સુનાવણી:ગુજરાત હાઈકોર્ટે કસ્ટમ વિભાગને ખખડાવ્યો, કહ્યું-આ વ્યક્તિ પૈસા ભરવા તૈયાર છે તો દંડ ભરવાની વિગતો કેમ આપતા નથી, આવું તો કેમ ચાલે?

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાઈકોર્ટે મુસાફરને ડેપ્યુટી કમિશનર કસ્ટમ સાથે પોતાની રજૂઆત કરી પેમેન્ટ કરવા કહ્યું - Divya Bhaskar
હાઈકોર્ટે મુસાફરને ડેપ્યુટી કમિશનર કસ્ટમ સાથે પોતાની રજૂઆત કરી પેમેન્ટ કરવા કહ્યું
  • મુસાફરે પેનલ્ટી ભરવા તૈયારી પણ બતાવી, પણ કસ્ટમ વિભાગે જવાબ ન આપતા હાઈકોર્ટેમાં પિટિશન કરી
  • 8 મહિનાથી આ વ્યક્તિનો સામાન કેમ જપ્ત કરી રાખ્યો છે

ગુજરાત હાઈકોર્ટ કસ્ટમ ડિપાર્ટમેન્ટને ઉધડો લીધો છે. અમદાવાદ એરપોર્ટ પર ઓક્ટોબર 2020માં એક મુસાફર દુબઇથી આવ્યો હતો. એરપોર્ટ પર કસ્ટમ વિભાગના ચેકિંગ દરમિયાન સામાનમાંથી 24 આઈફોન અને એપલ વોચ મળ્યા હતાં.જેના કોઈ યોગ્ય પુરાવા ન હોવાના કારણે કસ્ટમ વિભાગે આ તમામ સામાન જપ્ત કરી લીધો હતો.

કસ્ટમ વિભાગે 2 મહિનામાં આ વ્યક્તિને દંડની રકમ ભરવા માટે કહ્યું હતું. ત્યારબાદ આ મુસાફરે માર્ચ 2021માં તમામ દંડ ભરવાની તૈયારી બતાવી અને પોતાનો માલ છોડવવા કસ્ટમ વિભાગને જાણ કરી હતી. તેમ છતાં તેમને કોઈ જવાબ ન મળ્યો. તેઓએ કસ્ટમ વિભાગને અનેક લેટર પણ લખ્યા પણ તેઓએ પેમેન્ટ માટેની વિગતો પણ ન આપી. જેથી મુસાફરે સામાન છોડવવા માટે હાઇકોર્ટેમાં પિટિશન દાખલ કરી હતી. ત્યાર બાદ હાઈકોર્ટે 10 ઓગસ્ટે કસ્ટમ ઓફિસરને હાજર રહેવા સમન્સ મોકલ્યું હતું.

60 દિવસમાં પેમેન્ટ કરવું પડે, શું ત્યારબાદ પેમેન્ટ ન કરી શકે?
આ મામલે હાઈકોર્ટે કસ્ટમ વિભાગનો ઉધડો લીધો હતો. કોર્ટે કહ્યું કે આ મુસાફર તમામ દંડ ભરવાની તૈયારી બતાવે છે તો તમે કેમ તેમને કોઈ જવાબ આપતા નથી. 8 મહિનાથી તેનો સામાન કેમ જપ્ત કરી રાખ્યો છે. તેમને પૈસા ભરવાની સમસ્યા લઈને કોર્ટમાં આવવું પડે છે. તેમાં પિટિશન માટે પણ ખર્ચ કરવો પડે છે આવી કેવી વ્યવસ્થા ઉભી કરી છે. તમે કહો છો કે ઓનલાઈન પેમેન્ટ થશે પણ કોને કરે તમે કસ્ટમ વિભાગના ખાતાની ડિટેલ આપી? તમે ખાલી બસ દંડ પેટે આટલી રકમ ભરવી પડશે એવું કહીને બેસી ગયા તો એવું કેમ ચાલે..?તમે કહો છો 60 દિવસમાં પેમેન્ટ કરવું પડે ત્યારબાદ શું તે પેમેન્ટ ન કરી શકે. આ મુસાફરની સમસ્યાનો નિકાલ લાવો અને આ મામલે ડેપ્યુટી કમિશનર કસ્ટમ કોર્ટમાં જવાબ રજૂ કરે.

હવે તમામ વિગતો આપીશું અને મદદ પુરી પાડીશું: કસ્ટમ વિભાગ
આ મામલે કસ્ટમ વિભાગના ડેપ્યુટી કમિશનરે કહ્યું કે તેમણે 60 દિવસમાં પૈસા ભરવાના હતા, પણ એ પૈસા ભર્યા નહીં. અમે તેમને ઓનલાઈન પેમેન્ટ કરવા માટે કહ્યું હતું. 60 દિવસ પછી એમને અપીલ કરવી પડે, ત્યારબાદ તે પેમેન્ટ કરી શકે. અમે તેમને હવે તમામ વિગતો આપીશું અને મદદ પુરી પાડીશું.

આ મામલે 20 ઓગસ્ટે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. જેમાં કોર્ટે મુસાફરને ડેપ્યુટી કમિશનર કસ્ટમ સાથે પોતાની રજૂઆત કરી પેમેન્ટ કરવા કહ્યું છે, સાથે જ ડેપ્યુટી કમિશનર કસ્ટમને આ મામલે જવાબ રજૂ કરવા માટે પણ આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...