રાજ્યમાં દીકરાની સરખામણીએ દીકરીઓની સંખ્યા ઝડપથી ઓછી થઇ રહી હોવાના દાવા સાથે IVF સેન્ટરની આડમાં ‘પુત્રપ્રાપ્તિ’ઈચ્છા સંતોષાતી હોવાની આક્ષેપ સાથે જાહેર હિતની અરજી કરવામાં આવી છે. જોકે આ અરજીને ચીફ જસ્ટિસની ખંડપીઠે નવેસરથી અરજી કરવાની છૂટ આપતા ફગાવી દીધી છે. અરજદારની દલીલો અંગે કોર્ટને સંતોષ ન થતા, અરજદારે મૂળ અરજીમાં સુધારાની રજૂઆત કરી પરંતુ કોર્ટે નવેસરથી અરજી કરવા માટે કહ્યું છે.
PCPNDTનો ભંગ થતો હોવાની અરજીમાં રજૂઆત
અપમૃત્યુ નિવારણ સહાય સંસ્થા તરફથી કરવામાં આવેલી જાહેર હિતની અરજીમાં PCPNDT(પ્રિ-કન્સેપ્શન એન્ડ પ્રિ-નેટલ ડાયગ્નોસિસ ટેકનિક્સ એક્ટ)નો ભંગ કરવામાં આવતો હોવાની રજૂઆત કરવામાં આવી હતી. અરજદારે કોર્ટ સમક્ષ એ પણ રજૂઆત કરી હતી કે, ગુજરાત અને એમાંય સુરતમાં IVF, એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન સેન્ટરમાં સંતાન મેળવવાની આડમાં માત્ર પુત્રથી ઝંખના કરતા દંપતીની ઇચ્છા પૂર્ણ કરવામાં આવે છે. જેથી રાજ્યમાં પુત્રીના જન્મદરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની ખંડપીઠે કહ્યું કે, અરજીનો ઈરાદો સરાહનીય છે, પરંતુ મુદ્દા અને બાબતો અપૂરતી છે જેથી નવેસરથી અરજી કરવામાં આવે.
PCPNDT અંતર્ગત નોંધાયેલા 38 પૈકી 20 કેસમાં આરોપી નિર્દોષ છૂટ્યા
રાજ્યમાં PCPNDT કાયદો તો છે પરંતુ તેનો અમલ ન થતો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ કાયદા સંદર્ભે 38 જેટલા કેસ નોંધાયા છે, જે પૈકી 20 કેસોમાં આરોપીને નિર્દોષ છોડવામાં આવ્યા હતા. મોટાભાગના કેસોમાં નિર્દોષ છોડાયા હોય તેમની વિરૂદ્ધ અપીલ પણ દાખલ કરવામાં આવી નથી. રાજ્યમાં IVF સેન્ટરો બિલાડીના ટોપની જેમ ખૂલી રહ્યા છે અને એની આડમાં ‘પુત્રપ્રાપ્તિ’ની સંતાનહીન દંપતીની ઈચ્છા સંતોષવામાં આવી રહી હોવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. આ સેન્ટરોમાં મહિલાના ગર્ભમાં દીકરો જ આવે એવી તરકીબો અપનાવે છે'
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.