ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા 14 માર્ચથી શરૂ થવાની છે. ત્યારે પ્રથમ વખત બોર્ડની પરીક્ષાને લઈને મૂંઝવણ અનુભવતા વિદ્યાર્થીઓ માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સારથી હેલ્પલાઇન તથા કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી કોઈ પ્રશ્ન હોય અથવા મનોવૈજ્ઞાનિક પ્રશ્નો હોય તેનું નિરાકરણ આપવામાં આવશે.
કાઉન્સિલરની ટીમ તૈયાર કરવામાં આવી
હેલ્પલાઈનમાં ગુજરાત બોર્ડના પૂર્વ અધિકારીઓ અને નિષ્ણાત શિક્ષકોને રાખવામાં આવ્યા છે જે વિદ્યાર્થીઓને ઉદભવતા પ્રશ્નોના જવાબ આપશે તથા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરશે. સારથી હેલ્પલાઇન વોટસએપ નંબર પણ જાહેર કર્યો છે જે 24 કલાક ચાલુ રહેશે. આ ઉપરાંત ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે તજજ્ઞોની વિષય પ્રમાણે ટીમ તૈયાર કરવામાં આવી છે. વોટસએપ પર આવેલ મૂંઝવણનો તજજ્ઞ દ્વારા વિદ્યાર્થીઓનો સીધો સંપર્ક કરીને જવાબ આપવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ કે વાલીને પરીક્ષાલક્ષી મનોવૈજ્ઞાનિક પ્રશ્નો માટે પણ સાઈકોલોજીસ્ટ કાઉન્સિલરની ટીમ તૈયાર કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓને જવાબ આપશે. સારથી હેલ્પલાઇન વોટસએપ નંબર- 9909922648 છે. આ નંબર 24 કલાક ચાલુ રહેશે.
આચાર્ય અને નિવૃત આચાર્યની કાઉન્સેલિંગ ટીમ
બોર્ડના પૂર્વ સચિવ આર.આઈ.પટેલ, પૂર્વ નાયબ નિયામક એ.કે.રાઠોડ અને પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી આર.સી પટેલ સહિત અલગ અલગ 8 જેટલા આચાર્ય, નિવૃત આચાર્ય કાઉન્સેલિંગ ટીમમાં રહેશે. જે અલગ અલગ વિસ્તારમાં કાઉન્સેલિંગ કરશે. બોર્ડ દ્વારા વિસ્તાર પ્રમાણે કાઉન્સેલરની યાદી જાહેર કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.