તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ મહેર:ગુજરાતમાં બીજી સપ્ટેમ્બર સુધી જ ભારે વરસાદ થશે, ત્રીજી સપ્ટેમ્બરથી વરસાદનું જોર ઘટશે

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યનો મોસમનો કુલ સરેરાશ વરસાદ 45.84 ટકા નોંધાયો.

અમદાવાદમાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરના એસજી હાઈવે, ઘાટલોડિયા, સુભાષબ્રિજ, શાહીબાગ, નરોડા, એરપોર્ટ, નિકોલ, વાડજ, માધુપુરા, આશ્રમ રોડ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે. તો બીજી બાજુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં માત્ર બે દિવસ જ ભારે વરસાદ થઈ શકે છે. સમગ્ર રાજ્યમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે પહેલી અને બીજી સપ્ટેમ્બરે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. તો બીજી તરફ ત્રીજી સપ્ટેમ્બરે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ત્યાર બાદ ચોથી સપ્ટેમ્બરે વરસાદનું જોર ઘટશે અને માત્ર છુટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ છે. એટલે કે રાજ્યમાં વરસાદ માત્ર આગામી બે દિવસ સુધી જ થશે.

ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ
આજે પહેલી સપ્ટેમ્બરે સવારે સવારે 10 કલાક દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકામાં છ ઈંચ જેટલો, જૂનાગઢ જિલ્લાના માળીયા તાલુકામાં પાંચ ઈંચથી વધુ જ્યારે માંગરોળ તાલુકામાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.ચાલુ સિઝનમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 45.85 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં 32.96 ટકા, ઉત્તર ગુજરાતમાં 36.15 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 42.48 ટકા, સૌરાષ્ટ્રમાં 40.67 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 55.47 ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે.

ગાંધીનગરના માણસામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.
ગાંધીનગરના માણસામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

ઉત્તર ગુજરાતમાં 27 દિવસ બાદ ધોધમાર વરસાદ
દક્ષિણ ગુજરાતના ઉમરગામમાં 16 કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબકતાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઉપરાંત વાપીમાં 6 ઇંચ તો કપરાડામાં 3 ઇંચ વરસાદ થયો હતો, જ્યારે વલસાડ, પારડીમાં 2 ઇંચ તથા ધરમપુરમાં 1 ઇંચ વરસાદ થયો હતો. ઉત્તર ગુજરાતમાં 27 દિવસ બાદ 20 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. સૌથી વધુ સવા 4 ઇંચ વરસાદ બનાસકાંઠામાં વડગામમાં પડ્યો છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં ઊંઝામાં 2 ઇંચ, જોટાણામાં 1 ઇંચ, પાટણ જિલ્લાના સરસ્વતી અને સિદ્ધપુરમાં 2 ઈંચથી વધુ વરસાદ થયો છે. બનાસકાંઠાના વડગામમાં સવા 4 ઇંચ, પાલનપુરમાં સવા 3 ઇંચ, ડીસા પોણા 2 ઇંચ, લાખણી દોઢ ઇંચ સહિત સાર્વત્રિક વરસાદ થયો હતો.

દહેગામ પંથકમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદ ખાબક્યો
દહેગામ પંથકમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદ ખાબક્યો

કચ્છ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો
સાબરકાંઠા જિલ્લામાં પોશીનામાં અઢી ઇંચ, તલોદ અને પ્રાંતિજમાં 2 ઇંચ, વિજયનગરમાં દોઢ ઇંચ, ઇડર અને વડાલીમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. અરવલ્લી જિલ્લાના માલપુરમાં પોણા કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ તૂટી પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં કુંકાવાવમાં બે અમરેલીમાં દોઢ ઇંચ વરસાદ જ્યારે વડિયા, બગસરા, રાજુલા અને ચલાલા પંથકમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. ગોંડલ પંથકમાં પણ ભારે ઝાપટું પડી ગયું હતું. ઉનામાં પણ હળવે વરસાદ થયો હતો. જોડીયામાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. કચ્છમાં કચ્છમાં ઓગસ્ટના અંતમાં અમી છાંટણા, રાપર, માંડવી, મુન્દ્રા, અંજાર, અબડાસા અને નખત્રાણામાં ઝાપટાં થયાં હતા.

અન્ય સમાચારો પણ છે...