ભરતી વિવાદનો અંત!:માહિતી વિભાગમાં વર્ગ 1-2ની ભરતીને પડકારતી અરજી હાઇકોર્ટે ફગાવી, અરજદારની સ્ટે લંબાવવાની રજુઆતને પણ નકારી

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
હાઇકોર્ટની ફાઈલ તસવીર - Divya Bhaskar
હાઇકોર્ટની ફાઈલ તસવીર
  • માહિતી ખાતાની ક્લાસ 1-2ના ઈન્ટરવ્યૂ નિયમ મુજબ ન લેવાયાનો આક્ષેપ હતો

માહિતી વિભાગમાં વર્ગ-1 અને 2ની અલગ અલગ પોસ્ટની ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટમાં મુખ્ય પરીક્ષા બાદ ઇન્ટરવ્યૂની પ્રક્રિયાને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. જે બાદ હાઈકોર્ટે આ ભરતી પ્રક્રિયા પર સ્ટે આપ્યો હતો. જોકે હવે કોર્ટે અરજદાર દ્વારા કરવામાં આવેલી રજુઆતોમાં દમ ન હોવાથી અરજી ફગાવી દેવાનો હુકમ કર્યો છે.

નિયમ મુજબ ઈન્ટરવ્યૂ ન લેવાયાનો આક્ષેપ હતો
વર્ષ 2021માં રાજ્ય સરકારના માહિતી ખાતામાં વર્ગ-1 અને 2ની અલગ-અલગ પદ માટેની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં મુખ્ય લેખિત પરીક્ષા યોજાયા બાદ સફળતા મેળવનાર ઉમેદવારોના ઇન્ટરવ્યુ યોજાયા હતા. આ ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં ધારાધોરણ અને નિયમ પ્રમાણે કાર્યવાહી ન થઈ હોવાના દાવા સાથે ગુજરાત હાઇકોર્ટમાં તેને પડકારવામાં આવી હતી. ડિસેમ્બર 2021માં ગુજરાત હાઇકોર્ટ ભરતી પ્રક્રિયા પર સ્ટે આપ્યો હતો. જોકે બન્ને પક્ષે રજૂઆતો સાંભળ્યા બાદ કોર્ટે અરજીને ફગાવી દીધી છે.

ભરતી પ્રક્રિયા પરનો સ્ટે પણ હાઇકોર્ટે હટાવ્યો
સાથે સાથે હાઈકોર્ટે ભરતી પ્રક્રિયા પર આપેલા સ્ટેને પણ હટાવી લીધો છે. આ મામલે અરજદારના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી કે, 'તેમને સિંગલ બેન્ચના ઓર્ડર સામે ડિવિઝન બેન્ચ સમક્ષ પડકારવા માટે ચાર સપ્તાહનો સમય આપવામાં આવે અને આ મનાઈ હુકમ 4 સપ્તાહ સુધી યથાવત રાખવામાં આવે. જોકે સામા પક્ષે સરકાર અને નિમણૂક પામેલા ઉમેદવારોને વકીલ તરફથી વાંધો ઉઠાવતા મનાઈ હુકમ પણ હટાવી લેવામાં આવ્યો છે જેથી ભરતી પ્રક્રિયાનો માર્ગ મોકળો થયો છે.

રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા લેવામાં આવેલ વર્ગ-1 અને 2ની પરીક્ષાના ઇન્ટરવ્યૂ પ્રક્રિયાને હાઇકોર્ટમાં પડકારાઈ હતી. જેમાં અરજદારોએ દાવો કર્યો હતો કે, ઇન્ટરવ્યૂ લેવા માટે 5 વ્યક્તિની પેનલના તમામ સભ્યોએ હાજર રહી ઇન્ટરવ્યૂ નથી લીધા. 100 માર્કના ઇન્ટરવ્યૂમાં પેનલના દરેક સભ્યોએ માર્ક આપવાના હોય છે પરંતુ પેનલના સભ્યોની સંખ્યા ઓછી હોવાના કારણે ઇન્ટરવ્યૂમાં અપાયેલા માર્કમાં સમાનતા જળવાઈ નથી. અરજદાર વતી હાઈકોર્ટમાં પણ ગણતરી કરવામાં આવી હતી કે ઇન્ટરવ્યૂ માટે રચવામાં આવેલ પાંચ સભ્યોની કમિટી પૈકી પહેલા દિવસે 4 સભ્ય, બીજા દિવસે 2 સભ્ય, એટલે કે નિયત કરવામાં આવેલ કમિટીના તમામ સભ્યો હાજર રહ્યા ન હતા. સાથે સાથે આ પ્રકારની પરીક્ષાઓ લેવા માટે જ્યારે ગુજરાત પાસે જાહેર સેવા આયોગનું માળખું અસ્તિત્વમાં છે, તો વિભાગ આ પરીક્ષા કેમ લઈ શકે! આ ઉપરાંત ઇન્ટરવ્યૂમાં જે પેનલીસ્ટ રાખવામાં આવ્યા હતા, તેની લાયકાત સામે પણ સવાલ ઉઠાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...