પેજ-થ્રી લાઈફસ્ટાઈલનું કલ્ચર અત્યારસુધી મુંબઈ-દિલ્હી જેવા મહાનગરોમાં જોવા મળતું હતું, જે હવે અમદાવાદ જેવા શહેરમાં પણ વધી રહ્યું છે. જેમાં વિજાતીયની સાથે સજાતીય સંબંધોનું કલચર પણ હાઈપ્રોફાઇલ લોકો અને પરિવારોમાં વધી રહ્યું છે. અત્યારસુધી જેને ટેબુ (અરુચિકર) તરીકે જોવામાં આવતું હતું તે ગે અને લેસ્બિયન સંબંધોનું પ્રમાણ વધી રહ્યું છે. સામાન્ય વ્યક્તિઓ ઉપરાંત પ્રોફેસર, બિઝનેસમેન અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ જેવા સુશિક્ષિત અને સંપન્ન લોકો આવા કલ્ચરમાં જોડાઈ રહ્યા છે. પરંતુ આની સાથે-સાથે આવા લોકોને પહેલાં ટ્રેપમાં લઈ, વિડિયો ઉતારી અને પછી સમાજમાં બદનામીનો ડર દેખાડી લૂંટવાનું પ્રમાણ પણ વધી ગયું છે.
પહેલાં રિલેશનશીપની ટ્રેપમાં ફસાવે, પછી નાણાં પડાવે
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સાયબર સેલના એક પૂર્વ અધિકારીએ આવા વ્યવસ્થિત ચાલતા સંખ્યાબંધ રેકેટ વિશે દિવ્ય ભાસ્કરને વિગતો જણાવી છે. આ અધિકારીના કહેવા મુજબ કેટલાક લોકોને ટોળકી દ્વારા પહેલાં સજાતીય સેક્સ માટે ઉતેજીત કરીને ટ્રેપની જગ્યાએ બોલાવવામાં આવે છે. ત્યારબાદ તેમના વાંધાજનક સ્થિતિમાં ફોટો-વીડિયો ઉતારી લેવામાં આવે છે. શરુમાં તો રીતસર જાણે ગે કલબ હોય તેવી તેમને ફીલ આપી મોજ કરાવાય છે અને પછી રુપિયા પડાવવાનો ખેલ શરુ થાય છે. અહીં આવા કેટલાક કિસ્સા જણાવાયા છે જેમાં આવા રુપિયા પડાવવાની રમત રમાઈ છે.
કિસ્સો 1- પ્રોફેસરને ગે-એપમાં મેમ્બર બનવું ભારે પડી ગયું
અમદાવાદના જ પોશ વિસ્તારમાં 55 વર્ષના મોહિતભાઈ ( નામ બદલ્યું છે ) પ્રોફેસર છે. આ ઉપરાંત શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં તેઓ મહિને લાખો રૂપિયા કમાય છે. મોહિતભાઈ પોતે સજાતીય સબંધ તરફ આકર્ષિત થતા હતાં. લોકડાઉન અને ત્યારાબાદના સમયમાં તેઓ ઘણો સમય શૈક્ષણિક સંસ્થા બંધ હોવાથી મોબાઈલમાં ટાઈમપાસ કરતા હતા. તેમણે સજાતીય ગ્રુપની એક મોબાઈલ એપ ડાઉનલોડ કરી હતી. એક અજાણ્યા 30 વર્ષના યુવાનની પ્રોફાઇલ જોઈ તેમણે ફ્રેન્ડશીપ રિકવેસ્ટ મોકલી હતી. પેલા યુવાને રિકવેસ્ટ સ્વીકારી અને સર્કલ પણ અમદાવાદનું આવ્યું. પછી સમલૈંગિક સબધની અંતરંગ વાતો શરૂ થઈ, જેમાં મોહિતભાઈ મોહિત થઈ ગયા. એક દિવસ નક્કી થયેલી જગ્યાએ મોહિતભાઈ પહોંચ્યા અને યુવાનને રુબરુ મળ્યા. થોડીક વારમાં તેમની સાથે યુવાન અણછાજતી હરકત કરવા લાગ્યો અને કપડાં ઉતારવા લાગ્યો. મોહિતભાઈ પણ સેમ સ્થિતિમાં આવ્યા તેટલામાં એક યુવક આવ્યો અને તેણે મોહિતભાઈને કપડાં પહેર્યા વગરના ફોટો-વિડીયો ઉતાર્યા. પહેલાં મોહિતભાઈને ધમકાવી બે લાફા ચોડી દીધા અને પછી બ્લેકમેઈલ કર્યા. આ ફોટા-વિડિયોની ધમકીઓ આપી તેમની પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા. અંતે મોહિતભાઈ પોલીસમાં ગયા તો આ રેકેટ પકડાયું અને બે આરોપીની ધરપકડ થઈ.
