ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ નિખિલ એસ કરિયલની પટણા હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની સુપ્રીમ કોર્ટના કોલેજીયમની ભલામણનો હાઈકોર્ટના વકીલોએ વિરોધ કર્યો છે. એટલું જ નહીં, આ નિર્ણયને ન્યાયપ્રક્રિયામાં ઘોર હસ્તક્ષેપ અને તેનું ગળું ટૂંપવા સમાન ગણાવતા હાઈકોર્ટ વકીલ એસોસિયેશને સોમવારે સવારે 10.30 વાગ્યા સુધી પોતાની સંપૂર્ણ કામગીરીથી અળગા રહેવાનો પણ ઠરાવ કર્યો છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટ વકીલ એસોસિયેશને હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર સમક્ષ પણ રજૂઆત કરી છે.
'ન્યાયતંત્રની સ્વતંત્રતાના મૃત્યુ' પર 2 મિનિટ મૌન
ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિયેશને એક યાદીમાં જણાવ્યું હતું કે, ગુરુવારે સવારે જ જસ્ટિસ નિખિલ કરિયલની પટણા હાઈકોર્ટમાં ટ્રાન્સફરની ભલામણના સમાચાર પ્રાપ્ત થયા હતા. આ સમાચાર મળતાં જ હાઈકોર્ટના વકીલોમાં ભારોભાર નારાજગી વ્યાપી હતી. ખિન્ન થયેલા ગુજરાત હાઈકોર્ટના વકીલો એક અભૂતપૂર્વ ઘટનામાં બપોરે 12 વાગ્યે ચીફ જસ્ટિસની અદાલતમાં એકત્ર થયા હતા અને ન્યાયતંત્રની સ્વતંત્રતાના મૃત્યુ થવા પર 2 મિનિટનું મૌન પાળ્યું હતું.
'જસ્ટિસ કરિયલ પ્રામાણિક અને નિષ્પક્ષ ન્યાયાધીશ
'એટલું જ નહીં, એસોસિયેશનના સભ્ય વકીલોએ માનનીય ચીફ જસ્ટિસને ખુલ્લી અદાલતમાં જણાવ્યું હતું કે, જસ્ટિસ કરિયલ જેવા પ્રામાણિક, સર્વશ્રેષ્ઠ, ગરિમાપૂર્ણ તેમજ નિષ્પક્ષ ન્યાયાધીશની આ રીતે પટણા હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવી એ સદંતર અયોગ્ય છે. વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓએ ચીફ જસ્ટિસને એવી પણ વિનંતી કરી હતી કે તેઓ બારની લાગણીને દેશના સર્વોચ્ચ ન્યાયાધીશ તથા કોલેજીયમ સમક્ષ પણ વ્યક્ત કરે.
દેશના ચીફ જસ્ટિસને પણ રજૂઆત કરાશે
ત્યારબાદ બપોરે 2 વાગ્યે હાઈકોર્ટ એડવોકેટ એડવોકેટ એસોસિયેશનની અસાધારણ સભા મળી હતી. આ સભામાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, આજથી અને અત્યારથી જ સોમવારે સવારે 10.30 વાગ્યા સુધી હાઈકોર્ટના તમામ ધારાશાસ્ત્રીઓ તેમના કાર્યથી અળગા રહેશે. આ ઉપરાંત બારનું એક પ્રતિનિધિમંડળ દેશના ચીફ જસ્ટિસની મુલાકાત લઈને તેમને આ ટ્રાન્સફરને રોકવા માટે રજૂઆત કરશે. આ ઉપરાંત સર્વોચ્ચ અદાલતમાં હાલ ગુજરાત હાઈકોર્ટમાંથી જે ન્યાયાધીશો ગયા છે તેમને પણ આ અંગે રજૂઆત કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.