રાજ્યના મહાનગરો અને અન્ય શહેરોના વાયુ પ્રદુષણનો મુદ્દો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. અમદાવાદ, અંકલેશ્વર, સુરત, રાજકોટ, વડોદરા, વાપી સહિતના શહેરોમાં પ્રદુષિત હવાને કારણે લોકોને પડતી હાલાકીનો મુદ્દો કોર્ટે ગંભીર ગણ્યો છે. વિવિધ ઉદ્યોગો મારફતે કોલસા બાળવાના કારણે હવામાં ફેલાતું પ્રદુષણ ડામવા નક્કર પગલાં જરૂરી હોવાની અરજદારે રજૂઆત કરી છે. શહેરોમાં નિયત માપદંડો કરતા 3થી 4 ગણું વધારે એર પોલ્યુશન હોવાની વિગતો કોર્ટ સમક્ષ મુકવામાં આવી છે. જેને પગલે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડને નોટિસ ઈશ્યૂ કરી છે. જે અંગે આગામી ઓક્ટોબર સુધીમાં રિપોર્ટ રજૂ કરવા કોર્ટે હુકમ કર્યો છે.
વાયુ પ્રદૂષણ શા માટે જોખમી?
વાયુ પ્રદૂષણની સીધી અસર શ્વસનતંત્ર પર પડે છે. પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન સાથે અન્ય બિનજરૂરી અને હાનિકારક ઘટકો શ્વાસમાં જવાથી શરીરનાં વિવિધ અંગો પર તેનો પ્રભાવ પડે છે, તેના લીધે શ્વાસનળીમાં સોજો અને ઇન્ફેક્શન, ફેફસાંમાં જાળાં બનવા અને ફાઇબ્રોસિસ (ઓક્સિજન ગ્રહણ ના કરી શકવાનો રોગ) થાય છે. વાયુ પ્રદૂષણને લીધે શ્વસનતંત્ર નબળું પડે છે, જેની સીધી અસર મગજ પર પડે છે. સતત વાયુ પ્રદૂષણના સંપર્કમાં રહેવાથી યાદશક્તિ નબળી થાય છે આ સાથે કિડનીના રોગો થવાનું જોખમ પણ વધી જાય છે.
ગર્ભવતી માતા અને ગર્ભમાં ઉછરી રહેલાં શિશુના સ્વાસ્થ્ય પર પણ તેની અસર થાય છે. વાયુ પ્રદૂષણના સંપર્કમાં રહેવાથી માતાના ગર્ભમાં ઉછરી રહેલું શિશુ અનેક બીમારીનો શિકાર બની શકે છે. અસ્થમાથી પીડિત લોકો માટે વાયુ પ્રદૂષણ વધુ જોખમીકારક સાબિત થાય છે. ચામડી અને આંખના રોગોથી પીડિત લોકોને વાયુ પ્રદૂષણથી વધારે નુકસાન થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.