તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે પ્રતીક્ષાનો અંત...:આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, આજે અમદાવાદ સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા

અમદાવાદએક મહિનો પહેલા
વડોદરામાં તોફાની પવન સાથે દોઢ ઇંચ વરસાદ પડ્યો.
  • હવામાન વિભાગ અનુસાર, પશ્ચિમ રાજસ્થાનથી ઉત્તરપૂર્વ બંગાળની ખાડીમાં ટ્રો સર્જાયો છે
  • વડોદરામાં ગઈકાલે 70 કિમીની ઝડપે ફૂંકાયેલા પવન સાથે 30 મિનિટમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો

ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ગયું છે. અનેક જિલ્લાઓમાં ગુરુવારથી ભારે વરસાદ ખાબકી ચૂક્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે શુક્રવારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આજે અમદાવાદ, બનાસકાંઠા, વડોદરા, વલસાડનો સમાવેશ થાય છે.

રાજ્યના વિવિધ શહેરોમાં આજે થયેલો વરસાદ
રાજ્યના વિવિધ શહેરોમાં આજે થયેલો વરસાદ

રાજ્યમાં પાંચ દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. વરસાદનું આગમન થતાં જ લોકો તથા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં હજુ વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગ અનુસાર, પશ્ચિમ રાજસ્થાનથી ઉત્તરપૂર્વ બંગાળની ખાડીમાં ટ્રો સર્જાયો છે. દક્ષિણ પાકિસ્તાન અને એની આસપાસ સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ બાબત દર્શાવે છે કે આગામી 2-3 દિવસમાં ગુજરાતમાં ચોમાસાની આગેકૂચ થવા માટે સાનુકૂળ વાતાવરણ છે.

વડોદરામાં ભારે પવન સાથે અડધો કલાકમાં દોઢ ઈંચ વરસાદ
વડોદરામાં ભારે પવન સાથે અડધો કલાકમાં દોઢ ઈંચ વરસાદ

આજે વહેલી સવારથી પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 12 કલાકના વરસાદી આંકડા પર નજર કરીએ તો ઉમરગામમાં 2.71 ઈંચ, ધરમપુરમાં 13 mm, પારડીમાં 1.92 ઇંચ, વલસાડમાં 1.81 ઇંચ, વાપીમાં 22 mm વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સારા વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. રાજકોટ, અમરેલી, ભાવનગર અને જૂનાગઢ તથા ગીર-સોમનાથ જિલ્લામાં ભરપૂર વરસાદ પડ્યો હતો. રાજકોટ જિલ્લાના પડધરી, જસદણ, કોટડાસાંગાણી અને આટકોટ પંથકમાં ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.

અમદાવાદમાં ભારે વરસાદથી સોસાયટીથી સડકો સુધી પાણી ભરાઈ ગયાં.
અમદાવાદમાં ભારે વરસાદથી સોસાયટીથી સડકો સુધી પાણી ભરાઈ ગયાં.

અમદાવાદમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
શહેરના પૂર્વ તેમજ પશ્ચિમ વિસ્તારમાં મેઘમહેર શરૂ થઈ ગઈ છે. ગઈકાલે રાત્રે ધોધમાર વરસાદ બાદ આજે બપોર બાદ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. શહેરના પશ્ચિમમાં એસ.જી. હાઈવે, પાલડી, નવરંપુરા, ઘાટલોડિયા તેમજ પૂર્વમાં નરોડા, મેમકો, નિકોલ સહિતના વિસ્તારમાં એક કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. હજુ પણ અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી છે.

આજે અમદાવાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી.
આજે અમદાવાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી.

વડોદરામાં 30 મિનિટમાં દોઢ ઇંચ વરસાદ
વડાદરામાં ગઈકાલે 70 કિમીની ઝડપે ફૂંકાયેલા પવન સાથે 30 મિનિટ સુધી વરસેલા દોઢ ઈંચ વરસાદે શહેરને ધમરોળી નાખ્યું હતું. પવનમાં 100થી વધુ ઝાડ, વુડા સર્કલની બન્ને તરફના ગેન્ટ્રી ગેટ, 5 હોર્ડિગ્સ ધરાશાયી થઈ ગયાં હતાં. ઝાડ નીચે દબાતા 5 ફોર-વ્હીલર અને 10 ટૂ-વ્હીલરને નુકસાન થયું હતું. રાત્રિ બજારની સામે સળંગ 5 વીજ થાંભલા ધરાશાયી થઈ ગયા હતા, જ્યારે સોમાતળાવ પાસેનો ગેન્ટ્રી ગેટ નમી પડ્યો હતો. શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતાં રસ્તા પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં.