મેઘમહેર:રથયાત્રા પૂર્વે અમદાવાદમાં 2 કલાકમાં 3 ઈંચ વરસાદ, રાજકોટ સહિત રાજ્યના અનેક જિલ્લામાં મેઘ મહેર, તમામ જિલ્લાઓમાં 15મી સુધી વરસાદની આગાહી

અમદાવાદ5 મહિનો પહેલા
અમદાવાદમાં જગન્નાથ મંદિર પરિસરમાં ધીમે ધારે વરસાદ
  • અમદાવાદ, અમરેલી, રાજકોટ, ભરૂચ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં વરસાદ
  • અમદાવાદમાં એસ.જી હાઈવે, જમાલપુર, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ
  • ગોતા, સાયન્સ સિટી, જગતપુર, ચાંદલોડિયા પાણી પાણી થયા

ગુજરાતમાં થોડા સમયના વિરામ બાદ ચોમાસું હવે ધીમે ધીમે ફરી જામી રહ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી કરી હતી. ત્યારે અમદાવાદમાં રથયાત્રાની પૂર્વ સંધ્યાએ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જમાલપુર, ચાંદખેડા, એસ.જી હાઈવે, મોટેરા, સરસપુર, ચાંદલોડિયા, ગોતા, બોપલ, વેજલપુર, મકરબા સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ સાથે અમદાવાદ જિલ્લામાં પણ વરસાદ શરૂ થયો છે, જેમાં વિરમગામના માંડલમાં પણ આજે ભારે વરસાદ પડ્યો હતો. રાજકોટમાં દોઢથી બે ઈંચ વરસાદ પડ્યો છે.

ક્યાં કેટલો વરસાદ
મેંદરડા4 ઇંચ
અમદાવાદ3 ઇંચ
ઉપલેટા3.5 ઇંચ
બગસરા2.5 ઇંચ
તાલાલા2.5 ઇંચ
રાજકોટ2 ઇંચ
વિજયનગર2 ઇંચ

સમગ્ર ગુજરાતમાં મેઘો મહેરબાન

રવિવારે ગુજરાતભરમાં મેઘરાજા મહેરબાન થયા હતા. અમદાવાદમાં મોડી રાત્રે 2 કલાકમાં સરેરાશ 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ કારણે શહેરના 7 અંડરપાસ બંધ કરાયા હતા. જ્યારે મેંદરડામાં રવિવારે માત્ર 2 કલાકમાં 4 ઇંચ અને રાજકોટમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ તૂટી પડતાં માર્ગો પાણીથી તરબોળ બન્યા હતાં. રજાના દિવસે લોકો બહાર નીકળ્યા હોઇ વરસાદને કારણે ઠેરઠેર ટ્રાફિક જામ સર્જાયો હતો. જ્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજીમાં સાડા 3 ઇંચથી 1 ઇંચ વરસાદ પડ્યો હતો.

સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન થયા
બીજી તરફ જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ બન્યો છે. મોરબી જિલ્લાના મુખ્ય શહેરો મોરબી, વાંકાનેર અને ટંકારામાં રવિવાર સુધર્યો હતો અને ટંકારામાં દોઢ ઇંચ પાણી વરસી ગયું હતું. ગોંડલમાં અડધો ઇંચ અને જસદણ પણ હળવા ભારે ઝાપટાંથી ભીંજાયું હતું. જામનગર જિલ્લામાં જામજોઘપુર તાલુકામાં 1 ઇંચ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં પણ વરસાદ નોંધાયો હતો.

ઉત્તર ગુજરાતમાં પણ વરસાદે માઝા મૂકી
ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના ઇડર અને વિજયનગરમાં સવા ઇંચ, પોશીનામાં પોણો ઇંચ, મહેસાણાના વિજાપુરમાં એક ઇંચ તેમજ બનાસકાંઠાના દાંતામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. અન્ય વિસ્તારોમાં ઝાપટાં પડ્યાં હતાં. જ્યારે ડીસાની ચંદ્રલોક સોસાયટીમાં શનિવારે રાત્રે લઘુશંકા જવા નીકળેલી 34 વર્ષિય વિજાબેન નરેશભાઇ રબારી ઉપર વીજળી પડતાં મોત થયું હતું. જ્યારે અમીરગઢના સરોત્રીના ગોળીયા ગામમાં વાવાઝોડા સાથે વરસાદમાં વીજવાયર તૂટી પડતાં એક ગાય મોતને ભેટી હતી.

