સુનાવણી:પીરાણા સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટમાં નિયમો વિરુદ્ધ ગંદુ પાણી છોડનારા કોન્ટ્રાક્ટરને દંડ વિના ફરી કામ સોંપાયું, હાઇકોર્ટે AMCની ઝાટકણી કાઢી

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટની ફાઈલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટની ફાઈલ તસવીર
  • હાઇકોર્ટે આકરી ટીકા કરી AMC, DNP ઈન્ફ્રાસ્ટ્રક્ચર ,GPCB અને સરકારને નોટિસ આપી
  • કોન્ટ્રાક્ટર દ્વારા નિયમો વિરુદ્ધ નદીમાં ગંદું પાણી છોડવામાં આવી રહ્યું હતું
  • કંપનીને સિંગલ ટેન્ડર પર જ કોન્ટ્રાક્ટ મળી જતા કોર્ટનો AMCને સવાલ

સાબરમતીમાં AMC સાફસફાઈ માટે કરોડો રૂપિયા ખર્ચી રહી છે. પરંતુ બીજી તરફ આંખ આડા કાન કરીને ગટરના પાણીને સાબરમતીમાં ઠાલવતા રોકતી પણ નથી. પીરાણા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા પેરામીટર વિરુદ્ધ ગંદું પાણી નદીમાં છોડાઈ રહ્યું છે, સાથે આ પ્લાનને અપગ્રેડ પણ નથી કરાયો. જેથી આજે હાઇકોર્ટેની ધ્યાનમાં આવેલા અહેવાલને લઈને હાઇકોર્ટે આ મામલે સુઓમોટો દાખલ કરી હતી. જેમાં હાઇકોર્ટે આ કોન્ટ્રાકટરની અને કોર્પોરેશનની આકરી ટીકા કરી હતી.

'કંપની નિયમોનું પાલન નથી કરતા છતાં દંડ નથી કરાતો'
હાઇકોર્ટે આ મામલે સુઓમોટો દાખલ કરીને ટીકા કરતા કહ્યું કે, આ કંપની નિયમોને અનુસરતી નથી છતાં કોઈ દંડ નથી કરાતો. સાથે આના કારણે સાબરમતીમાં ગંદું પાણી છોડવામાં આવે છે એ બાબતે પણ કોઈ પગલાં લેવાતા નથી. માટે અમારે આજે સુઓમોટોની દરખાસ્ત કરવી પડે છે. આ એક જ કંપનીને AMC કેમ વારંવાર લાભ આપી રહી છે? તેને સિંગલ ટેન્ડર પર જ કેમ કોન્ટ્રાકટર મળી જાય છે? આથી આ સુઓમોટોની પિટિશન દાખલ કરવા રજીસ્ટ્રીને હુકમ કરવામાં આવે છે. સાથે આ AMC, DNP ઈન્ફ્રાસ્ટ્રક્ચર ,GPCB અને સરકારને નોટિસ ઇસ્યુ કરવામાં આવે છે. કોર્ટ દ્વારા તમામને 20 ઓગષ્ટ સુધી જવાબ રજૂ કરવા માટે આદેશ કરાયો છે.

પીરાણા સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટની તસવીર
પીરાણા સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટની તસવીર

58 કરોડના ખર્ચે પિરાણામાં સુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ય બન્યો
નવ વર્ષ પહેલા AMCએ 58 કરોડના ખર્ચે પિરાણામાં 180 MLD ક્ષમતાની STP (સુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ) બનાવ્યો હતો. પરંતુ ગટરના પાણીની શરૂઆતથી નિયત નિયમો અનુસાર ટ્રીટમેન્ટ કરવામાં આવતી નથી. STPના સંચાલન અને જાળવણી માટે દર વખતે ટેન્ડર બહાર પાડવામાં આવે છે, જો COD-BODની ટ્રીટમેન્ટના પેરામીટર જાળવવામાં ન આવે તો દંડની જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવે છે. જો કે, કેટલીક ભૂલ હોવા છતાં ઓપરેટિંગ કંપનીને ક્યારેય દંડ કરવામાં આવતો નથી.

એક જ કંપનીને વારંવાર કોન્ટ્રાક્ટ મળ્યો
મહત્વનું છે કે, કંપનીને દર વખતે STP ચલાવવાનો કોન્ટ્રાક્ટ પણ મળે છે. ખરેખર, દંડની ચોક્કસ જોગવાઈના કારણે ઘણી કંપનીઓ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેતી નથી, તેથી આ એક કંપની કરાર જીતતી રહે છે. 5 ઓગસ્ટના રોજ થનારી સ્થાયી સમિતિની બેઠકમાં એક જ ટેન્ડર પર STPને DNP ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ માટે બે વર્ષનો કોન્ટ્રાક્ટ આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

સાબરમતી નદીની ફાઈલ તસવીર
સાબરમતી નદીની ફાઈલ તસવીર

ત્રણ વર્ષના ટેન્ડરમાં ઓફર ન મળતા બે વર્ષનું ટેન્ડર બહાર પડાયું
દરખાસ્ત મુજબ, STP માટે ત્રણ વર્ષના કરારનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ એક પણ ટેન્ડર ઓફર મળી ન હતી. એટલા માટે બે વર્ષનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે કંપનીએ કોન્ટ્રાક્ટ આપ્યો તે પ્લાન્ટની સ્થિતિ તેમજ ક્લેરિફાયર્સ, વાયુ પ્રણાલીઓ, કાદવ સંભાળવાની વ્યવસ્થા જાળવવી પડશે. આ ટેન્ડરમાં એકમાત્ર લાયક કંપની DNP ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતી.

ખર્ચ મંજૂર થતાં 6 કરોડની મંજૂરી બાદ કંપની 1 જુલાઈથી કામ શરૂ કરવાની હતી. જો કે, પાણી અને ગટર વ્યવસ્થા સમિતિએ મંજૂરી આપી હતી કે જ્યાં સુધી પમ્પિંગ અપગ્રેડ પૂર્ણ ન થાય ત્યાં સુધી કંપની કામ કરશે. આ પ્લાન્ટ રૂ.58 કરોડના ખર્ચે 2008થી 2012 બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ એન્વીરો કંટ્રોલ નામની કંપનીને જાળવણી કામગીરી આપવામાં આવી હતી. જો કે, ત્યારથી DNP ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ પ્લાન્ટ ચલાવી રહી છે.