મેઘો મહેરબાન:દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદમાં ધોધમાર, ધરમપુરમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો

3 મહિનો પહેલા

હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના કેટલાક અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે અને રાજ્યના મોટા ભાગનાં સ્થળોએ હળવાથી મધ્યમ તથા ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજ્યના બાકી જિલ્લાઓ, દીવ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં આજે વરસાદી માહોલ રહેશે. છેલ્લા 24 કલાકમાં કચ્છના લખપતમાં 11 ઈંચ વરસાદ નોંધાયો છે. તો આજે સવારે 6 વાગ્યાથી અત્યાર સુધી વલસાડના ધરમપુરમાં આજનો સૌથી વધુ 4 ઈંચ વરસાદ નોંધાયો છે.

82 તાલુકામાં 1 મિમિથી 4 ઈંચ સુધી વરસાદ
રાજ્યના 82 તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે. સવાર 6 વાગ્યાથી લઈને અત્યાર સુધી વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 4 ઈંચ, વલસાડના કપરાડા અને નવસારીના વાંસદામાં 3-3 ઈંચ, નવસારીના ચીખલી અને ખેરગામ તથા ડાંગના સુબિરમાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ડાંગના વઘઈ, વલસાડના વાપી અને પારડીમાં 2-2 ઈંચ વરસાદ ખાબક્યો છે. તાપીના વ્યારા, મોરબી, કચ્છના મુંદ્રામાં દોઢ ઈંચ તથા તાપીના વાલોદ, કચ્છના અબડાસા, નખત્રાણા અને માંડવી, નવસારીના ગણદેવી અને વલસાડમાં એક-એક ઈંચ વરસાદ નોંધાયો છે.

આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
અમદાવાદમાં ધોમમાર વરસાદ વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ અને દમણ તથા દાદરા અને નગર હવેલી, સૌરાષ્ટ્ર કચ્છમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તો ગુજરાતના બનાસકાંઠા, પાટણ, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરતમાં ભારે વરસાદની આગાહી કરી છે.

જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિદ્વારકા અને દીવમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. દરમિયાન ગાજવીજ અને 30-40 કિમીની ઝડપે ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

સીઝનનો 27 ટકા વરસાદ થઈ ચૂક્યો છે
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લાના 215 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ 276 મિમી એટલે કે 11 ઈંચ વરસાદ કચ્છ જિલ્લાના લખપતમાં નોંધાયો છે. 50 મિમી સુધી 12 તાલુકા, 51થી 125 મિમી 69 તાલુકા, 126થી 250 મિમી 88 તાલુકા, 251થી 500 મિમી 55 તાલુકા, 501થી 1000 મિમી 27 તાલુકામાં આખી સીઝનમાં નોંધાઈ ચૂ્કયો છે. સીઝન કુલ 235.44 મિમી રાજ્યમાં નોંધાયો છે, જે કુલના 27.69 ટકા થાય છે.

ચાર દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપીમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. દરમિયાન આજે અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...