અમદાવાદ વિજય ચાર રસ્તા પર પાણી ભરાયા.
અમદાવાદ વિજય ચાર રસ્તા પર પાણી ભરાયા.

અમદાવાદમાં ત્રણ કલાકમાં 3 ઈંચ વરસાદ
અમદાવાદમાં સાંજના 6 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં એટલે કે ત્રણ કલાકમાં સરેરાશ ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે અમદાવાદ શહેરમાં એક કલાકમાં સરેરાશ બે ઈંચ વરસાદ પડ્યો છે. પૂર્વ વિસ્તારમાં ઓઢવ, રખિયાલ, ગોમતીપુર, વિરાટનગર, બાપુનગર, મણિનગર, ન્યુ રામોલ, હાથીજણ, વિસ્તારમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. નિકોલ, રામોલ, કઠવાડામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

15મી જુલાઈ સુધી રાજ્યમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, અષાઢી બીજે રથયાત્રાના દિવસથી 15મી જુલાઈ સુધી રાજ્યમાં તમામ જિલ્લાઓ, સાથે દીવ, દાદરા અને નગર હવેલીમાં વીજળીના ચમકારા સાથે મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આજે અમરેલી, રાજકોટ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો.

જમાલપુર મંદિર પરિસરમાં વરસાદ વચ્ચે ભક્તોએ ભીંજાવાનો આનંદ લીધો
જમાલપુર મંદિર પરિસરમાં વરસાદ વચ્ચે ભક્તોએ ભીંજાવાનો આનંદ લીધો

છેલ્લા 24 કલાકમાં 156 તાલુકાઓમાં મેઘમહેર
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 156 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. ગુજરાતમાં હજુ સુધી 4.90 ઈંચ સાથે મોસમનો સરેરાશ 14.84 ટકા જ વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં આગામી ચાર દિવસ મધ્યમથી ભારે વરસાદ પડે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે પણ આગામી 21 જુલાઇ સુધી અમદાવાદમાં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે.

જીવરાજ પાર્કમાં પાણી ભરાયા.
જીવરાજ પાર્કમાં પાણી ભરાયા.

આજે સવારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમા વરસાદ
આજે સવારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં 2મીમી, ઉમરગામમાં 13 મીમી. જ્યારે સાબરકાઠાંમાં વિજયનગરમાં 5 મીમી. અરવલ્લીના બાયડમાં 3 મીમી. જ્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં સવારે 2 મીમી વરસાદ થયો હતો.

ધોરાજીમાં અનરાધાર મેઘમહેર
ધોરાજીમાં અનરાધાર મેઘમહેર

ધોરાજીમાં ધોધમાર 3 ઇંચ વરસાદ ખાબક્યો
ધોરાજીમાં મેઘરાજા ઓળઘોળ બન્યા હોય તેમ બપોર બાદ અનરાધાર વરસાદ વરસવાનું શરૂ કર્યું હતું. ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોરાજીમાં ત્રણ ઇંચ જેવો વરસાદ નોંધાયો છે. આથી દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. ધોધમાર વરસાદથી રસ્તા પર નદીની જેમ પાણી વહ્યાં હતા. ત્રણ ઇંચ વરસાદથી લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદને કારણે ઉપલેટામાં ભેંસો તણાઈ ગઈ છે અને સાથે જ લોકો પણ ભારે હાલાકીને સામનો કરી રહ્યા છે.

રાજકોટમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજથી સાત દિવસ સુધી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે સવારથી જ રાજકોટમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. પરંતુ બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો અને 3.30 વાગ્યે મેઘરાજાએ પધરામણી કરી હતી. શહેરના જંક્શન, 150 ફૂટ રિંગ રોડ, યાજ્ઞીક રોડ, કાલાવડ રોડ, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. તેમજ સોરઠિયાવાડી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાઠામાં વરસાદ થયો
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાઠામાં વરસાદ થયો

