પરેશાની:અમદાવાદમાં હેબતપુર અને ખોખરા રેલવે ઓવરબ્રિજ ત્રણ વર્ષે પણ તૈયાર નથી થયો, મંથરગતિએ ચાલતી કામગીરીથી વાહનચાલકો ત્રસ્ત

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
હેબતપુરથી સાયન્સ સીટી તરફ જતા બની રહેલા બ્રિજની તસવીર - Divya Bhaskar
હેબતપુરથી સાયન્સ સીટી તરફ જતા બની રહેલા બ્રિજની તસવીર
  • 2018માં હેબતપુર અને 2019માં ખોખરા રેલવે ફ્લાય ઓવરબ્રિજની કામગીરી શરૂ કરાઈ હતી

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા ઝડપી દૂર થાય તેના માટે મોટા ચાર રસ્તા-જંકશન પર ફલાય ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરખેજ- ગાંધીનગર હાઇવે પર અમદાવાદ - ગાંધીનગરને જોડતા બે ફ્લાય ઓવરબ્રિજના ઉદ્ઘાટન કર્યા હતા. નીતિન પટેલે પણ સરખેજ-ગાંધીનગર હાઇવે ઉપર થલતેજ બ્રિજનું ઉદ્ઘાટન રવિવારે કર્યું હતું. પરંતુ અમદાવાદમાં વર્ષ 2018માં પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં આવેલા બે રેલવે ઓવરબ્રિજની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે. જેના કારણે હજી અમદાવાદીઓએ ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડશે. સોલા સિમ્સ હોસ્પિટલ અને હેબતપુરને જોડતા રેલવેબ્રિજ અને ખોખરા રેલવેબ્રિજ ત્રણ વર્ષ થવા છતાં હજી શરૂ કરવામાં આવ્યા નથી.

હેબતપુર-સાયન્સ સીટી રોડ પર મ્યુનિ. કોર્પોરેશન અને રેલવે દ્વારા સંયુક્ત રીતે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે
હેબતપુર-સાયન્સ સીટી રોડ પર મ્યુનિ. કોર્પોરેશન અને રેલવે દ્વારા સંયુક્ત રીતે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે

હેબતપુરથી સાયન્સ સીટી તરફના બ્રિજનું કામ મંથરગતિએ ચાલુ
પશ્ચિમ વિસ્તારમાં હેબતપુરથી સાયન્સ સીટી તરફ જવાના રોડ પર રેલવે બ્રિજ બનાવવાનું કામ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેલવે દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી રહ્યો છે. પરંતુ હજી સુધી રેલવેલાઈન પર બ્રિજની કામગીરી મંથરગતિએ ચાલી રહી છે. 2019માં ખોખરા ફ્લાય ઓવરબ્રિજની કામગીરી શરૂ કરાઇ હતી પરંતુ હજી સુધી કામગીરી પૂર્ણ થઈ નથી. બંને બ્રિજ શરૂ થતા હજી ચાર મહિનાનો સમય લાગી શકશે તેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે. સોલા સિમ્સ હોસ્પિટલ પાસે અને 100 ફૂટ હેબતપુર થલતેજ રોડને જોડતા ફ્લાય ઓવરબ્રિજની કામગીરી 2018માં શરૂ કરવામાં આવી હતી. રૂ. 60 કરોડના ખર્ચે બનાવવામાં આવતા આ બ્રિજને ત્રણ વર્ષ થવા છતાં એક કિલોમીટરના બ્રિજનું 50 ટકા કામ માત્ર પૂર્ણ થયું છે. ટ્રાફિકની સ્થિતિ ઉપર કાબુ કરવા હેબતપુર બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરવું જરૂરી છે.

રૂ. 60 કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે
રૂ. 60 કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે

ખોખરામાં 3 વર્ષથી બ્રિજનું સમારકામ ચાલું
પૂર્વ વિસ્તારમાં આવેલા ખોખરા રેલવે બ્રિજની પણ આજ સ્થિતિ છે, જ્યાં 58 કરોડના ખર્ચે રેલવે ફલાયઓવરનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2018 માં ખોખરા રેલવે ફલાયઓવરનો કેટલોક ભાગ તૂટીને રેલવે ટ્રેક ઉપર પડતા ફલાયઓવર બંધ કરવામાં આવ્યો હતો અને વર્ષ 2019 માં રેલવે અને AMC પ્રશાસન દ્વારા આ બ્રિજના સમારકામની કામગીરી શરૂ કરાઇ હતી. રૂ. 58 કરોડ ખર્ચીને AMC અને રેલવે દ્વારા રેલવે ઓવર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. જેને ત્રણ વર્ષ વધુનો સમય થયો છે છતાં કામગીરી પુરી થઈ નથી. રેલવે ફલાયઓવર બંધ હોવાના કારણે નાગરિકોને મણિનગર નાથાલાલ ઝગડા બ્રિજ ઉપરથી જવું પડે છે. કોર્પોરેશન મુજબ અંદાજે હજી પણ ત્રણ મહિના સુધી બંને બ્રિજના સમારકામ માટે સમય લાગી શકે છે.