અમદાવાદના પોલીસ કમિશનર શું કહે છે?:પ્રમુખસ્વામી નગરમાં જ્યાં રોજ બે લાખ લોકો ભેગા થવાના છે ત્યાંનો 'સિક્યુરિટી અને ટ્રાફિક માસ્ટર પ્લાન' જાણીને દંગ રહી જશો

અમદાવાદ4 મહિનો પહેલાલેખક: ચેતન પુરોહિત
  • કૉપી લિંક

''પ્રમુખસ્વામી મહરાજ જન્મ શતાબ્દી મહોત્સવ માટે સિક્યુરિટીને લગતી તમામ વ્યવસ્થાની અમે સામેથી જ જવાબદારી માંગી હતી અને તેની અમારી તૈયારીઓ થઈ ચૂકી છે. બીજી તરફ આ મહોત્સવમાં એક મહિના સુધી રોજના બેથી ત્રણ લાખ લોકો આવે તેવી શક્યતા છે. આ માટે અમે એક મહિના સુધી ડીસીપી સહિતના અધિકારીઓ તેમજ VVIP માટે NSG અને એક્સ્ટ્રા ફોર્સની વ્યવસ્થા કરી છે. આગામી દિવસોમાં અમે તમામ પ્લાન તૈયાર રાખ્યો છે કારણ કે અહીંયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના છે. યુનિયન હોમ મિનિસ્ટર અને દુબઈના મોસ્ટ VVIP લોકો પણ આવવાના છે. અમે ત્રણ શિફ્ટમાં કામ કરીશું.'' આ શબ્દો છે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના જેમણે આ મહોત્સવને લગતી સુરક્ષા વ્યવસ્થાની વિગતો દિવ્ય ભાસ્કરને જણાવી છે.

દિવ્ય ભાસ્કર:- પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં પોલીસ કઈ રીતે કામ કરશે?
સંજય શ્રીવાસ્તવ:-
જ્યારે પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવની તૈયારી કરવાની વાત આવી ત્યારે અમે સામેથી જ આ સમગ્ર સુરક્ષાની વ્યવસ્થાની તૈયારી અને વ્યવસ્થા કરવાના છીએ તેવું જણાવ્યું હતું. અમે વોલન્ટિયર તરીકે આ જવાબદારી સ્વીકારી છે કારણ કે, એક મહિના સુધી ચાલતા આ કાર્યક્રમમાં લાખો લોકો રોજ આવશે. જે માટે અમદાવાદ પોલીસ ફોર્સની સાથે અમદાવાદ જિલ્લા પોલીસ અને ગાંધીનગર પોલીસ જોડાશે. આ સમગ્ર વ્યવસ્થા પોલીસ અને બીએપીએસના વોલન્ટિયર સાથે મળીને કરવાના છીએ જે માટે વોલન્ટિયરને ટ્રેનિંગ પણ આપીએ છીએ.

