રજૂઆત:એસ.ટી નિગમના મૃતક કર્મચારીઓના વારસદારોનું નોકરીની માંગ સાથે વિરોધ પ્રદર્શન, 15 સપ્ટેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપ્યું

અમદાવાદએક મહિનો પહેલા
વિરોધ પ્રદર્શન કરી રહેલા એસ.ટીના મૃતક કર્મચારીઓના પરિવારજનો
  • રાજ્યભરના 900થી વધુ કર્મચારીઓના પરિવારજનો નોકરીની માંગ કરી રહ્યા છે

ગુજરાત વાહન વ્યવહાર નિગમના મૃતક કર્મચારીઓના વારસદારોએ આજે એસ.ટી નિગમની રાણીપ સ્થિત ઓફિસ ખાતે વિરોધ નોંધાવ્યો હતો. આરટીઓ સર્કલથી રાણીપ સ્થિત નિગમની વડી કચેરીએ MDને મૃતક કર્મચારીઓના વારસદારોએ રજૂઆત કરી. રાજયભરમાં અંદાજે 900થી વધારે જેટલા કર્મચારીઓના પરિવારજનો રહેમરાહે નોકરી માટેની માંગ કરી રહ્યા છે.

કર્મચારીઓના આકસ્મિક નિધનથી પરિવારજનોની નોકરીની માંગ
વર્ષ 2011 પહેલા ભરતી થયેલ કર્મચારીઓ કે જેઓનું આકસ્મિક નિધન થયું છે, તેમના પરિવારજનો નોકરી માટે માંગ કરી રહ્યા છે. જેને લઇને પાછલા કેટલાક વર્ષોથી વિવિધ સ્તરે રજૂઆત પણ કરી ચૂકયા છે. પરંતુ હજુ સુધી તેનો કોઈ નિવેડો નથી આવ્યો. જેને લઇને ફરી એકવાર આજે વારસદારોએ પોતાની માંગને લઈને રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ પ્રગટ કર્યો.

માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી
માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલનની ચીમકી
વિરોધ નોંધાવી રહેલા વારસદારોએ જો એક મહિનામાં નિવેડો ન આવે તો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલનને પણ ચીમકી ઉચ્ચારી છે. આ વારસદારનો તર્ક છે, કે તેમના પરિવારમાં આર્થિક ઉપાર્જન માટે હવે કોઈ સ્ત્રોત નથી રહેતા તેમને નિગમ દ્વારા નોકરી પૂરી પાડવામાં આવે.

15 સપ્ટેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપ્યું
આ પહેલા વાહન વ્યવહાર વિભાગના કર્મચારીઓના સંગઠન મારફતે પણ આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વારસદારોને રહેમ રાહે નોકરી આપવાની માંગનો પણ સમાવેશ થાય છે. જે માટે યુનિયનોએ આગામી 15મી સપ્ટેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. તે બાદ 16 સપ્ટેમ્બરથી કાળી પટ્ટી ધારણ કરી કામ કરવું, જિલ્લા સ્તરે આવેદન આપવું ઉપરાંત જો કોઈ નિવેડો ન આવે તો 23 સપ્ટેમ્બરથી માસ CL પર જવાની ચીમકી ઉચ્ચારી છે.