લૉ પ્રેશરથી ચોમાસું એક્ટિવ રહેશે:15 જુલાઈ સુધી અતિભારે વરસાદની આગાહી, રાજ્યનાં 13 જળાશય હાઇ એલર્ટ પર

અમદાવાદ3 મહિનો પહેલા
  • PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને તમામ મદદની ખાતરી આપી

રાજ્યમાં હાલ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતના આણંદ, છોટાઉદેપુર અને વડોદરામાં પણ ભારે વરસાદની સંભાવના છે. રવિવારે વરસાદે અમદાવાદને ધમરોળી નાખ્યું હતું. એ ઉપરાંત સુરત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. આગામી ત્રણ કલાકમાં હવામાન વિભાગે 30થી 40 કિ.મીના પવન સાથે વરસાદની આગાહી કરી છે. રાજ્યનાં 13 જળાશય હાઈ એલર્ટ પર છે.

વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાત કરી
PM મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને ગુજરાતમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતિ અંગેની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં પાછલા 48 કલાકમાં જે ભારે વરસાદ વરસ્યો છે એની અને તેને પરિણામે ઊભી થયેલી સ્થિતિની વડાપ્રધાન મોદીને સંપૂર્ણ વિગતો આપી હતી. વડાપ્રધાને આ વરસાદી સ્થિતિને પહોચી વળવા NDRF સહિતની તમામ જરૂરી મદદ માટે કેન્દ્ર સરકાર રાજ્યના વરસાદ અસરગ્રસ્તોની પડખે હોવાની ખાતરી આપી હતી.

અમદાવાદમાં સોસાયટીમાં ગાડીઓ તણાઈ હતી.
અમદાવાદમાં સોસાયટીમાં ગાડીઓ તણાઈ હતી.

24 કલાકમાં રાજ્યમાં 218 તાલુકામાં વરસાદ ખાબક્યો
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 218 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં બોડેલી, ક્વાંટ, જાંબુઘોડા, જેતપુરપાવી, છેટાઉદેપુરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ છે. આ તમામ વિસ્તારોમાં 15 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જ્યારે સાગબારા, સંખેડા, દેડિયાપાડા, ઘોઘંબા, ડોલવણ, વાંસદા, નડિયાદ, ગોધરા, સોજિત્રામાં પણ 10 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ગુજરાતમાં સીઝનનો કુલ 12 ઈંચ વરસાદ થયો છે. કચ્છમાં અત્યારસુધીમાં 11.75 ઈંચ વરસાદ થયો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 5.78, દક્ષિણ ગુજરાતમાં 24.28 ઈંચ, મધ્ય ગુજરાતમાં 9.53 ઈંચ અને સૌરાષ્ટ્રમાં 11.12 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં 36 ટકા વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં ક્યા જિલ્લા કેટલા લોકોનું સ્થળાંતર

જિલ્લાનું નામકુલ લોકો

આશ્રયસ્થાનમાં

લોકોની સંખ્યા

ઘરે ફરેલ લોકો
આણંદ6300630
દેવભૂમિ દ્વારાકા1200120
કચ્છ1300130
પોરબંદર801413388
છોટાઉદેપુર527805278
તાપી23571164
નવસારી290229020
વલસાડ469350119
નર્મદા85850
વડોદરા24024
વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.
વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

રાજ્યમાં કુલ 13 જળાશય હાઇ એલર્ટ પર
રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી વરસી રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યની 207 જેટલી યોજનાઓમાં 40.24 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર જળાશયમાં 1,51, 586 એમસીએફટી પાણીનો જળસંગ્રહ થયો છે, જે કુલ સંગ્રશક્તિના 45.37 ટકા છે. પાણીપુરવઠા વિભાગના ફ્લડ સેલ દ્વારા જણાવ્યાનુસાર, 11 જળાશય 100 ટકા કે તેથી વધુ, 18 જળાશય 70થી 100 ટકા, 25 જળાશય 50 ટકાથી 70 ટકા, 101 જળાશયમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. 100 ટકાના જળસંગ્રહ ધરાવતાં બે જળાશય મળી કુલ 13 જળાશય હાઈ એલર્ટ પર, 80થી 90 ટકા જળસંગ્રહ સાથે 8 જળાશય એલર્ટ પર તથા 70થી 80 ટકા ભરાયેલાં 7 જળાશય માટે સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

11 તારીખે આ વિસ્તારોમાં ભારે વરસાદ
11મી તારીખે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાત છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ સાથે પંચમહાલ, ભરૂચ, સુરત, તાપી, વડોદરા અને દમણ, દાદરા અને નગર-હવેલી; કચ્છ, ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહીસાગર, મહેસાણા, સાબરકાંઠા, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજકોટમાં પણ વરસાદથી પાણી ભરાઈ ગયાં હતાં.
રાજકોટમાં પણ વરસાદથી પાણી ભરાઈ ગયાં હતાં.

12 તારીખે આ વિસ્તારોમાં વરસાદની આગાહી
12મી તારીખે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર-હવેલી, સુરત અને તાપીનાં અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચ, નર્મદા અને વડોદરા તથા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે.

સુરતમાં સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો.
સુરતમાં સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો.

13 તારીખે સૌરાષ્ટ્રને વરસાદ ધમરોળશે
13મી તારીખે દક્ષિણ ગુજરાતમાં, જેમ કે ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર-હવેલીનાં અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. એ ઉપરાંત ભરૂચ, સુરત અને તાપી તથા સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ અને નર્મદા તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમરેલી, પોરબંદર અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે.

અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયાં.
અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયાં.

14 તારીખે દાદરા અને નગર-હવેલીમાં વરસાદની સંભાવના
14મી તારીખે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, સુરત, વલસાડ અને દમણ, દાદરા અને નગર-હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢ તથા દક્ષિણ ગુજરાતના ભરૂચ-તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમરેલી, બોટાદ, રાજકોટ અને દીવમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતના છોટાઉદેપુર અને નર્મદા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં, એટલે કે દેવભૂમિ દ્વારકા,જામનગર અને મોરબીમાં પણ ભારે વરસાદની આગાહી છે. 15મી તારીખે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, સુરત, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.