અમદાવાદમાં આભ ફાટ્યું:મોડી રાતે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ, 10 કલાકમાં પાલડી-વાસણા, એલિસબ્રિજમાં 18 ઇંચ વરસાદ; શાળા-કોલેજો આજે બંધ

અમદાવાદ5 મહિનો પહેલા
  • પ્રહલાદનગર પાસેના ઔડા તળાવની પાળ તૂટતા વ્રજવિહાર એપાર્ટમેન્ટનું બેઝમેન્ટની આખેઆખી કાર ડૂબી
  • પાલડી-વાસણા, એલિસબ્રિજમાં 12 ઇંચ વરસાદ, પ્રહલાદનગરમાં તળાવ ફાટતા વ્રજવિહાર એપાર્ટમેન્ટમાં ગાડીઓ ડૂબી

અમદાવાદમાં રવિવારે સાંજે અતિભારે વરસાદ વરસ્યો હતો. સતત ચાર કલાક સુધી અમદાવાદમાં અવિરત વરસાદ વરસ્યા બાદ મોડી રાતે બે વાગ્યાથી ફરી ધોધમાર વરસાદ અમદાવાદમાં શરૂ થયો છે. જેમાં પાલડી, વાસણા, એલિસબ્રિજમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ઉસ્માનપુરા, આશ્રમ રોડ, વાડજ, ઇન્કમટેક્સ વિસ્તારમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. બોડકદેવ, વસ્ત્રાપુર વિસ્તારમાં બે ઇંચ વરસાદ પડતાં ભારે હાલાકી પડી છે. હજી પણ સતત વરસાદ પડી રહ્યો છે.

રવિવાર સાંજે સાત વાગ્યાથી સોમવારે વહેલી સવારે ચાર વાગ્યા સુધીમાં પાલડી, વાસણા, એલિસબ્રિજ વિસ્તારમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વાડજ, ઇન્કમટેકસ ,આશ્રમ રોડ વિસ્તારમાં 14.62 ઇંચ, બોડકદેવ-વસ્ત્રાપુર વિસ્તારમાં 12.08 ઈંચ વરસાદ પડ્યો છે. શાહીબાગ, ઉસ્માનપુરા અને અખબારનગર અંડરબ્રિજમાં બે ફૂટ પાણી ભરાતા ત્રણેય અંડરબ્રિજ બંધ કરવા પડયા છે. મોડી રાતે ફરી વરસાદ શરૂ થતાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. ભારે હાલાકી ભોગવવી પડી છે. અનેક વિસ્તારોમાં ફરી પાણી ભરાયા છે.

પ્રહલાદનગરના ઔડા તળાવની પાળી તૂટી
ભારે વરસાદને કારણે પ્રહલાદનગર રોડ પર આવેલા ઔડા તળાવની પાળી તૂટી છે. તેની પાસે આવેલી વ્રજવિહાર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, પાર્કિંગમાં ઊભેલી કાર આખેઆખી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. હજુ વરસાદ પડશે તો પરિસ્થિતિ કેવી થશે તેવી એપાર્ટમેન્ટના રહીશોને ચિંતા છે.

હાલમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ બંધ થયો છે. શહેરમાં 3 દિવસમાં છેલ્લા 3 દિવસમાં સીઝનનો 30 ટકા વરસાદ થઈ ગયો છે. રવિવારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદ તથા આગામી બે દિવસ હજુ ભારે વરસાદની આગાહીને પગલે મુખ્યમંત્રીએ તાબડતોબ ઈમરજન્સી બેઠક બોલાવી હતી.

નહેરુનગરથી માણેકબાગનો BRTS રૂટ બંધ કરાયો
દાણીલીમડા પંચવટી વિસ્તારની તમામ સોસાયટીઓમાં ઘરમાં કમર સુઘી વરસાદનું પાણી છે. માણેકબાગ વિસ્તારમાં હજી પણ ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નહેરુનગરથી માણેકબાગ સુધી પાણી ભરાઇ જતા BRTS રૂટ પણ બંધ કરી દેવો પડ્યો છે. જેના કારણે અનેક અમદાવાદીઓ હજી પણ ફસાયા છે.

