ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી ચોમાસુ ફરીવાર સક્રિય થઈ ગયું છે. હાલમાં સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં પણ રાજ્યભરમાં મેઘમહેર યથવાત્ રહેશે, એવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સવારે 6 વાગ્યાથી 8.00 વાગ્યા સુધીમાં 38 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે. જેમા સૌથી વધુ બનાસકાંઠાના પાલનપુરમાં 72 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 168 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. જેમાં સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતમાં થયો છે.
ઝોન પ્રમાણે અત્યારસુધી વરસાદની સ્થિતિ
ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ તો કચ્છમાં અત્યાર સુધીમાં 56.30 ટકા, ઉત્તર ગુજરાતમાં 46 ટકા, મધ્ય ગુજરાતમાં 49.38 ટકા, સૌરાષ્ટ્રમાં 61.56 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 63 ટકા વરસાદ થયો છે. ગુજરાતમાં સિઝનનો કુલ વરસાદ 57.74 ટકા થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સવારથી શનિવાર સવાર સુધી ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે. જેમાં અત્યાર સુધી કોરાધાકોર રહેલા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.
આગામી ત્રણ દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી
આગામી ત્રણ દિવસમાં 10 સપ્ટેમ્બરે બનાસકાંઠા, મહીસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, અરવલ્લી, આણંદ, ગાંધીનગર, દાહોદ, ખેડા, પંચમહાલ, ડાંગ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, કચ્છમાં વરસાદ થઈ શકે છે. જ્યારે 11 સપ્ટેમ્બરે બનાસકાંઠા, દાહોદ, ખેડા, પંચમહાલ, અમદાવાદ, અરવલ્લી, આણંદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તો 12મી સપ્ટેમ્બરે બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, આણંદ, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, ભરૃચ, સુરત, વડોદરા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં મેઘમહેર થવાની આગાહી છે.
ગુજરાતમાં 14 ડેમો હાઇએલર્ટ પર 49 ડેમોમાં 10 ટકાથી ઓછું પાણી
ચોમાસુ ફરી સક્રિય થવાથી ગુજરાતમાં ડેમોમાં નવા નીર આવ્યા છે. સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસતાં 14 ડેમો હાઇએલર્ટ પર મૂકાયાં છે. 7 ડેમો એલર્ટ પર છે. 49 ડેમો એવા છે જેમાં 10 ટકાથી ઓછુ પાણી ઉપલબ્ધ છે. ગુજરાતમાં અત્યારે 207 ડેમોમાં પૈકી 10 ડેમો સંપૂર્ણપણે ભરાયા છે. જોકે, હજુ ઉત્તર ગુજરાતમાં 15 ડેમો પૈકી એકેય ડેમ ભરાયો નથી. કચ્છના ડેમોમાં ય આ જ સ્થિતિ છે.આ વિસ્તારના ડેમોમાં હાલ 23.61 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. હાલ ગુજરાતના ડેમોમાં કુલ મળીને 56.55 ટકા પાણી છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતા નર્મદા ડેમમાં છેલ્લાં 24 કલાકમાં 63 સેમીનો વધારો નોધાયો છે. અત્યારે નર્મદા ડેમની જળસપાટી 119.02 મિટર સુધી પહોચી છે.
NDRF-SDRFની ટીમોને એલર્ટ રહેવા સૂચના
બે દિવસ ભારે વરસાદની સંભાવનાને પગલે NDRF અને SDRFની ટીમોને પણ એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. IMDના અધિકારીએ જણાવ્યું હતું કે ત્રણ દિવસની હવામાનની આગાહી જોતાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે, જેમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં, મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે, જેથી અગમચેતીનાં પગલાંરૂપે રાહત બચાવકાર્ય અંગે જરૂર પડે NDRF અને SDRFની ટીમો આ જિલ્લાઓમાં એલર્ટ રહે એ અંગે સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં 81.55 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર
બેઠકમાં કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ચાલુ વર્ષે 6 સપ્ટેમ્બર 2021 સુધીમાં અંદાજિત 81.55 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 84.48 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લાં ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 95.33 ટકા વાવેતર થયું છે.
રાજ્યના જળાશયોમાં જળસંગ્રહની સ્થિતિ
ઝોન | ડેમ | પાણીનો સંગ્રહ |
કેવડિયા | - | 50.48% |
ઉ.ગુજરાત | 15 | 23.61% |
મધ્ય ગુજરાત | 17 | 44.67% |
દ.ગુજરાત | 13 | 78.50% |
કચ્છ | 20 | 23.26% |
સૌરાષ્ટ્ર | 141 | 40.01% |
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.