18 એપ્રિલ વિશ્વ વારસા દિન તરીકે ઉજવાય છે. અમદાવાદના હેરિટેજ સ્મારકોના સંવર્ધન અને સંરક્ષણ માટે તંત્ર અને નાગરિકો કેટલા જાગૃત છે તેનો ‘દિવ્ય ભાસ્કર’એ ઈતિહાસકાર રિઝવાન કાદરી પાસે ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરાવ્યો. કોટ વિસ્તારના કેટલાક સ્મારકો 10થી 50 ટકા સુધી ખંડિત થઈ ગયા હોવાથી તાત્કાલિક સિવિલ વર્કની જરૂરિયાત થઈ છે, પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. મ્યુનિ.એ હેરિટેજના સંવર્ધન માટે રૂ.55 કરોડ ફાળવ્યા છે. શહેરમાં 485 ઐતિહાસિક સ્મારકો છે જેણે અમદાવાદને દેશના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો અપાવ્યો છે. આ સ્મારકો દબાણ નીચે ઢંકાઈ ગયા છે. જો આવું જ ચાલશે તો શહેરનો વારસો માત્ર પુસ્તકોમાં જ જોવા મળશે.
ભદ્રનો કિલ્લોઃ ગેરકાયદે દબાણો એ હદે તાણી બંધાયાં છે કે કિલ્લો અડધોઅડધ ઢંકાઈ ગયો
નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરથી ભ્રદ્ર વિસ્તાર જાણીતો છે. ભદ્ર મંદિર અને ભદ્ર કિલ્લો 600 વર્ષ કરતા જૂનો વારસો છે. આજની સ્થિતિએ અહીં એટલી હદે દબાણ થઈ ગયું છે કે, ત્યાંથી પસાર થતા વ્યક્તિને સ્મારક અથવા મંદિર સુધી પહોંચવા ભારે જહેમત ઉઠાવવી પડે છે. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ભદ્રના વિકાસ માટે 70 કરોડથી વધુનો ખર્ચ કરાયો હતો અને આ વિસ્તારને નો-વ્હીકલ ઝોન તરીકે પણ જાહેર કરવામાં આવ્યો હતો.
બાદશાહનો હજીરોઃ ઘરવખરી અને ભંગારના ઢગલા ઐતિહાસિક સ્મારકની અસ્મિતાને હણી રહ્યા છે
માણેકચોક જુમ્મા મસ્જિદની પૂર્વ દિશાએ સામસામે બે મકબરા છે, જે બાદશાહનો હજીરો અને રાણીના હજીરા તરીકે ઓળખાય છે. આ બંને ઐતિહાસિક સ્મારકો પણ દબાણ વચ્ચે ખોવાઈ ગયા છે.
આસપાસના રહીશો અને દુકાનદારોએ પોતાની ઘરવખરી, ભંગાર મૂકતા સ્મારકની અસ્મિતા હણાય છે. દિવસે કોઈ પ્રવાસી મુલાકાતે આવે તો તેને લારીઓ જ જોવા મળે છે.
જુમ્મા મસ્જિદઃ મિનારા પરથી એક જમાનામાં પાવાગઢ જોઈ શકાતો હતો, પણ આજે મસ્જિદ જોવી મુશ્કેલ છે
ઈતિહાસકારો કહે છે કે, એક જમાનામાં અમદાવાદની જુમ્મા મસ્જિદના મિનારા પરથી પાવાગઢ દેખાતો હતો અને આજે તે જ જુમ્મા મસ્જિદ દબાણના કારણે દેખાતી નથી. જુમ્મા મસ્જિદની દીવાલને લગોલગ પાકા બાંધકામ અને છાપરાવાળી દુકાનો આવેલી છે. આ દુકાનો અહીં વર્ષોથી કાર્યરત છે. આ દુકાનોની માલિકી સામે પણ અનેક વખત પ્રશ્નો ઊભા થયા હતા.
ભરપાઈ ના થઈ શકે એ હદે નુકસાન થઈ રહ્યું છે
જાણ્યે-અજાણ્યે આપણે ઐતિહાસિક ધરોહરોને ભરપાઈ ના થઈ શકે એવું નુકસાન કરી રહ્યાં છીએ. જાળવણી નહીં થવાથી સ્મારકો નાશ થવાના આરે છે. તેને જાળવવા હેરિટેજ કમિટી, પુરાતત્વ વિભાગ, મ્યુનિ. અને સ્થાનિક નાગરિકોની સંયુક્ત જવાબદારી છે. - ડો. રિઝવાન કાદરી, જાણીતા ઈતિહાસકાર
સ્મારકો જાળવવા માટે નવા ઉપાયો કરવા પડશે
વારસાને જાળવવા સંવર્ધન, સંરક્ષણની જરૂર છે. શહેરના એવા ઘણા સ્મારકો છે જેનું ઐતિહાસિક મહત્વ છે. તેને પ્રતિકૃતિ, ટીશર્ટ, સોવિનિયર્સ દ્વારા પ્રચલિત કરવાની જરૂર છે. રાત્રિના સમયે પણ આ ઐતિહાસિક ધરોહર પર લોકોની દૃષ્ટિ પડે તે માટે લાઈટો મૂકવી જોઈએ. - ડો. હેમંત ભટ્ટ, ટ્રસ્ટી, હેરિટેજ ટ્રસ્ટ
લારીઓ-ગલ્લાંને કારણે સ્મારક જોઈ શકાતા નથી
બાદશાહના હજીરાને જોવા આવતા મુલાકાતીઓ ખૂબ ખરાબ છાપ લઈને જાય છે. લારી-ગલ્લા, કાટમાળ અને ટેબલ-ખુરશીઓનું દબાણ અહીં વર્ષોથી છે. તંત્ર સમક્ષ ફરિયાદ કરવા છતાં કોઈ એક્શન લેવાતા નથી. - અનવર હુસેન, દરગાહમાં સેવા આપનાર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.