વેધર વોચ ગૃપની બેઠક:આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, દ્વારકા, પોરબંદર અને વલસાડમાં મેઘ ગાજશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • તા.5થી 10 જૂલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઃભારતીય હવામાન વિભાગ

ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. એ ઉપરાંત ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આ અંગે આજે ગાંધીનગર ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી. જેમાં IMDના અધિકારી એમ. મોહન્તીએ જણાવ્યું હતું કે,આગામી પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે. તેમજ તા.5થી 10 જૂલાઈ સુધી દ્વારકા, પોરબંદર અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

એક જળાશય વોર્નિંગ પર છે
આ અંગે સિંચાઇ વિભાગના જણાવ્યા અનુંસાર સરદાર સરોવર જળાશયમાં 1,44,070 MCFT પાણીનો સંગ્રહ થયો છે, જે કુલ સંગ્રહશકિતના 43.12% છે. રાજ્યનાં 206 જળાશયોમાં 1,87,629 MCFT પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના 33.61% છે. હાલમાં રાજ્યમાં એક જળાશય હાઇ એલર્ટ પર તેમજ એક જળાશય વોર્નિંગ પર છે.

સમગ્ર તંત્રને એલર્ટ રહેવા સૂચન કર્યું
ચર્ચા દરમિયાન રાહત કમિશનરશ્રીએ NDRF અને SDRFની ટીમોને ડીપ્લોય કરવા માટે રાજ્યમાં આગામી વરસાદની આગાહીને ધ્યાને લઈ કચ્છ જિલ્લામાં એક NDRFની ટીમ ડીપ્લોય કરવા સૂચના આપી હતી. આ અગાઉ ગિરસોમનાથ, નવસારી, બનાસકાંઠા, વલસાડ, સુરત અને ભાવનગરમાં એક તથા રાજકોટમાં બે એમ કચ્છ સહિત કુલ 09 NDRFની ટીમો તથા પોરબંદર જિલ્લા ખાતે SDRFની એક ટીમ ડીપ્લોય કરવામાં આવેલ છે. રાહત કમિશનરે બેઠક દરમિયાન આગામી સપ્તાહમાં થનાર વરસાદની આગાહીને ધ્યાને લઈ હાજર રહેલ તમામ વિભાગના અધિકારીઓને તથા સમગ્ર તંત્રને એલર્ટ રહેવા સૂચન કર્યું હતું.

NDRFના 25 સભ્યની ટીમ સ્ટેન્ડબાય પર રખાઈ
ગુજરાતના અનેક જિલ્લાઓ સહિત બનાસકાંઠામાં હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના પગલે NDRFના 25 સભ્યની ટીમ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ઉતારીને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જેમાં NDRF ટિમ દ્વારા બચાવની કામગીરી માટે લાઈવબોય, લાઈવ જેકેટ,રબ્બરની બોટ તેમજ વૃક્ષો કાપવાનાં કટિંગ મશીનો સહિતનાં સાધનો સાથે સજ્જ રાખવામાં આવ્યાં છે. આ NDRFની ટીમ જે જગ્યા પર વધારે વરસાદ અને બચાવની કામગીરીની જરૂર હશે એ બાજુ જઇને કામગીરી કરશે.

અન્ય સમાચારો પણ છે...