જળાશયો જોખમી બન્યાં:સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે 100 ટકા ભરાયેલાં 37 જળાશય હાઇ એલર્ટ પર મુકાયાં, પાણી છોડાતાં નીચાણવાળાં અનેક ગામોમાં પૂરની સ્થિતિ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગરનાં 18 જળાશય એક જ રાતમાં ભરાયાં
  • રાજકોટમાં વેણુ-2, ન્યારી-2, ફોફળ-1 સહિતના ડેમો 100 ટકા ભરાયા

સૌરાષ્ટ્રમાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. અવિરત વરસાદને પગલે સૌરાષ્ટ્રનાં મોટાં ગામડાંમાં સ્થિતિ ગંભીર બની છે. લોકોનાં ઘરો પાણીમાં ડૂબી જતાં જીવ બચાવવા ધાબા પર ચઢી ગયા હતા. ધોધમાર વરસાદને પગલે સૌરાષ્ટ્રના મોટા ભાગનાં જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. સૌરાષ્ટ્રમાં આવેલા કુલ 141 જેટલા મોટા ડેમમાંથી 37 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયાં છે. હાલમાં આ તમામ ડેમોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

જળાશયોમાં છલોછલ થતાં પાણી છોડવામાં આવ્યું
સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર-સોમનાથ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં જળાશયોમાં વરસાદથી પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. ડેમ 100 ટકા છલોછલ થઈ જતાં એને તૂટતા બચાવવા માટે એના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. જામનગરના 9 મોટા ડેમમાંથી 8 ડેમો 100 ટકા ભરાઈ ગયા છે, જ્યારે આજી-4 ડેમ 70 ટકાથી વધુ ભરાઈ ગયો છે. રાજકોટમાં 7 મોટા ડેમમાંથી 5 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે. જૂનાગઢના વંથલીનો ઓઝત-વિઅર ડેમ પણ 100 ટકા ભરાઈ ગયો છે.

રાજકોટના ન્યારી-1 ડેમમાં પાણીની જોખમી સપાટી
રાજકોટ જિલ્લામાં સૌથી વધુ વરસાદ લોધિકા પંથકમાં પડ્યો છે અને ત્યાંના પાણીનો પ્રવાહ લઈને આવતી મોટા ભાગની નદી ન્યારી નદીમાં ભળતાં ન્યારી-1 ડેમમાં પાણી આવે છે. એકદમથી ભારે વરસાદ આવતાં ન્યારી-1 ડેમની સપાટી જોખમી રીતે વધવાની શરૂ થઈ હતી. પાણીની આવક એટલી વધારે હતી કે મોડી રાત્રિના જ મનપાના ઈજનેરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા અને ત્યારથી જ સિટી ઈજનેર એમ. આર. કામલિયા, ડેપ્યુટી ઈજનેર હિતેશ ટોળિયા સહિતનો સ્ટાફ સ્ટેન્ડ ટુ હતો અને દરેક મિનિટ ગણાતી હતી, જોખમ એટલું હતું કે નિર્ણયમાં થોડી પણ ક્ષતિ રહે તો ન્યારી ડેમના ઉપરવાસના અથવા નીચાણવાસનાં ગામોમાં તારાજી થઈ જાય એમ હતી.

જૂનાગઢના પીવાના પાણીની સમસ્યા દૂર થઈ
જૂનાગઢ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા વિલિંગ્ડન, આણંદપુર અને હસ્નાપુર ડેમ ઓવર ફ્લો થયા હતા. ત્રણેય ડેમ ઓવરફ્લો થતાં શહેરનું જળસંકટ દૂર થઇ ગયું છે, જ્યારે શહેરના નરસિંહ મહેતા સરોવરમાં પણ પાણીની ભારે આવક થતાં સરોવર છલકી ઊઠ્યું હતું. ગિરનારના જંગલમાં પડેલા ભારે વરસાદને પગલે દામોદર કુંડ, સોનરખ અને કાળવો નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. જ્યારે વિલિંગ્ડન ડેમ પણ ઓવરફલો થયાના સમાચાર મળતાં અનેક લોકોએ વરસાદી નજારો માણવા માટે વિલિંગ્ડન ડેમ સાઇટ પર તેમજ દામોદર કુંડ તરફ દોડ લગાવી હતી. લોકો હાથ આવ્યું વાહન લઇ ડેમ તેમજ દામોદર કુંડે પહોંચી ગયા હતા.

જામનગરમાં એક રાતમાં 18 જળાશય ભરાયાં
જામનગર જિલ્લામાં મેઘરાજાએ તોફાની હેત વરસાવતાં એક જ રાતમાં શહેરને પાણી પૂરૂં પાડતા રણજિતસાગર સહિત 18 ડેમ ઓવરફલો થયા છે. મેઘરાજાની મહેરને કારણે જિલ્લાના 25માંથી 18 જળાશય એક જ રાત્રિમાં ઓવરફલો થઇ ગયા હતા, જેમાં આજી-4ના 50 દરવાજા 6 ફૂટ, ઊંડ-1ના 17 દરવાજા 21 ફૂટ, ઊંડ-2ના 33 દરવાજા 10 ફૂટ, ફૂલઝર(કો.બા.)ના 12 દરવાજા 7.87 ફૂટ, ઉમિયાસાગરના 17 દરવાજા 8 ફૂટ, કંકાવટી ડેમના 5 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા હતા. ડેમ છલકાતાં પાણીનું લેવલ જાળવવા ડેમના દરવાજા ખોલવામાં આવતાં હેઠવાસનાં ગામડાંમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી, જેને કારણે ગામડાં સંપર્કવિહોણાં બન્યાં હતાં.