ગુજરાત કોસ્ટ ગાર્ડ (ICG) અને ATS દ્વારા ગુપ્ત માહિતીના આધારે ભારતીય જળસીમામાં 05 ક્રૂ સાથે એક ઈરાની બોટને 61 કિલો હેરોઈન સાથે પકડી પાડી છે. ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, એક ઈરાની માછીમારી કરી રહેલી બોટમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ લાવવામાં આવી રહ્યું છે અને એને મધદરિયે ગુજરાતની કોઈ બોટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ બાતમી આધારે ATSની ટીમે ઓપરેશન શરૂ કર્યું હતું. દરિયામાં અંધારામાં ઓપરેશન પાર પાડવાનું હોવાથી કોસ્ટગાર્ડની મદદ લેવાઈ હતી.
તપાસમાં બોટ ઈરાની હોવાનું જાણવા મળ્યું
ભારતીય જળસીમામાં એક બોટ શંકાસ્પદ રીતે ફરતી જોવા મળી હતી. કોસ્ટગાર્ડની સ્પીડ બોટ દ્વારા દરિયામાં 190 નોટિકલ માઇલ્સ (340 કિમી) ખાતે પહોંચી, બાતમી પ્રમાણેની ઈરાની બોટને અટકાવવા પ્રયાસ કરાતાં તેણે ઇન્ડિયન મરીનલાઈન બહાર ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સુરક્ષાકર્મીઓએ એને અટકાવી બોટમાં તપાસ કરી હતી. તપાસમાં આ બોટ ઈરાની બોટ હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં ઈરાની નાગરિકતાના પાંચ ક્રૂ હતા. એમાંથી 425 કરોડની કિંમતનું 61 કિલો હેરોઇન જપ્ત કર્યું હતું. પાંચેય આરોપીને પકડીને બોટ સાથે રાત્રે ઓખા બંદરે લાવી કાર્યવાહી શરૂ કરાઈ હતી.
425 કરોડની કિંમતનો માદક પદાર્થ મળ્યો
આ સાથે બોટ અને ક્રૂની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ માટે એને ઓખા લાવવામાં આવી રહ્યા છે. છેલ્લા અઢાર મહિનામાં ICG એ ATS સાથેના સંકલનમાં આઠ વિદેશી જહાજને પકડી લીધાં છે અને રૂ. 2355.00 કરોડની કિંમતના 407 કિલોગ્રામ માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો છે.
પાક.ના પશની પોર્ટ પરથી ડ્રગ્સ લોડ કરાયાની આશંકા
ATSનાં સૂત્રોનું કહેવું છે કે ઇરાનના માછીમારો ગલ્ફ ઓફ ઓમાનથી પાકિસ્તાનના પશની પોર્ટ પર ગયા હોવાની શંકા છે, જ્યાંથી હેરોઇનનો જથ્થો લોડ કરીને મધદરિયે બીજી બોટમાં સપ્લાય કરવાનો પ્લાન હોવાની શક્યતા છે. આરોપીની આ મુદ્દે પૂછપરછ કરાશે.
ગુજરાતમાં અગાઉ પણ ડ્રગ્સ પકડાઈ ચૂક્યું છે
ગુજરાત ડ્રગ્સનો સિલ્ક રૂટ કેવી રીતે બન્યું....
2019: ગુજરાત એટીએસે રાજ્યમાં વિવિધ ઓપરેશન હાથ ધરીને કુલ 5 કિ.ગ્રા. મેથામ્ફેટામાઇન (એમ.ડી.)/ એફેડ્રિન ડ્રગ્સ, 100 કિ.ગ્રા. હેરોઈન તથા 2.596 કિ.ગ્રા. બ્રાઉનશુગરનો જથ્થો ઝડપી પાડ્યો. આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. 527 કરોડ થવા જાય છે.
2020: ગુજરાત એટીએસે ફરી રાજ્યમાં વિવિધ ઓપરેશન હાથ ધરીને કુલ 6.546 કિ.ગ્રા. મેથામ્ફેટામાઈન (એમ.ડી.)/ એફેડ્રિન ડ્રગ્સ, 35 કિ.ગ્રા. હેરોઈન તથા 653 ગ્રામ બ્રાઉનશુગરનો જથ્થો ઝડપી પાડ્યો. આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. 177 કરોડ થવા જાય છે.