દિવ્ય ભાસ્કર:- કઈ રીતે વ્યવસ્થા થશે, પોલીસ શું કરશે જેનાથી અવનાર તમામ સલામત અને સુરક્ષિત રહે?
સંજય શ્રીવાસ્તવ:-
અમારી પ્રાયોરિટી અહીંયા આવતા લોકોની તમામ સુરક્ષા વ્યવસ્થા કરવાની છે. જે માટે અમે અત્યારે મિટિંગો કરી રહ્યા છીએ. રાજ્યના પોલીસવડા સહિત ઉચ્ચ અધિકારી દ્વારા આ કાર્યક્રમ સંદર્ભે મિટિંગોનો દોર શરૂ થયો છે. અમારી પાસે 13 હજારથી વધુ પોલીસ ફોર્સ છે. જ્યારે જિલ્લા અને ગાંધીનગર પોલીસની મદદ મંગાવવામાં આવી છે. એસઆરપીની ટુકડીઓ ગોઠવવામાં આવશે. તેમજ VVIP માટે આખી અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા આવનાર તમામ લોકો માટે ખાસ સુરક્ષા વ્યવસ્થાની તૈયારીના ભાગરૂપે અત્યારથી જ એસઆરપીની ટુકડી મૂકી દેવામાં આવી છે. બીજી તરફ અહીંયા અમારો કંટ્રોલ રૂમ હશે જેમાં આ વિસ્તારમાં બનતી નાની મોટી ઘટનાઓની તમામ બાબતોની નોંધ લેવાશે અને જરૂર પડશે તો પોલીસ દ્વારા એક્શન પણ લેવામાં આવશે. બીજી તરફ અહીંયા વધુ ફોર્સ પણ જરૂર પડશે તો મંગાવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર:- સુરક્ષાની મહત્ત્વની જવાબદારી કોની રહેશે, કઈ રીતે કામ કરશે?
સંજય શ્રીવાસ્તવ:-
અમારા દ્વારા સુરક્ષાની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે અને મુખ્ય જવાબદારી પણ અમારી છે. બીજી તરફ નગરની અંદર વોલન્ટિયર પોલીસની સાથે હશે. જેમાં એક પોલીસની સાથે બે વોલન્ટિયર ભેગા કામ કરશે અને આખા નગરમાં તમામ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જે માટે વોલન્ટિયરો પણ ખૂબ સારી રીતે અમારી સાથે કામ કરી રહ્યા છે અને નગરની અંદર 300 પોલીસ કર્મીઓ હાજર રહેશે. તેમની સાથે 600 વોલન્ટિયરો હશે. જે તમામ અંદરની સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાન રાખશે.

દિવ્ય ભાસ્કર:- વીઆઇપી અને VVIP અહીંયા આવશે, જેઓ માટે શું વ્યવસ્થા છે?
સંજય શ્રીવાસ્તવ:-
પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં બનાવવામાં આવેલા નગરમાં પ્રધાનમંત્રી સહિત યુનિયન હોમ મિનિસ્ટર અને અનેકવિધ VIP આવવાના છે. જે માટે ખાસ અલગ સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ પણ કરવામાં આવી છે. 14 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં આવશે. ત્યારબાદ 15મી તારીખે યુનિયન હોમ મિનિસ્ટર અને દુબઈના શેખ પણ આવવાના છે. જે અંગેના અમને કન્ફર્મેશન મળ્યાં છે. જેને લઇ તૈયારીઓ કરવામાં આવી છે. આ માટે એસપીજી, VVIP એસ્કોર્ટ અને સિનિયર પોલીસ ઓફિસરને જવાબદારી સોંપવામાં આવશે. જે અંગેની ખાસ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. હાલ ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ કરવામાં આવી છે. બીએપીએસ દ્વારા અમને જે જે વીવીઆઈપી કન્ફર્મ થાય છે તેમનું લિસ્ટ આપવામાં આવે છે. ત્યારબાદ તેમની સુરક્ષાને લઈને વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર:- કઈ કેટેગરી આધારે સુરક્ષા વ્યવસ્થા હશે, કેટલા અધિકારી હશે?
સંજય શ્રીવાસ્તવ:-
સામાન્ય રીતે અહીંયા અમે બે કેટેગરીની સુરક્ષા વ્યવસ્થા કરી છે. જેમાં એક વેન સિક્યુરિટી છે જે આખો મહિના સુધી સિક્યુરિટીની વ્યવસ્થા જોશે. જ્યારે અન્ય એક કેટેગરીમાં વીવીઆઈપી સુરક્ષા વ્યવસ્થા છે. જેમાં VVIPના આધારે તેમની સુરક્ષા વ્યવસ્થામાં અધિકારી જોડાશે. પરંતુ ખાસ કરીને આ તમામ વ્યવસ્થા માટે સાત ડીસીપી, 39 પીઆઇ અને 200થી વધુ પીએસઆઇ ફાળવવામાં આવ્યા છે. 2500 કોન્સ્ટેબલ, 1 કંપની એસઆરપી પછી અન્ય જગ્યાએથી પણ ફોર્સ મંગાવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે અને વધારે અધિકારીઓ પણ જોડવામાં આવે એવી શક્યતાઓ છે.

