અમદાવાદમાં મિની વાવાઝોડું:શહેરના અનેક વિસ્તારોમાં તોફાની વરસાદથી ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી, અડધા શહેરમાં અંધારપટ થઈ ગયો, વડોદરામાં પણ ધોધમાર વરસાદ

અમદાવાદ3 મહિનો પહેલા
  • જોધપુરમાં સૌથી વધુ પોણા બે અને ઉસ્માનપુરામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો
  • વૃક્ષો તૂટી પડવાથી અનેક વિસ્તારોમાં લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા
  • ​​​​​​​ઉસ્માનપુરા અંડરપાસ બંધ કરવો પડ્યો, અનેક વિસ્તારમાં લાઈટો ડૂલ

અમદાવાદમાં લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે આજે સાંજે અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો. શહેરના બોપલ, મેમનગર, નારણપુરા, આશ્રમ રોડ, એસ.જી હાઈવે, થલતેજ, નહેરુનગર, સેટેલાઇટ, વસ્ત્રાપુર, વેજલપુર, પ્રહલાદનગર, ઘાટલોડિયા, પાલડી, એલિસબ્રિજ, રિવરફ્રન્ટ, સરખેજ, સનાથલ, શાંતિપુરા, બાકરોલ, વિસલપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

શ્યામલ, 132 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
શ્યામલ, 132 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

છેલ્લા બે દિવસથી શહેરમાં ગરમીનો પ્રમાણ વધ્યું હતું, એવામાં બફારો વધતા લોકો હેરાન-પરેશાન થઈ ગયા હતા. બોપલ-ઘુમા, સરખેજ, સનાથલ, બાકરોલ વરસાદથી લાઈટો ગુલ થઈ ગઈ હતી. જો કે વીજ કંપનીઓએ ભારે જહેમત ઉઠાવી અડધી કલાકમાં જ વીજ પૂરવઠો પૂર્વવત કર્યો હતો. વરસાદને પગલે દાળવડાની લારીઓ પર અમદાવાદીઓની ભારે ભીડ જોવા મળી હતી. સૂરધારા સર્કલ પાસે એક રિક્ષા પર ઝાડ પડતાં ત્રણ પેસેન્જર ઘાયલ થયા હતા. જેમાં એક વૃદ્ધને વધુ ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. વસ્ત્રાપુર પાસે ટુ-વ્હીલરચાલક પર ઝાડ પડ્યું હતું.

સૂરધારા સર્કલ પાસે રિક્ષા પર ઝાડ પડતાં 3 પેસેન્જર ઘાયલ થયા
સૂરધારા સર્કલ પાસે રિક્ષા પર ઝાડ પડતાં 3 પેસેન્જર ઘાયલ થયા

પશ્ચિમમાં દોઢ ઈંચ તો પૂર્વમાં માત્ર અડધો ઇંચ વરસાદ
અમદાવાદમાં સાંજે 6.15 વાગ્યાથી શરૂ થયેલા વરસાદે હજી જમાવટ કરી છે અને શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. પશ્ચિમ વિસ્તારમાં આવતા જોધપુર, સેટેલાઈટ,બોપલ ઘુમા, ઇસ્કોન, આશ્રમરોડ વાડજ ઉસ્માનપુરા, સરખેજ,પાલડી, એલિસબ્રિજ સહિતના વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં અડધો ઇંચથી પણ ઓછો વરસાદ પડયો છે. વિરાટનગર, ઓઢવ નિકોલ, નરોડા, રામોલ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જ્યારે મણીનગર વટવા નારોલ મેમ્કો સહિતના વિસ્તારોમાં માત્ર નામનો જ વરસાદ પડ્યો છે.

ભારે પવન ફૂંકાવાના સાથે જુહાપુરા રોડ પર લગાવાયેલું હોર્ડિંગ તૂટી પડ્યું હતું.
ભારે પવન ફૂંકાવાના સાથે જુહાપુરા રોડ પર લગાવાયેલું હોર્ડિંગ તૂટી પડ્યું હતું.

અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદના પગલે માત્ર 30 મિનિટમાં 15થી વધુ ઝાડ ધરાશાયી થયા છે. અમદાવાદ ફાયરબ્રિગેડ અને અલગ અલગ વિસ્તારમાંથી ઝાડ પડવાના કોલ મળી રહ્યા છે. વસ્ત્રાપુર ફાટક પાસે એક મોટું ઝાડ ધરાશાયી થયું છે. ઉપરાંત બોડકદેવમાં પણ બે વૃક્ષો ધરાશાયી થયા છે.

સૌથી વધુ વરસાદ પડ્યો

વિસ્તાર

વરસાદ પડ્યો (ઇંચમાં)

જોધપુર1.75
ઉસ્માનપુરા1.25
બોપલ1.25
મક્તમપુરા1
સરખેજ1

તોફાની પવનમાં અમદાવાદીઓ ફસાયા
જોકે મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા ઘણા લોકો ભિંજાવા માટે નીકળી ગયા હતા. તોફાની પવન સાથે વરસાદને પગલે શહેરમાં ઘણી જગ્યાએ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઉપરાંત ક્યાંક પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી. ઉપરાંત બોડકદેવ સહિતના કેટલાક વિસ્તારોમાં વૃક્ષો પડવાનો બનાવ બન્યો હતો. રાયપુર દરવાજા પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું દિશાસુચક બોર્ડ ધરાશાયી થઈ ગયું હતું.

રાયપુર પાસે કોર્પોરેશનનું બોર્ડ ધરાશાયી
રાયપુર પાસે કોર્પોરેશનનું બોર્ડ ધરાશાયી

આગામી 3 કલાક આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
નાઉકાસ્ટની આગાહી મુજબ, રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આગામી 3 કલાક દરમિયાન વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ, રાજ્યના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે. આ દરમિયાન 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

વરસાદમાં અમદાવાદીઓએ દાળવડા માટે લાઈનો લગાવી હતી.
વરસાદમાં અમદાવાદીઓએ દાળવડા માટે લાઈનો લગાવી હતી.

રાજકોટમાં પણ તોફાની વરસાદ
બીજી તરફ રાજકોટમાં પણ આજે બપોરે વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. બપોર પછી 4 વાગ્યા પછી આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. બાદમાં ભારે પવન અને વીજળીના પ્રચંડ ગડગડાહટ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વીજળીના કડાકાથી ઊંચી બિલ્ડીંગો પણ ધ્રુજી ઉઠી હોય તેવો અનુભવ લોકોએ કર્યો હતો. તેમજ શહેરની શિવધારા સોસાયટીમાં છત પરથી ભારે પવનને કારણે સોલાર પેનલ ઉડીને નીચે પડી હતી. જોકે આ બનાવમાં કોઇ જાનહાનિ પહોચી નથી. જોકે એક કલાકમાં ધોધમાર એક ઇંચ વરસાદથી ઠેર ઠેર રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા. તેમજ અનેક જગ્યાએ ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થયા હતા. ભગવતીપરામાં કાચા મકાન પર વૃક્ષ ધરાશાયી થતા એક વ્યક્તિને ઇજા પહોંચી હતી.

વડોદરામાં રાત્રે ગાજવીજ સાથે વરસાદ
અમદાવાદ સાથે મોડી વડોદરામાં પણ દિવસભર વાદળિયા તાપ વચ્ચે બફારો રહ્યા બાદ રાત્રે 8 વાગ્યા આસપાસ ગાજવીજ સાથે સમગ્ર શહેરમાં વરસાદ શરૂ થયો હતો. જે રાત્રે 9 વાગ્યા સુધી એટલે કે એક કલાક સુધી વરસ્યો હતો. જેના કારણે સમગ્ર વાતાવરણમાં ઠંકડ પ્રસરી ગઇ હતી. આજે સાંજે 4 વાગ્યે શહેરનું 37 ડિગ્રી તાપમાન હતું જે રાત્રે 9 વાગ્યે 27 ડિગ્રી થયું હતું. એટલે કે વરસાદને કારણે તાપમાનમાં 10 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો. રાત્રે નવ વાગ્યે વરસાદે વિરામ લેતા ઘણા બધા શહેરીજનો ઠંડા માહોલનો આનંદ લેવા માટે વાહનો લઇને નિકળ્યા હતા.

વડોદરામાં પડેલા વરસાદ બાદની તસવીર
વડોદરામાં પડેલા વરસાદ બાદની તસવીર
અન્ય સમાચારો પણ છે...