મ્યુનિ. કમિશરે બોલાવી બેઠક
શહેરમાં સાંજે 7 વાગ્યા બાદ શરૂ થયેલા ધોધમાર વરસાદના પગલે મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમેશ મેરજા, સીટી ઈજનેર હરપાલસિંહ ઝાલા, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટ પાલડી મુખ્ય કંટ્રોલરૂમમાં પહોંચ્યા હતા અને શહેરમાં વરસાદની પરિસ્થિતિનો ચિતાર મેળવી અધિકારીઓ કર્મચારીઓને જરૂરી સૂચના આપી હતી.

લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યાં
લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યાં

પાણી ભરાતા શહેરમાં 5 અંડરબ્રિજ બંધ કરાયા
ભારે વરસાદના પગલે મીઠાખળી અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર માટે અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યો છે. સરખેજનો મકરબા અંડરબ્રિજ, પરિમલ અંડરબ્રિજ, વેજલપુર અંડરબ્રિજ, વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ અંડરબ્રિજ પણ બંધ કરવામાં આવ્યો છે. આમ કુલ 5 જેટલા અંડરબ્રિજ હાલમાં બંધ કરાયા છે. ભારે વરસાદ અને પવનથી બોડકદેવ અને ઇસનપુરમાં ઝાડ પડવાની ઘટના બની છે. જેને દૂર કરવા માટે ફાયરબ્રિગેડની ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. નારણપુરા વિસ્તારમાં આવેલા ડી. કે પટેલ હોલની પાછળ રંગમિલન સોસાયટીમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ છે.

થલતેજમાં ગટરનું પાણી ઘરમાં ફરી વળ્યું
અમદાવાદમાં એક કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડતાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે. થલતેજ, કેશવબાદ, વેજલપુર, હેલ્મેટ સર્કલ વગેરે વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે થલતેજમાં લવકુશ ટાવર પાસે વિહારધામ એપાટૅમેન્ટમાં કેટલાક ઘરોમાં ગટરનું પાણી ફરી વળ્યું હતું.

મુખ્યમંત્રીએ ઈમજરન્સી બેઠક બોલાવી
રવિવારે દક્ષિણ તથા મધ્ય ગુજરાતના 6 જિલ્લાઓ છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, વલસાડ, નવસારી અને પંચમહાલમાં થયેલા વ્યાપક અને ભારે વરસાદને પરિણામે સર્જાયેલી સ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા માટે મુખ્યમંત્રીએ તાબડતોબ ઈમરજન્સી બેઠક બોલાવી હતી. આ જિલ્લાના જિલ્લા કલેકટરો સાથે ગાંધીનગર સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર SEOCથી બેઠક કરીને મુખ્યમંત્રીએ સ્થિતિની સમીક્ષા કરી હતી.

ચાર દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપીમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. દરમિયાન આજે અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં 3250 લોકોનું રેસ્ક્યુ કરાયું
દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના પગલે મુખ્યમંત્રીએ ઈમરજન્સી બેઠક બોલાવી આ સાથે જ રાજ્યમાં હજુ આગામી બે દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. એવામાં NDRFની 13 ટીમ અને SDRFની 16 પ્લાટુન હાલ તૈનાત કરવામાં આવી છે. છોટા ઉદેપુરમાં વડોદરાથી SDRFની 1 પ્લાટુન મદદ માટે રવાના કરવામાં આવી છે. ઉપરાંત છોટા ઉદેપુરથી 400 લોકો નવસારીમાં 550 લોકો અને વલસાડમાં 470 લોકો સહિત રાજ્યમાં 3250 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવેલું છે. રાજ્યમાં 10મી જુલાઈના રોજ ભારે વરસાદના પગટેલ સ્ટેટ હાઈવે, પંચાયત હાઈવે અને અન્ય માર્ગો મળીને કુલ 388 રસ્તા બંધ કરવા પડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...