નવતર પ્રયોગ:કેવડિયા અને કચ્છના ધોરડોમાં પ્રવાસીઓ માટે હેલિકોપ્ટર જોય રાઇડ સર્વિસ શરૂ થશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા સરકારનો નવતર પ્રયોગ
  • બંને સ્થળનો આકાશમાંથી 360૰ નજારો નિહાળી શકાશે
  • રૂટ સરવે કરીને વિવિધ તપાસ કર્યા પછી ટેન્ડર બહાર પડાશે

અમદાવાદમાં શરૂ કરાયેલી હેલિકોપ્ટર જોય રાઇડને સારો પ્રતિસાદ મળ્યા બાદ હવે પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા ગુજરાત સરકારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને કચ્છના સફેદ રણ ધોરડોમાં પણ જોય રાઇડ શરૂ કરવાની તૈયારી શરૂ કરી છે. હાલ આ બંને સ્થળે રૂટ અને ટુરિસ્ટ સરવે કરાઈ રહ્યો છે. જો તેમાં સારો પ્રતિસાદ મળશે તો ટેન્ડર બહાર પાડી વિવિધ કંપનીઓને હેલિકોપ્ટર જોય રાઇડ માટે આમંત્રણ અપાશે, જેમાં રાજ્ય સરકાર વાયેબિલિટી ગેપ ફન્ડિંગ (વીજીએફ) પણ આપશે. કેવડિયામાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં જંગલ સફારી, ચિલ્ડ્રન ગાડર્ન, લાઇટિંગ શૉ, રિવર રાફ્ટિંગ, ક્રૂઝ સહિતનાં આકર્ષણો છે, પરંતુ હજુ વધુ પ્રવાસીઓને આકર્ષવા હેલિકોપ્ટર જોય રાઇડ શરૂ કરવાનું વિચારાઈ રહ્યું છે. જોય રાઇડ શરૂ થશે તો સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સરદાર ડેમની આસપાસનો સમગ્ર વ્યૂ આકાશમાંથી જોઈ શકાશે. બીજી તરફ, નવેમ્બરથી માર્ચ સુધી ચાલતા કચ્છ રણોત્સવ વખતે ધોરડોમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા ખૂબ મોટી હોય છે. આ કારણસર પણ સરકારે હેલિકોપ્ટર જોય રાઇડ શરૂ કરવા આ સ્થળની પસંદગી કરી છે. કોઇ પ્રવાસન સ્થળને વધુ લોકપ્રિય અને જાણીતું બનાવવા પ્રવાસીઓ માટે પણ અવનવાં આકર્ષણો હોવા જરૂરી છે.

હાલ આ બંને પ્રવાસન સ્થળે જુદા જુદા સમયે પ્રવાસીઓની સંખ્યા કેટલી હોય છે તેની સમીક્ષા કરાઈ રહી છે. આ ઉપરાંત આ બંને સ્થળે આવનારા પ્રવાસીઓ પાસેથી જોય રાઇડ સેવા શરૂ કરવા અંગે સૂચનો માંગવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં, રૂટ સરવે તેમજ જોય રાઇડની કેટલી ટિકિટ હોવી જોઇએ તે અંગે પણ ચર્ચાવિમર્શ કરાઈ રહ્યો છે. જો આ બધી બાબતો યોગ્ય લાગશે તો જોય રાઇડ શરૂ કરાશે.

અગાઉ સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે હેલિકોપ્ટર રાઇડ શરૂ કરાઇ હતી

સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને નર્મદા ડેમ, સાપુતારા અને વિંધ્યાચલ પર્વતમાળાનો એરિઅલ વ્યૂ નિહાળી શકાય એ માટે 2018માં હેલિકોપ્ટર રાઇડ શરૂ કરાઈ હતી. તે વખતે દસ મિનિટની એ રાઇડનો ભાવ વ્યક્તિદીઠ રૂ. 2,900 રખાયો હતો. જોકે, હેલિકોપ્ટરના અવાજથી જંગલ સફારીનાં પશુ-પક્ષીઓને ખલેલ પહોંચતી હોવાથી તે સર્વિસ બંધ કરી દેવાઈ હતી. બાદમાં છેલ્લા ઘણા સમયથી લોકોની માગ હતી કે, હેલિકોપ્ટર સેવા ફરી શરૂ કરાય. તેથી હવે સરકાર જ નવા રૂટની સમીક્ષા કરીને જોય રાઇડ શરૂ કરવા જઈ રહી છે.

ધોરડોમાં પણ હેલિપેડ બનાવાશે
જો કચ્છના ધોરડોમાં જોય રાઇડ સેવા શરૂ કરવાની મંજૂરી મળી જશે તો સ્ટેટ એવિયેશન વિભાગ ત્યાં પણ એક હેલિપેડ બનાવશે, જ્યારે કેવડિયામાં હેલિપેડ પહેલેથી જ ઉપલબ્ધ છે.

સી પ્લેન જેવી ભુલ નહીં કરાય
સી પ્લેન સેવા શરૂ કરતા પહેલાં પ્રવાસીઓને ધ્યાનમાં રાખી કોઇ સરવે કરાયો ન હતો. બાદમાં આ સેવા યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાઈ હતી. સી પ્લેન રૂટ પર જોઇએ તેટલા મુસાફરો ના મળતા તેમજ વિવિધ સ્તરે મિસ મેનેજમેન્ટના કારણે થોડા સમય ચાલ્યા બાદ સી પ્લેન યોજના નિષ્ફળ ગઇ હતી. જોકે, જોય રાઇડ યોજનામાં આવી ભુલ ન થાય માટે પ્રવાસીઓને કેન્દ્રમાં રાખીને સમીક્ષા કરાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...