સુનાવણી:પૂર્વ IPS સંજીવ ભટ્ટ સામેના 25 વર્ષ જૂના NDPS કેસની 9 મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરવા હાઈકોર્ટનો આદેશ, FIRના કાગળો મેળવવાની માંગણી ગ્રાહ્ય રાખી

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પૂર્વ IPS સંજીવ ભટ્ટ - Divya Bhaskar
પૂર્વ IPS સંજીવ ભટ્ટ

પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટ સામે નોંધાયેલા NDPS(નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક) કેસ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો છે. બનાસકાંઠાના પાલનપુરમાં સંજીવ ભટ્ટ સામે 25 વર્ષ જૂના કેસની ટ્રાયલ 9 મહિનામાં પૂર્ણ કરવા હાઇકોર્ટે હુકમ કર્યો છે. સંજીવ ભટ્ટે ડીસા તાલુકાની અમુક એફ.આઈ.આર.ના કાગળો મેળવવા કરેલી માંગણીને કોર્ટે ગ્રાહ્ય રાખી છે.

સંજીવ ભટ્ટે 1996માં પાલનપુરની હોટેલમાં રાજસ્થાનના વકીલની રૂમમાં ખોટી રીતે ડ્રગ્સ પ્લાન્ટ કરી, દુકાન ખાલી કરવા ધમકી આપી વકીલને ફસાવવાનો આરોપ લાગ્યો હતો. 5 સપ્ટેમ્બર 2018માં સંજીવ ભટ્ટની ધરપકડ થઈ હતી.

સંબંધિત દસ્તાવેજો મેળવવા અરજી કરી હતી
આ મામલે સંજીવ ભટ્ટે ટ્રાયલ કેસમાં ઝડપથી કાર્યવાહી થાય તે માટે ગુજરાત હાઇકોર્ટમાં સંબધિત દસ્તાવેજો મેળવાય અને કાર્યવાહી થાય તે માટે અરજી કરી હતી. જે અંગે કોર્ટે 9 મહિનામાં આ કાર્યવાહી પૂર્ણ કરવા આદેશ કર્યો છે. આ મામલે કેસની ટ્રાયલ દરમિયાન જ્યારે જરૂરિયાત ઉભી થાય અને તે જરૂરિયાત યોગ્ય રીતે ટ્રાયલ કોર્ટ સમક્ષ મૂકી, કોર્ટે તે મુદ્દે નિર્ણય લેવાનું પણ કોર્ટે નોંધ્યું છે.

શું હતો કેસ
આ મામલે 2018માં સંજીવ ભટ્ટની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી હતી. પાલનપુરની એક હોટલના રૂમમાં અફીણનો જથ્થો મુકાવી રાજસ્થાન પાલીના એક વકીલને ખોટા કેસમાં ફસાવી દેવાના કેસમાં ધરપકડ કરી હતી. ઉપરાંત સીઆઈડી ક્રાઈમે પાલનપુરના તત્કાલીન પીઆઈ વ્યાસની પણ ધરપકડ કરી હતી. 30 એપ્રિલ, 1996માં એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં પાલનપુરની લાજવંતી હોટેલમાં સુમેરસિંહ રાજપુરોહિત અફીણનો જથ્થો લઈ આવનાર છે તેવી બાતમીના પગલે પોલીસે રેડ કરી એક કિલો 15 ગ્રામ અફીણ કબજે કર્યું હતું.

સંજીવ ભટ્ટ અને વિવાદો
સંજીવ ભટ્ટ જ્યારે ગોધરાકાંડના મામલે આક્ષેપ કરી રહ્યા હતા ત્યારે તેમને એક સુરક્ષાકર્મી સાથે ઝઘડો થયો હતી. આ દરમિયાન તેમણે સુરક્ષાકર્મીને લાફો મારી દીધો અને તેની ફરિયાદ પણ નોંધાઈ હતી. માત્ર એટલું જ નહીં, સંજીવ ભટ્ટે પોતાના મેમનગર પાસે આવેલા બંગલોમાં ગેરકાયદે બાંધકામ કર્યું હતું. જેને લઇ ખૂબ વિવાદ થયો હતો.

સંજીવ ભટ્ટે 2011માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરતા ખૂબ કાયદાકીય વિવાદ થયો હતો. આ સોગંદનામામાં તેમણે નરેન્દ્ર મોદી પર સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે 2002ના રમખાણો માટે રચવામાં આવેલી એસઆઈટી પર તેમને વિશ્વાસ નથી. તો બીજી તરફ ગુજરાત રાજ્યના અધિકારીઓએ ભટ્ટ પર આરોપ લગાવતા કહ્યું હતું કે તેઓ મોદી પર ખોટા આરોપો લગાવી રહ્યા છે.

2011માં સસ્પેન્ડ અને 2015માં ફરજમુક્ત
સંજીવ ભટ્ટને 2011માં રાજ્ય સરકાર દ્વારા ફરજ પર ગેરહાજર અને સરકારી વાહનોની મંજૂરી લીધા વિના દૂરઉપયોગ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ 2015માં કેન્દ્રીય ગૃહમંત્રાલયે તેમને સર્વિસ પરથી ફરજમુક્ત કરવાની ભલામણ કરી હતી. જેને માન્ય રાખવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...