દિવ્ય ભાસ્કર:- તમેં કઈ રીતે પ્લાનિંગ કરવાના છો જેથી લોકોને તકલીફ ન પડે અને લાખો લોકો શાંતિથી ફરી શકે?
સંજય શ્રીવાસ્તવ:-
પ્રમુખસ્વામી જન્મ શતાબ્દીના પ્રસંગના કારણે જે આખું નગર બનાવવામાં આવે છે. ત્યાં સવારની આરતીથી રાતના દસ વાગ્યા સુધી લોકો રહેશે. જે માટે અમે અહીંયા ત્રણ શિફ્ટમાં પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરી છે. જેઓ સવાર, સાંજ અને રાત ત્રણ શિફ્ટમાં કામ કરશે. અહીંયા આવનાર તમામ લોકોને કોઈ પણ જગ્યાએ અગવડ ન પડે તે માટે નગરની અંદર સીસીટીવી કંટ્રોલરૂમ બનાવવામાં આવ્યો છે એનું સતત મોનિટરિંગ કરવામાં આવશે. પોલીસ કામ કરશે જેમાં વાહન પાર્કિંગ, ઇન્ટર્નલ સિક્યુરિટી અને હાઇવે પર ટ્રાફિકજામ ના થાય તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે સવારે નગરનો કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં એક કલાક અને કાર્યક્રમ પૂર્ણ થાય ત્યારબાદ એક કલાક સુધી સજ્જડ સુરક્ષા વ્યવસ્થાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અહીંયા અન્ય જાહેર પ્રસંગની જેમ જ વ્યવસ્થા માટે કોઈ કચાસ છોડવામાં આવી નથી. જેની જવાબદારી સ્થાનિક પોલીસ સ્ટેશન સોલા ડીસીપી અને તેનું સમગ્ર ઓબ્ઝર્વેશન સેક્ટર વન કરશે.

દિવ્ય ભાસ્કર:- ઇમર્જન્સી અને પ્રાથમિકતા માટે શું વ્યવસ્થા છે?
સંજય શ્રીવાસ્તવ:-
જે નગર બનાવવામાં આવ્યું છે ત્યાં આગળ ફિક્સ મેટલ ડિટેક્ટર તેમજ હેડ મેટલ ડિટેક્ટર અને બોમ્બ સ્કોડની ટીમ સતત ત્યાં હાજર રહેશે. દરેક ગેટમાંથી અંદર જતા તમામને સ્કેન કરવામાં આવશે તેની સાથે તેમની બેંક હશે. એટલે કે કોઈપણ સામાન હોય તેને સ્કેન કર્યા બાદ જ નગરમાં પ્રવેશ આપવામાં આવશે. એટલે એક રીતે જોવામાં આવે તો તમામ માઇક્રો પ્લાનિંગ કરીને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને હજુ પણ સુરક્ષા વ્યવસ્થા માટે આયોજન કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર:- બહારના ફોર્સની મદદ કઈ રીતે મળશે?
સંજય શ્રીવાસ્તવ:-
બીએપીએસ કાર્યક્રમમાં દેશ-વિદેશના અનેક VVIP આવવના છે. તે માટે ચેતક, NSG અને અન્ય ફોર્સ પણ હશે. તેની સાથે સ્નિફર ડોગ અને દરેક સિક્યુરિટી સાથે વાયરલેસ કનેક્ટિવિટી હશે. જેથી દરેક મૂવમેન્ટ પર નજર રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આ સુરક્ષા વ્યવસ્થા મહેમાનના આધારે નક્કી કરવામાં આવશે.

દિવ્યભાસ્કર:- આટલી બધી પોલીસ ત્યાં હશે તો એની વ્યવસ્થા શું કરવામાં આવી છે?
સંજય શ્રીવાસ્તવ:-
બીએપીએસ દ્વારા બનાવવામાં આવેલા નગરમાં બીએપીએસ દ્વારા સામાન્ય લોકોની સાથે પોલીસને પણ ખૂબ મદદ કરવામાં આવી રહી છે. અત્યારે 300 જેટલા પોલીસ કર્મચારીઓને ત્યાં રહેવાની વ્યવસ્થા પણ બીએપીએસ દ્વારા કરવામાં આવી છે. જે નગરની અંદર રહેશે અને તેમની સાથે બે વોલન્ટિયર પણ છે. જેઓ માટે આખી વ્યવસ્થા બીએપીએસ દ્વારા ગોઠવવામાં આવી છે. બીએપીએસએ ખૂબ જ માઇક્રો લેવલે પ્લાનિંગ કર્યું છે અને દરેક લેવલે પોલીસને મદદ પણ કરી રહ્યા છે.

દિવ્યભાસ્કર:- પ્રધાનમંત્રી માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે?
સંજય શ્રીવાસ્તવ:-
પ્રધાનમંત્રી નગરમાં આવવાના છે તે સમયે તેઓ ત્યાં એક સભા કરવાના છે. જેમાં 10 હજારથી વધુ લોકો હાજર રહેવાના છે. આ સમયે કઈ રીતે વ્યવસ્થા ગોઠવવાની એનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. આ સમયે એવી રીતે જાહેર સભામાં વ્યવસ્થા હોય છે એ પ્રમાણે બંદોબસ્ત ગોઠવવામાં આવશે. એક્સ્ટ્રા ફોર્સ પણ મૂકવામાં આવશે અને નગરની અંદર કોઈપણ મુશ્કેલીના સર્જાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે. આ અંગે અન્ય અધિકારી સાથે પણ ચર્ચા કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર:- કેટલા લોકો આવશે તેવો અંદાજ છે અને કેટલી વાહન પાર્કિગ વ્યવસ્થા છે?
સંજય શ્રીવાસ્તવ:-
અહીંયા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં રોજના બેથી ત્રણ લાખ લોકો આવે તેવા અંદાજના આધારે સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અહીંયા એક મહિના સુધી આટલા લોકો આવે ત્યારે વાહન પાર્કિંગ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અમારી પોલીસ ત્યાં હાજર રહેશે. અંદાજે 80થી 90 હજાર વાહનો પાર્ક થઈ શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. તે સરળ રહે તે માટે અમારી પોલીસ ત્યાં હાજર હશે.

દિવ્ય ભાસ્કર:- એક મહિનાનો કાર્યક્રમ તમારા માટે શું ચેલેન્જ હશે અને કઈ રીતે પૂર્ણ કરશો?
સંજય શ્રીવાસ્તવ:-
એક મહિના સુધી ચાલનારા આ કાર્યક્રમમાં અમે દરેક લેયરનો વિચાર કર્યો છે અને બીએપીએસએ જે પ્રકારે આયોજન કર્યું છે તે ખૂબ ઉમદા આયોજન છે. જેમાં અમે એક કોર ટીમ બનાવી છે. જેમાં એક ડીસીપી બીએપીએસ સાથે સતત કોર્ડિનેટ કરશે. ત્યારબાદ એક એસઆઇટીની પણ નિમણૂક કરવામાં આવશે. જે સમગ્ર કાર્યક્રમને નાનામાં નાની બાબતને સોલ્વ કરવામાં પ્રયાસ કરશે. ખરેખર આ કાર્યક્રમ અમારા માટે એક લર્નિંગ છે જેને ક્યારેય ભૂલી શકાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...