીએ જ વડોદરામાં ચાઈનીઝ દોરીથી હોકી પ્લેયરનું મોત નીપજ્યું હતું. ત્યારે 2જી જાન્યુઆરીએ સુરતમાં ચાઈનીઝ દોરીથી એક બાઈકચાલકનું ગળું કપાયું હતું. શખ્સ કામરેજ ચાર રસ્તા પાસેથી પસાર થતો હતો, ત્યારે ચાઈનીઝ દોરો તેમના ગળે ભરાયો હતો. ગંભીર ઈજા થતાં તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આવામાં 3જી જાન્યુઆરીએ એક પિટિશનની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે કડક વલણ રાખ્યું હતું. હાઈકોર્ટે આ મામલે સરકારને બે દિવસમાં જ સોગંદનામું રજૂ કરવા માટે આદેશ કર્યો હતો.

સરકાર કેવી રીતે પ્રતિબંધનો અમલ કરાવશે તેનો ખુલાસો માગ્યો
3જી જાન્યુઆરીએ ગુજરાત હાઈકોર્ટે ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરી, નાયલોન દોરી અને ચાઈનીઝ તુક્કલ પર પ્રતિબંધની સરકાર કઈ રીતે અમલવારી કરાવી રહી છે તેનો ગુજરાત સરકાર પાસે ખુલાસો માગ્યો હતો. એટલે બે દિવસમાં સોગંદનામા પર જવાબ રજૂ કરવા હાઇકોર્ટનો આદેશ હતો. ચાઈનીઝ દોરી અને નાયલોન દોરી તેમજ ચાઈનીઝ તુક્કલના કારણે લોકોને થતી ઈજાઓ અને મૃત્યુ તેમજ સર્જાતા અકસ્માતને રોકવા માટે યોગ્ય પગલાંની માંગણી કરતી પિટિશનમાં કોર્ટે હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...