હાઇકોર્ટમાં સુનાવણી:16 વર્ષથી USથી પરત ન ફરેલી મહિલાથી કોર્ટ નારાજ, જસ્ટિસ પારડીવાલાએ કહ્યું- USમાં નોકરી માટે 9 મહિનાના દીકરો-પતિ, લગ્નજીવન છોડ્યાં

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ
  • 2005માં લગ્ન બાદ પતિ-પત્નીએ US વિઝા માટે અરજી કરી જેમાં પત્નીના મંજૂર થતા વિદેશ ભણવા ગઈ
  • 2007માં USમાં બાળકને જન્મ આપ્યો હતો અને 9 મહિનામાં જ તેને સંબંધી સાથે ભારત મોકલી દીધું હતું
  • 10 વર્ષનો બાળક મામા પાસે રહેતો હોવાથી બાળકની કસ્ટડી તેમને જ સોંપી

જસ્ટિસ જે.બી પારડીવાલાએ કોર્ટમાં હાજર પત્નીના ભાઈને કહ્યું કે "તમે વિચાર તો કરો કે , કોઈ ત્રાહિત વ્યક્તિ સાથે ફ્લાઈટમાં ધાવતા દીકરાને મોકલી દીધો". ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આવેલા એક રસપ્રદ કિસ્સામાં USમાં રહેતી માતાએ પોતાના 9 મહિનાના બાળકને ફ્લાઈટમાં અન્ય વ્યક્તિ સાથે મોકલી દેવાની ઘટનાની ગંભીર નોંધ લીધી છે. સાથે જ લગ્નના 16 વર્ષ બાદ યુએસ ગયા પછી એક પણ વાર ભારત પરત ન ફરવાના વલણ સામે પણ નારાજગી વ્યક્ત કરી છે. તે 2005માં અમેરિકા અભ્યાસ અર્થે ગઈ હતી. તે દરમિયાન 2007માં એક બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ 9 મહિના પછી બાળકને એક સંબંધી સાથે અમેરિકાથી ભારત મોકલી દીધું હતું.

સંબંધી સાથે બાળકને ભારત મોકલી દીધો હતો
વર્ષ 2005માં અરજદાર પતિના પ્રતિવાદી મહિલા સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પતિ અને પત્નીએ US વિઝા માટે અરજી કરી હતી. જે પૈકી પત્નીના વિઝા મંજૂર થયા હતા અને પત્ની વિદેશ ભણવા ગઈ હતી. આ દરમિયાન વર્ષ 2007માં પત્નીને યુએસમાં બાળકનો જન્મ થયો હતો. બાળકના જન્મ થયા બાદ નવ મહિનામાં જ પત્નીએ પોતાના બાળકને ફ્લાઈટમાં તેના સંબંધી સાથે ભારત પરત મોકલી દીધો હતો. જે મામલે જસ્ટિસ જે.બી પારડીવાલાએ કોર્ટમાં હાજર પત્નીના ભાઈને કહ્યું કે "તમે વિચાર તો કરો કે , કોઈ ત્રાહિત વ્યક્તિ સાથે ફ્લાઈટમાં ધાવતા દીકરાને મોકલી દીધો".

લગ્નના 16 વર્ષ બાદ પતિએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી
લગ્ન થયાના 16 વર્ષ બાદ પણ પત્ની ભારત ન ફરતા પતિએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. પરંતુ પત્નીએ તે અંગે સહમતિ ન દર્શાવતા આ અરજી નામંજૂર કરવામાં આવી હતી. સાથે જ ફેમિલી કોર્ટે પતિને તેના બાળક માટે માસિક રૂ. 20 હજારની રકમ બાળકના ભરણપોષણ માટે આપવા હુકમ કર્યો હતો. ફેમિલી કોર્ટના હુકમને પડકારતાં ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જે મામલે સુનાવણી દરમિયાન જે.બી પારડીવાલા અને જસ્ટિસ નિરલ મહેતાની ખંડપીઠે કોર્ટમાં હાજર રહેલા મહિલાના ભાઈને ટકોર કરી કે તેમના બહેને યુ.એસમાં નોકરી માટે પોતાના દીકરા, પતિ અને લગ્નને છોડી દીધા, જો ભવિષ્યમાં પણ USનું નાગરિત્વ ન મળે તો શું થશે તેઓ પરત તો ફરશેને!

બંને પક્ષે છૂટાછેડાની સહમતિ ન થઈ શકી
સુનાવણી દરમિયાન બંને પક્ષે છૂટાછેડાની સહમતિ તો બની, પરંતુ હાલ બાળક કે જેની ઉંમર હાલ 10 વર્ષની છે, તેની કસ્ટડી કોણે સોંપવી તે અંગે સવાલ આવ્યો ત્યારે પિતાએ આ બાળકને સંભાળવાની તૈયારી દર્શાવી. પરંતુ કોર્ટ સમક્ષ હાજર થયેલા મહિલાના ભાઈએ નિવેદન આપ્યું કે, બાળક જ્યારથી ભારત આવ્યું છે, ત્યારથી તેમની જોડે રહે છે.

બાળકની કસ્ટડી તેના મામાને જ રાખવા હુકમ કર્યો
આ મામલે અરજદાર તરફથી હાજર થયેલા એડવોકેટ યોગીની પરીખે જણાવ્યું કે, કોર્ટે બાળકની કસ્ટડી તેના મામા એટલે કે મહિલાના ભાઈ પાસે જ રાખવા હુકમ કર્યો છે. સાથે જ કોર્ટે અરજદાર પતિને રૂપિયા 5 લાખ બાળકના નામે કરવા, ઉપરાંત અરજદાર પતિએ પોતાની આવક માત્ર 26 હજાર હોવાનું કહેતા કોર્ટે ભરણપોષણની રકમ 20,000થી ઘટાડીને રૂપિયા 10 હજાર નક્કી કરી છે. સાથે સાથે જ્યારે પિતા તેના બાળકને મળવા ઈચ્છે ત્યારે મળી શકે છે તેવો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...