કિસ્સો 2- ઉચ્ચ અધિકારીનો દિકરો ગે ગ્રુપ મેમ્બર, પત્ની આઘાતમાં
અમદાવાદના એક ઉચ્ચ સરકારી અધિકારીના દીકરાના થોડાક સમય પહેલાં જ ઝાગઝમાળ સાથે લગ્ન થયા. મોટા પરિવારની દિકરી ઉમળકા સાથે વહુ બનીને સાસરે આવી. પરંતુ પહેલી રાતે જ પતિનું પોત પ્રકાશ્યું અને તેણે કહી દીધું કે, મને તારામાં રસ જ નથી. આ ઉપરાંત તે પત્ની સાથે સરખા વાત પણ કરતો ન હતો અને પત્નીને સમજાતું જ નહોતું કે આ બધું શું થઈ રહ્યું છે. એક રાતે પતિ ફોન લોક કર્યા વગર ઊંઘી ગયો અને પત્નીએ ફોન ચકાસ્યો તો તેમાં સમલૈંગિક વિડીયો જોવા મળ્યા હતા. એટલું જ નહીં, પતિ એક વોટ્સએપનો મેમ્બર હતો જેમાં વિદેશના સમલૈંગિક લોકોના સજાતિય સબંધના ફોટો હતા. જેથી ચોંકી ઉઠેલી પત્નીએ આ વાત સાસુ-સસરાને કહી તો તેમણે ઊલટાનું મામલો દબાવવા વહુને ઘરમાંથી કાઢી મૂકી. આ મામલે પત્નીએ અમદાવાદ પોલીસમાં અરજી આપી છે, જેની તપાસ ચાલી રહી છે.
કિસ્સો 3- અમદાવાદના પૂર્વ વિસ્તરમાં ફેકટરી ધરાવતા વેપારીને અચાનક એક દિવસ જાણવા મળ્યું કે, તેમનો દીકરો એકલો રાતે રૂમમાં કઈક કરે છે અને કોઈને પણ રૂમમાં આવવા દેતો નથી. તેમણે એક વખત રાતે તેના રૂમમાં જઈને તપાસ કરી તો ત્યાં અશ્લીલ સાહિત્ય મળ્યું. તેમણે દીકરાનું કમ્પ્યુટર ફંફોળ્યું તો અંદર એક ફોલ્ડર હતું જેનું નામ પ્રાઇવેટ લવ હતું. પિતાએ આ ફોલ્ડર ખોલતા તેમાં સમલૈંગિક સંબંધોના વિડીયો જોવા મળ્યા હતા. બીજા દિવસે વેપારીએ દીકરાને પૂછ્યું તો દીકરાએ પિતાને કહ્યું કે તે તેના મિત્રને મળવા માટે સિંગાપોર જઈ રહ્યો છે. તેની સાથે તેને ખૂબ જ સારી મિત્રતા છે, તમે વચ્ચે કંઈ કહેશો નહીં. આ વાત જાણીને વેપારીએ પોતાના પરિચિત પોલીસ અધિકારીને આ વાત કરી. ત્યારબાદ પોલીસે દીકરાને બોલાવી તેને થોડોક સમજાવી-ધમકાવીને સોશિયલ મીડિયા એકાઉન્ટ ડીલિટ કરાવ્યું હતું. આ સમગ્ર મામલો પોલીસ ચોપડે પહોંચ્યો નહીં પરંતુ પિતાની ચિંતા યથાવત છે.
શું કહે છે આ મામલે સાયબર એક્સપર્ટ?
આ અંગે જાણીતા સાયબર એક્સપર્ટે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, ગે એપ્લિકેશનમાં એક-બે નહીં પણ હજારો લોકો પોતાની સાચી આઈડી વડે ચેટ કરે છે. અગાઉ પોલીસે કરેલી તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આવી એપમાં 97 ટકા લોકો રિયલ ગે-LGBT હોય છે. તેઓ આ પ્લેટફોર્મનો ઉપયોગ સમલૈંગિક સબંધ માટે કરે છે. જ્યારે કેટલાક લોકો આમાં બીજાને ફસાવીને લૂંટી લે છે અને ફિઝિકલી એસોલ્ટ પણ કરે છે.
પોલીસ શુ કહે છે?
અમદાવાદ જિલ્લા સાયબર સેલના પીએસઆઇ સી વી નાયકે જણાવ્યું કે અમે કરેલી તપાસમાં એક પ્રોફેસરને ગ્રીન્ડર એપમાં કોન્ટેક્ટ થયો એ તેમને ફસાવી લાખો રૂપિયા પડાવવા પ્રયાસ કર્યો હતો. જેને અમે પકડી લીધા એટલે રેકેટનો પર્દાફાશ થયો હતો. મોટાભાગે ભોગ બનનાર લોકો બદનામીના ડરથી આગળ આવીને પોલીસ પાસે ફરિયાદ કરતા નથી. જ્યારે હાઈપ્રોફાઇલ લોકો ફસાયા બાદ રૂપિયા ચૂકવે ત્યારે આવા લોકોની હિંમત ખુલે છે. પણ દરેકે પોલીસની મદદ લેવી જોઈએ જેથી આવા ગુનેગારો પકડાઈ શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.