જતાં જતાં ભીંજવતો મેહુલો:અમદાવાદના એસ.જી હાઈવે, રાણીપ, પાલડી સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટું, અડાલજમાં વીજળી પડતા વિદ્યાર્થિનીનું મોત

અમદાવાદ21 દિવસ પહેલા
ફાઈલ તસવીર
  • અમદાવાદ, ગાંધીનગર તથા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી

નવરાત્રીના એક દિવસ પહેલા જ અમદાવાદમાં વરસાદનું ફરી એકવાર આગમન થયું છે. શહેરના રાણીપ, ઓઢવ, પાલડી, શાહીબાગ, એસ.જી હાઇવે, જમાલપુર, દાણાપીઠ, લાલ દરવાજા તથા સાબરમતી વિસ્તારમાં સાંજના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. બીજી તરફ ગાંધીનગરમાં પણ વરસાદ વરસ્યો હતો. અડાલજમાં માણેકબા કન્યા હાઇસ્કૂલના દરવાજે વીજળી પડતા બે વિદ્યાર્થિનીઓ પૈકી એકનું મૃત્યુ થયું છે, અને બીજીની હાલત અત્યંત ગંભીર છે. આ બંને છોકરીઓ સ્કૂલના દરવાજે રિક્ષાની રાહ જોઈ રહી હતી જે દરમિયાન વીજળી પડી હતી.

અડાલજમાં માણેકબા કન્યા હાઇસ્કૂલના દરવાજે વીજળી પડી હતી
અડાલજમાં માણેકબા કન્યા હાઇસ્કૂલના દરવાજે વીજળી પડી હતી

3 કલાક સુધી વરસાદની આગાહી
અમદાવાદ સહિત ગાંધીનગર, વડોદરા, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, તાપી, નવસારી, સુરત, ડાંગ, વલસાડ જિલ્લાઓ તથા દમણ અને દાદરા અને નગર હવેલીમાં આગામી 3 કલાક સુધી વરસાદની નાઉકાસ્ટની આગાહી છે. આ દરમિયાન 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

નાઉકાસ્ટની આગાહીની સેટેલાઈટ તસવીર
નાઉકાસ્ટની આગાહીની સેટેલાઈટ તસવીર

ગુજરાતમાં સીઝનનો 95 ટકા વરસાદ પડ્યો
નોંધનીય છે કે, ગુજરાતમાં ચોમાસાની સિઝનનો કુલ 95 ટકા વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરના જણાવ્યા પ્રમાણે સૌથી વધુ વરસાદ સપ્ટેમ્બર મહિનામાં થયો છે. આંકડાઓ અનુસાર રાજ્યમાં અત્યાર સુધી 798.7 મીમી (31 ઇંચ) વરસાદ નોંધાયો છે. જેમાંથી 426.21 મીમી (16 ઇંચ) એકલા સપ્ટેમ્બરમાં નોંધાયો છે. સપ્ટેમ્બરમાં છેલ્લા 10 વર્ષનો સૌથી વધુ વરસાદ પડ્યો છે.

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ
સ્ટેસ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટ જિલ્લામાં 130 ટકા કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છમાં 111.7 ટકા તથા ઉત્તર ગુજરાતમાં 512.96 મીમી સાથે કુલ 71.59 ટકા વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં સિઝનનો કુલ 83.65 ટકા તથા દક્ષિણ ગુજરાતમાં 93.05 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યના અરવલ્લી જિલ્લામાં સૌથી ઓછો 62.58 ટકા વરસાદ પડ્યો છે જ્યારે ડાંગમાં 67.86 ટકા વરસાદ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...