અમદાવાદ શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી 18,418 મૃત્યુ થયા છે. મૃતકોના પરિવારને રૂપિયા 50 હજાર પ્રમાણે 92 કરોડની સહાય ચૂકવાઇ છે. આરોગ્ય વિભાગના અહેવાલ મુજબ કોરોનાથી 3554 મૃત્યુ થયા છે. આનો અર્થ એ થયો કે અહેવાલ સિવાયના 14864 લોકો પણ મૃત્યુ પામ્યા હતા. કુલ મૃત્યુ આંક 18,418 છે. આ ઉપરાંત 160 મૃતકોના પરિવારને હજી સહાય ચૂકવવાની બાકી છે.
સ્થાનિક આરોગ્ય વિભાગે કોરોનાથી માત્ર 3554 મૃત્યુ દર્શાવ્યા હતાં. જેમાંથી 3516ને આર્થિક સહાય ચૂકવાઇ ગઇ છે. જ્યારે 38ની અરજીનો હજી નિકાલ કરાયો નથી. જેમાં સૌથી વધુ અરજી મણિનગર તાલુકાની 15, અસારવાની 6, સાબરમતીની 8, વટવાની 2, ઘાટલોડિયાની 3, વેજલપુરની 1 અને દસક્રોઇની 3 અરજીનો નિકાલ થયો નથી. આરોગ્ય વિભાગની યાદી સિવાય 16,561 મૃતકના પરિવારો તરફથી અરજી મળી હતી. જેમાંથી 15,112 મૃતકોની અરજીમાં હુકમ કરાયો હતો અને 14,864 મૃતકોની સહાય ચૂકવવા આદેશ કરાયો હતો.
હાલ સરકાર તરફથી સમયસર ગ્રાન્ટ આવતી નહીં હોવાથી હુકમ બાકી રાખ્યો છે. છેલ્લા કેટલાક સમયથી સપ્તાહમાં એક કે બે મૃતકના પરિવાર તરફથી અરજી મળે છે. એક અરજદારે નામ નહીં આપવાની શરતે કહ્યું કે, સરકારે કોરોના મૃત્યુની સહાય માટે સમય મર્યાદા બાંધી છે. પરંતુ સહાયની ચૂકવણી માટે સમય મર્યાદા નક્કી નથી. સરકારી ગ્રાન્ટ સમયસર નહીં આવવાના લીધે લોકોને એક કે બે મહિને આર્થિક સહાય ચૂકવાય છે. નામંજૂર કરેલા ફોર્મના 1289 પરિવારમાંથી મોટાભાગનાએ વાંધા અરજી કરી છે.
મણિનગરમાં કોરોનાથી સૌથી વધુ 4499 લોકો મૃત્યુ પામ્યા
તાલુકો | કુલ ચૂકવણી | ના મંજૂર | હુકમ બાકી |
અસારવા | 3512 | 86 | 73 |
મણિનગર | 4126 | 337 | 36 |
વટવા | 1435 | 273 | 7 |
સાબરમતી | 4076 | 159 | 0 |
ઘાટલોડિયા | 1790 | 266 | 2 |
વેજલપુર | 1701 | 46 | 0 |
વિરમગામ | 254 | 9 | 1 |
માંડલ | 109 | 4 | 3 |
તાલુકો | કુલ ચૂકવણી | ના મંજૂર | હુકમ બાકી |
દેત્રોજ | 85 | 8 | 1 |
ધોળકા | 338 | 12 | 1 |
બાવળા | 143 | 209 | 2 |
ધંધુકા | 177 | 0 | 0 |
ધોલેરા | 46 | 2 | 0 |
દસ્ક્રોઇ | 389 | 90 | 31 |
સાણંદ | 219 | 70 | 3 |
કુલ | 18,418 | 1289 | 160 |
નિયમ બદલાયો કલેક્ટર કચેરી ઓનલાઈન અરજી જ સ્વીકારતી હોવાથી લોકોને મુશ્કેલી
સરકારે કોરોના મૃત્યુ સહાય ઓનલાઇન-ઓફલાઇન અરજી સ્વીકારવાની વ્યવસ્થા કરી હતી. પરંતુ જિલ્લા કલેક્ટર કચેરી હવે માત્ર ઓનલાઇન અરજી સ્વીકારે છે. ઓફલાઇન અરજી લઇને જતા અરજદારોને રવાના કરાય છે. કચેરીમાં ઓનલાઇન અરજી માટેની વ્યવસ્થા કરી આપે તો હજી પણ સહાયથી વંચિત મૃતકના પરિવારને રૂ.50 હજારની સહાયનો લાભ મળી શકે છે.
પૂરતા પુરાવા ન હોય તો પણ 50 હજાર સહાય માટે કરાયેલી 200 અરજી સ્વીકારાઈ હતી
કોરોનાથી મૃત્યુ થયા હોય તેવા કિસ્સામાં પૂરતા પુરાવા ના હોય તો સ્થાનિક કક્ષાએ અરજી નામંજૂર કરવામાં આવી હતી. અરજદારોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની કમિટી અને અમદાવાદ જિલ્લા કલેકટર કક્ષાની કમિટી સમક્ષ પુન અરજી કરી હતી આવી અંદાજે 200 અરજીઓ કમિટીએ મંજૂર કરી આર્થિક સહાય અપાવી હતી. હાલ આવી એકપણ અરજી સ્થાનિક કક્ષાએ પેન્ડિંગ નહીં હોવાનો ઉચ્ચ અધિકારીઓએ દાવો કર્યો છે.
હવે 3 મહિનામાં અરજી કરવામાં ન આવે તો સહાય ચૂકવાશે નહીં
સરકારે કરાયેલી જાહેરાત મુજબ ગત એપ્રિલથી કોરોનાથી મૃત્યુ બાદ ત્રણ મહિનામાં અરજી કરવાની રહેશે. મૃતકના પરિવાર તરફથી ત્રણ મહિનામાં અરજી કરાશે તો સહાય ચૂકવાશે. અત્યાર સુધી મૃતકનો પરિવાર ગમે ત્યારે અરજી કરી શકતો હતો. હવે અરજી કરવામાં સમય મર્યાદા બાંધી દેવાઇ છે. જોકે સહાયની ચૂકવણી અંગે કોઈ સમયમર્યાદા બાંધવામાં આવી નહીં હોવા સામે લોકોએ રોષ ઠાલવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.