તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોમાસુ:ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 156 તાલુકાઓમાં મેઘમહેર

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
સમગ્ર રાજ્યમાં મેઘમહેર પણ અમદાવાદ કોરૂ ધાકોર - Divya Bhaskar
સમગ્ર રાજ્યમાં મેઘમહેર પણ અમદાવાદ કોરૂ ધાકોર
  • ધોરાજીમાં મેઘરાજા ઓળઘોળ, વીજળીના કડકા ભડાકા સાથે ધોધમાર 3 ઇંચ વરસાદ ખાબક્યો

ગુજરાતમાં આજથી ચોમાસુ ફરી વાર જામશે. આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 156 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. ગુજરાતમાં હજુ સુધી 4.90 ઈંચ સાથે મોસમનો સરેરાશ 14.84 ટકા જ વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં આગામી ચાર દિવસ મધ્યમથી ભારે વરસાદ પડે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે પણ આગામી 21 જુલાઇ સુધી અમદાવાદમાં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે.

આજે સવારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમા વરસાદ
આજે સવારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં 2મીમી, ઉમરગામમાં 13 મીમી. જ્યારે સાબરકાઠાંમાં વિજયનગરમાં 5 મીમી. અરવલ્લીના બાયડમાં 3 મીમી. જ્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં સવારે 2 મીમી વરસાદ થયો હતો.

ધોરાજીમાં અનરાધાર મેઘમહેર
ધોરાજીમાં અનરાધાર મેઘમહેર

ધોરાજીમાં ધોધમાર 3 ઇંચ વરસાદ ખાબક્યો
ધોરાજીમાં મેઘરાજા ઓળઘોળ બન્યા હોય તેમ બપોર બાદ અનરાધાર વરસાદ વરસવાનું શરૂ કર્યું હતું. ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોરાજીમાં ત્રણ ઇંચ જેવો વરસાદ નોંધાયો છે. આથી દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. ધોધમાર વરસાદથી રસ્તા પર નદીની જેમ પાણી વહ્યાં હતા. ત્રણ ઇંચ વરસાદથી લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદને કારણે ઉપલેટામાં ભેંસો તણાઈ ગઈ છે અને સાથે જ લોકો પણ ભારે હાલાકીને સામનો કરી રહ્યા છે.

રાજકોટમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજથી સાત દિવસ સુધી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે સવારથી જ રાજકોટમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. પરંતુ બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો અને 3.30 વાગ્યે મેઘરાજાએ પધરામણી કરી હતી. શહેરના જંક્શન, 150 ફૂટ રિંગ રોડ, યાજ્ઞીક રોડ, કાલાવડ રોડ, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. તેમજ સોરઠિયાવાડી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાઠામાં વરસાદ થયો
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાઠામાં વરસાદ થયો

ધરમપુર અઢી અને પારડીમાં પોણા ત્રણ ઇંચ વરસાદ
શનિવારે સાંજ સુધીના 24 કલાક દરમિયાન જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર રિએન્ટ્રી થતાં પાણી પાણી થઇ ગયા હતા. ઉમરગામ, ધરમપુર, પારડી, વલસાડ અને વાપી તાલુકામાં વરસાદ થતાં ગરમી બફારાના ઉકળાટથી બેચેન લોકોને ઠંડક મળી હતી. વલસાડ જિલ્લામાં વરસાદ ખેંચાઇ જતાં ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને ડાંગરના વાવણીનું કાર્ય ખોરંભે પડી ગયું હતું.17મેના રોજ ચોમાસુ બેઠા બાદ વરસાદે હાથ તાળી આપી દીધી હતી.ત્યારબાદ જૂલાઇના પ્રારંભ સુધી ઓછોવત્તો વરસાદ થયો હતો,પરંતું બે સપ્તાહથી તો વાતાવરણ સૂકુ ભઠ્ઠ થઇ જતાં ખેડૂતો અને લોકોના માથે ચિંતાના વાદળો ઘેરાયા હતા.મેઘરાજાની ધમાકેદાર રિએન્ટ્રી થતાં ઉમરગામ,પારડી અને ધરમપુર તાલુકામાં ભારે વરસાદ થયો હતો.

પોરબંદરમાં પણ વરસાદી ઝાપટું થયું હતું
પોરબંદરમાં પણ વરસાદી ઝાપટું થયું હતું

કુતિયાણામાં 11, રાણાવાવમાં 8 મીમી વરસાદ, માધવપુરમાં ઝાપટું
પોરબંદર જિલ્લામાં વાવણી લાયક વરસાદ વરસી ગયા બાદ મેઘરાજા રીસાયા હોય તેમ આજે પણ સમગ્ર પંથકમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. પોરબંદરમાં ઓણસાલ વરસાદ ખેંચાઇ રહ્યો હોય તેમ વરસવાનું નામ લેતો નથી. સમગ્ર જિલ્લામાં આજ સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ડોળ સર્જાતા વરસાદ વરસે તેવી આશા બંધાઇ હતી પરંતુ વરસાદ ઝરમર ઝરમર છાંટા સ્વરૂપે વરસીને આરશી ગયો હતો. જેને પગલે જિલ્લાના કુતિયાણામાં આજે 11 મીમી, રાણાવાવમાં 8 મીમી વરસાદ નોંધાયો છે. જયારે કે માધવપુરમાં 1 ઝાપટું સારું એવું વરસી ગયું હતું જેને લીધે રસ્તા ભીના થઇ ગયા હતા.

ઉકાઇથી 7080 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરાયું
ઉપરવાસમાં વરસાદના વિરામને લઇ ઉકાઇની સપાટીમાં ઘટાડો થઇ રહ્યો છે. શનિવારે ડેમની સપાટી 313 ફૂટથી નીચે સરકી ગઇ હતી. સાંજે 6 કલાકે સપાટી 312.90 ફૂટ હતી અને 7080 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરાઈ રહ્યું છે.