ધરમપુર અઢી અને પારડીમાં પોણા ત્રણ ઇંચ વરસાદ
શનિવારે સાંજ સુધીના 24 કલાક દરમિયાન જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર રિએન્ટ્રી થતાં પાણી પાણી થઇ ગયા હતા. ઉમરગામ, ધરમપુર, પારડી, વલસાડ અને વાપી તાલુકામાં વરસાદ થતાં ગરમી બફારાના ઉકળાટથી બેચેન લોકોને ઠંડક મળી હતી. વલસાડ જિલ્લામાં વરસાદ ખેંચાઇ જતાં ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને ડાંગરના વાવણીનું કાર્ય ખોરંભે પડી ગયું હતું.17મેના રોજ ચોમાસુ બેઠા બાદ વરસાદે હાથ તાળી આપી દીધી હતી.ત્યારબાદ જૂલાઇના પ્રારંભ સુધી ઓછોવત્તો વરસાદ થયો હતો,પરંતું બે સપ્તાહથી તો વાતાવરણ સૂકુ ભઠ્ઠ થઇ જતાં ખેડૂતો અને લોકોના માથે ચિંતાના વાદળો ઘેરાયા હતા.મેઘરાજાની ધમાકેદાર રિએન્ટ્રી થતાં ઉમરગામ,પારડી અને ધરમપુર તાલુકામાં ભારે વરસાદ થયો હતો.

કુતિયાણામાં 11, રાણાવાવમાં 8 મીમી વરસાદ, માધવપુરમાં ઝાપટું
પોરબંદર જિલ્લામાં વાવણી લાયક વરસાદ વરસી ગયા બાદ મેઘરાજા રીસાયા હોય તેમ આજે પણ સમગ્ર પંથકમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. પોરબંદરમાં ઓણસાલ વરસાદ ખેંચાઇ રહ્યો હોય તેમ વરસવાનું નામ લેતો નથી. સમગ્ર જિલ્લામાં આજ સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ડોળ સર્જાતા વરસાદ વરસે તેવી આશા બંધાઇ હતી પરંતુ વરસાદ ઝરમર ઝરમર છાંટા સ્વરૂપે વરસીને આરશી ગયો હતો. જેને પગલે જિલ્લાના કુતિયાણામાં આજે 11 મીમી, રાણાવાવમાં 8 મીમી વરસાદ નોંધાયો છે. જયારે કે માધવપુરમાં 1 ઝાપટું સારું એવું વરસી ગયું હતું જેને લીધે રસ્તા ભીના થઇ ગયા હતા.

પોરબંદરમાં પણ વરસાદી ઝાપટું થયું હતું
પોરબંદરમાં પણ વરસાદી ઝાપટું થયું હતું

અમરેલીમાં પણ વરસાદી માહોલ
અમરેલી જિલ્લામા સતત ત્રણ દિવસથી મેઘો છૂટો છવાયો વરસી રહ્યો છે સમગ્ર જિલ્લામા આજે વાદળ છાયુ વાતાવરણ બંધાયુ બીજી તરફ દરિયા કાંઠે વરસાદ વરસી રહ્યો છે. રાજુલા જાફરાબાદ તાલુકાના કેટલાક ગામડા પુરતો જ છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. રાજુલા શહેરમાં ધીમીધારે વરસાદી ઝાપટુ જાફરાબાદ તાલુકાના ચોત્રા ગામ મા ધોધમાર વરસાદ પડતાં સ્થાનીક ખેડૂતોમા ભારે ખુશી જોવા મળી રહી છે જ્યારે અહીં હેમાળ,કથારીયા,બારમણ જેવા આસપાસના ગામડામાં વરસાદ જોવા મળી રહ્યો છે.

કચ્છના વાગડ વિસ્તારમાં વરસાદથી વાવણીની તૈયારી શરૂ કરાઈ
કચ્છમાં જેઠ માસ દરમ્યાન વરસાદી આગમન થતા ખેડૂત અને લોકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી અને સારા ચોમાસાના એંધાણ ખડા થવા પામ્યા હતા. જેના પગલે જગતના તાત દ્વારા ખેતરોમાં ખેડાણ કાર્યની શરૂઆત કરી દીધી હતી, તો જિલ્લાના પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં અનેક સ્થળે વાવણી માટેની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ વરસાદ ન પડતા અકળાવનરી ગરમી સાથે લોકોની વ્યાકુળતામાં પણ વધારો થઈ રહ્યો હતો.