તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંક્રમણ રોકવા લાલ આંખ:હાઈકોર્ટે સરકારને સૂચન કર્યું કે માસ્ક વિના ફરતા લોકોને 8 દિવસ કોવિડ સેન્ટરમાં મૂકો

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • હાઈકોર્ટે રાજ્ય સરકારને સંક્રમણને રોકવા માટે કડક પગલાં લેવા માટે આદેશ કર્યો

ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસો અંગે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને સંક્રમણને રોકવા માટે કડક પગલાં લેવા માટે આદેશ કર્યો છે. હાઈકોર્ટે કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં માસ્ક વિના ફરતા લોકો સામે લાલઆંખ કરી સરકારને સૂચન કર્યું હતું કે માસ્ક વિનાના લોકો પાસેથી દંડની સાથે 8 દિવસ કોવિડ સેન્ટરમાં કામ કરાવો. સરકાર આ મુદ્દે વિચાર કરે અને આગામી મુદત સમયે પોતાનો જવાબ રજૂ કરે.

શુક્રવારે સૌથી વધુ કેસ નોંધાયા
દરમિયાનમાં ગુજરાતમાં કોરોનાનો સેકન્ડ સ્પાઇક વધુ ખતરનાક સાબિત થઇ રહ્યો છે. દરરોજ કોરોનાના દર્દીઓની સંખ્યામાં તો વધારો થઇ જ રહ્યો છે, પરંતુ સાથેસાથે એક જ દિવસમાં સૌથી વધુ દર્દીઓ નોંધાવાના રેકોર્ડ લગભગ દરરોજ તૂટી રહ્યાં છે. ગુરુવારે આવો એક વિક્રમ 1,560 કેસનો નોંધાયા બાદ શુક્રવારે 1,607 નવા કેસ નોંધાયા હતાં, જે નવી સર્વોચ્ચ સપાટી છે. અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 2,05,116 થઇ છે. હાલ ગુજરાતમાં કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા 14,732 છે અને તેનો કુલ કેસની સામેનો ગુણોત્તર 7.1 છે. ગુજરાતમાં એક્ટિવ કેસ વધવાનો દર પણ ખૂબ વધી રહ્યો છે. આ ઉપરાંત કોરોનાના સંક્રમણનો વ્યાપ પણ એટલો જ વધી રહ્યો છે જે હાલ 0.8 ટકા થયો છે, જે અગાઉ 0.6 ટકા હતો.

ગુજરાતના રિકવરી રેટમાં ઘટાડો
દરરોજ થતાં ટેસ્ટની કુલ સંખ્યા સામે પોઝિટીવ આવી રહેલાં પોઝિટીવ કેસની ટકાવારી જોઇએ તો હાલ દર 100 ટેસ્ટમાંથી 2.31 ટેસ્ટ પોઝિટીવ આવી રહ્યાં છે. હાલ ભારતમાં આ પોઝિટીવીટી રેટ દર સો ટેસ્ટે 6.80 પોઝિટીવ કેસનો છે. કેસોમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે તેની સામે ગુજરાતનો રીકવરી રેટ ઘટી રહ્યો છે. હાલ ગુજરાતનો રીકવરી રેટ 90.9 ટકા છે જે આગલાં પખવાડીયાની સરખામણીએ એકાદ ટકા જેટલો હાલમાં ઘટાડો દર્શાવે છે. ભારતનો રીકવરી રેટ હાલ 93.64 ટકા છે. ગુજરાતમાં શુક્રવારે 1,388 દર્દીઓ સાજા થયાં અને આ સાથે કુલ 1,86,446 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

શું લગ્ન 1 વર્ષ માટે મોકૂફ ના રાખી શકાય? -હાઇકોર્ટ
કોરોનાના બીજા તબકકા દરમિયાન સરકારે શું પગલાં લીધા? હાઇકોર્ટે સરકારને આ વિશે પૂછતાં સરકાર તરફથી એવો જવાબ અપાયો હતો કે લગ્ન-મરણમાં મર્યાદિત લોકોની હાજરી ફરજિયાત કરી છે. લગ્નમાં 100 અને મરણમાં 50 માણસો હાજર રહી શકશે. કોર્ટે સરકારને એવો સવાલ કર્યો હતો કે શું લગ્ન 1 વર્ષ માટે મોકૂફ ન રાખી શકાય? લગ્નમાં ભેગા થયેલા 100 લોકો કોરોના નહીં ફેલાવે? આ સંજોગોને સરકાર કેવી રીતે નિયંત્રિત કરી શકશે?

અત્યાર સુધીમાં 4 વાર 1500થી વધુ અને એકવાર 1600થી વધુ કેસો નોંધાયા
અત્યાર સુધીમાં ગુજરાતમાં ત્રણવાર 1500થી વધુ કેસ નોંધાયા છે. જેમાં સૌપ્રથમવાર 21 નવેમ્બરે 1515 કેસ નોંધાયા હતા. ત્યાર બાદ 24 નવેમ્બરે 1510 અને 25મી નવેમ્બરના રોજ 1540 અને 26 નવેમ્બરે 1560 કેસ નોંધાયા અને 27 નવેમ્બરે તો 1600નો આંક વટાવીને 1607 કેસ નોંધાયા છે.

14,732 એક્ટિવ કેસ, 96 વેન્ટિલેટર પર, કુલ કેસ 2 લાખ 5 હજારથી વધુ
રાજ્યમાં અત્યાર સુધીમાં 76 લાખ 20 હજાર 892 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 લાખ 5 હજાર 116ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 3,938એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 1 લાખ 86 હજાર 446 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14,732 એક્ટિવ કેસ છે, જેમાંથી 96 વેન્ટિલેટર પર જ્યારે 14,636 દર્દીની હાલત સ્થિર છે.

સુપ્રીમ કોર્ટે રાજકોટની આગની ઘટનાની સુઓમોટો નોંધ લીધી
રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં 5 લોકોનાં મોત થયાં છે. સુપ્રીમે સુઓમોટો નોંધ લીધી હતી અને કહ્યું હતું કે આ અત્યંત આઘાતજનક ઘટના છે અને આ કાંઈ પહેલી નથી. સુપ્રીમ કોર્ટે, સોલિસિટર જનરલ તુષાર મહેતાને સ્પષ્ટ આદેશ આપ્યો, જે પણ આના માટે જવાબદાર હોય તેની સામે કડકમાં કડક પગલાં લેવાવા જોઈએ. જસ્ટિસ શાહે નોંધ કરીઃ કોઈપણ દુર્ઘટનાનું માત્ર કારણ આપીને સંતોષ માણી ન લો, આની કિંમત આપણે આવી દુર્ઘટનાઓના પુનરાવર્તનથી ચૂકવવી પડી રહી છે. તમે આવી ઘટનાના મૂળમાં જવું જોઈએ, સાચું કારણ શોધવું જોઈએ. અમદાવાદની એ હોસ્પિટલમાં શું થયું? કાર્યવાહી પૂરી થઈ ગઈ.... આ તો ખૂબ ગંભીર બાબત છે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે SITની રચના કરી છે. DCP મનોહરસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને SIT તપાસ કરશે. SITમાં ACP અને SOG પીઆઈની સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. SITના રિપોર્ટ બાદ આગળની તપાસ પણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...