2021: ગુજરાત એટીએસે અત્યાર સુધીમાં રાજ્યમાંથી કુલ 1 કિ.ગ્રા. મેથામ્ફેટામાઈન (એમ.ડી.), એફેડ્રિન ડ્રગ્સ, 60 કિ.ગ્રા. હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. 301 કરોડ થવા જાય છે.
શ્રીલંકામાં 43 વર્ષ બાદ ડ્રગ્સના તસ્કરોને ફાંસી મળતાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલ હચમચી
આ ત્રણેય વર્ષના આંકડાઓ અત્યંત ચોંકાવનારા છે અને બહુ મોટું સત્ય આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે. સામાન્ય રીતે ગુજરાત એટલે શાંતિપ્રિય, ગુનારહિત લોકોનું સ્થળ ગણાય છે, પરંતુ આજે આ ગુજરાત માત્ર ભારત જ નહીં, પરંતુ પૂર્વ અને ઉત્તર એશિયાના દેશોમાં ડ્રગ્સના કાળા કારોબારનો સિલ્કરૂટ બની ગયું છે. હવે સવાલ એ છે કે છેલ્લાં ત્રણેક વર્ષમાં એવું તે શું થયું કે ડ્રગ્સની હેરફેર માટે ગુજરાત એપી સેન્ટર બની ગયું. આનો જવાબ આપતા ગુજરાત ATSના IPS અધિકારી પહેલીવાર દિવ્ય ભાસ્કરને ગુજરાત ડ્રગ્સની તસ્કરીનો સિલ્કરૂટ કેવી રીતે બન્યું તે સમજાવે છે. વર્ષ 2019માં શ્રીલંકામાં ડ્રગ્સ ગુનામાં ચાર આરોપીને ફાંસીની સજા આપવામાં આવી. શ્રીલંકામાં 43 વર્ષ બાદ ડ્રગ્સના તસ્કરોને ફાંસી મળતાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલ હચમચી ગઈ અને તેણે અલગ રૂટ તરફ નજર દોડાવી. આમાં તેની નજર ગુજરાત પર પડી... અને ત્યારથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી આવતું ડ્રગ્સ મધ્ય, ઉત્તર તથા પૂર્વ એશિયાના દેશોમાં જમીનમાર્ગે હેરફેર માટે ગુજરાત એપી સેન્ટર બની ગયું.
NIAની ચાર્જશીટમાં ઘટસ્ફોટ...આતંકને બેઠો કરવા મુન્દ્રામાં ડ્રગ્સ મોકલાયું હતું, 22ને આરોપી બનાવ્યા, ચાર્જશીટમાં કંપનીનાં નામ સામેલ
મુન્દ્રા પોર્ટ પર સપ્ટેમ્બર 2021માં પકડાયેલા 2988.210 કિલોગ્રામ હેરોઇનના કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ સોમવારે બીજી પૂરક ચાર્જશીટ ફાઇલ કરી હતી. ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે હેરોઇનનો આ જથ્થો અફઘાનિસ્તાનથી વાયા ઈરાનના અબ્બાસ બંદર થઈ ગુજરાતમાં ઘુસાડાયો હતો. શરૂઆતમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ની ગાંધીધામ ટીમે આ મામલે કેસ નોંધ્યા બાદ 6 ઓક્ટોબર 2021ના રોજ એનઆઈએએ ફરી કેસ દાખલ કર્યો હતો.
14 માર્ચ 2022ના રોજ એનઆઈએએ 16 આરોપી સામે ચાર્જશીટ દાખલ કર્યા બાદ ગત 29 ઓગસ્ટે 9 આરોપી સામે પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. એનઆઈએએ સોમવારે અમદાવાદમાં એક સ્પેશિયલ કોર્ટમાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર સ્થિત ઓપરેટિવ મોહમ્મદ ઇકબાલ અવાન, દુબઈના વિત્યેશ કોસર ઉર્ફે રાજુ દુબઈ અને દિલ્હીના હરપ્રીતસિંહ સહિત 22 આરોપી અને કંપનીઓ વિરુદ્ધ પોતાની બીજી પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.