સુનાવણી:PSI ભરતીની પરીક્ષામાં થયેલા વિવાદ મામલે ભરતી બોર્ડ અને રાજ્ય સરકારને હાઈકોર્ટે અરજન્ટ નોટીસ ફટકારી

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • કુલ જગ્યાની સામે પર્યાપ્ત માત્રામાં ઉમેદવારોને મેરિટમાં સમાવેશ નહીં કરાયાની રજૂઆત

રાજ્યમાં જાહેર થયેલ PSI ભરતીના પરિણામના વિવાદ મામલે હાઈકોર્ટે ભરતી બોર્ડ અને રાજ્ય સરકારને અરજન્ટ નોટીસ પાઠવી છે. તે ઉપરાંત વિષયની ગંભીરતાને જોતા આગામી 11 મેના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. હાઈકોર્ટ સમક્ષ આ સિવાય અન્ય બે અરજી કરવામાં આવી છે. જેમાં જનરલ કેટેગરીની બેઠકો ઓછી કરી દેવાઈ હોવાની ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે એક્સ આર્મીમેનને ભરતી પ્રક્રિયામાં થયેલ અન્યાય મુદ્દે પણ થઈ અરજી કરાઇ છે. આ ત્રણેય અરજી મામલે એક સાથે સુનવણી હાથ ધરવામાં આવશે.

સરકારને જવાબ રજૂ કરવા હાઈકોર્ટનો હૂકમ
થોડા દિવસો પહેલાં જ જારી કરવામાં આવેલ PSI ભરતીની પરીક્ષાના પરિણામને ગુજરાત હાઇકોર્ટમાં પડકારાયું છે. જે મામલે હાઇકોર્ટે ભરતી બોર્ડ અને રાજ્ય સરકારને અરજન્ટ નોટિસ પાઠવી જવાબ રજૂ કરવા માટે હુકમ કર્યો છે. વિષયની ગંભીરતાને જોતા હવે વેકેશન બેન્ચ સમક્ષ આ મામલે સુનવણી હાથ ધરવામાં આવશે. પ્રીલિમ પરીક્ષાના પરિણામ સામે વિરોધ નોંધાવતા ઉમેદવારોએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં રજૂઆત કરાઈ હતી કે કુલ જગ્યાની સામે પર્યાપ્ત માત્રામાં ઉમેદવારોને મેરિટમાં સમાવેશ નથી કરાયો.

કુલ જગ્યાના 3 ગણા ઉમેદવારોને મેરિટમાં સમાવવા જોઈએ
ઉમેદવારોની માંગ છે GPSC પેટર્ન પ્રમાણે જે-તે કેટેગરી પ્રમાણે એટલે કે ST, SC OBC અને બિનઅનામત વર્ગના ઉમેદવારોની કેટેગરી અનુસાર કુલ જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરવો જોઇએ. પરંતુ તેમ નથી કરવામાં આવ્યું. આમ કરવાની જગ્યાએ ભરતી બોર્ડ તમામ કેટેગરી મળી 3 ગણા ઉમેદવારોનો મેરીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 6 માર્ચ 2022 ના રોજ PSIની ભરતી માટે પ્રિલિમીનરી પરીક્ષા યોજાઇ હતી. કુલ 1382 જગ્યા માટે 88,880 ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા. જ્યારે ભરતી બોર્ડે જારી કરેલા પરિણામમાં 4311 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય જાહેર થયા છે.

અન્ય સમાચારો પણ છે...