ચાર દિવસ વરસાદી માહોલ:અમદાવાદમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી

અમદાવાદએક મહિનો પહેલા

અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી વચ્ચે વીજળીના કડાકાભડાકા સાથે જોરદાર વરસાદ શરૂ થયો છે. શહેરના પૂર્વ વિસ્તાર- નિકોલ, નરોડા, સીટીએમ, રામોલ, વસ્ત્રાલ,અમરાઈવાડી, કાંકરિયા, ખોખરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરમાં 11 વાગ્યે પૂર્વ વિસ્તારમાં જ આકાશમાં કાળાં ડિબાંગ વાદળો છવાયાં હતાં અને વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. હાલ ગુજરાતમાં વરસાદ પડે એવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. બીજી તરફ રાજ્યના 15 તાલુકામાં હજી 50 ટકા કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. શહેરમાં કાળાં ડિબાગ વાદળો સાથે ધોધમાર વરસાદ સુધી પડતાં વાહનચાલકોને પોતાના વાહનની લાઈટ ચાલુ રાખી વાહન ચલાવવાની ફરજ પડી હતી.

અમદાવાદ શહેરમાં એક કલાકમાં સરેરાશ 1 ઇંચ વરસાદ પડ્યો
અમદાવાદ શહેરમાં બપોરે 12 વાગ્યાથી 1 વાગ્યા સુધીમાં એક કલાકમાં સરેરાશ 1 ઇંચ વરસાદ પડ્યો હતો. જેમાં વિરાટનગર, રામોલ, વસ્ત્રાલ વિસ્તારમાં પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ઓઢવ,ગોમતીપુર, રખિયાલ વિસ્તારમાં 2 ઇંચ વરસાદ પડી ગયો હતો. ઉસ્માનપુરા પાલડી, આશ્રમ રોડ, વાસણા, વેજલપુર, રાણીપ, સાબરમતી, ચાંદખેડા, ગોતા, મકતમપુરા, જુહાપુરા, દૂધેશ્વર, શાહપુર, જમાલપુર, દરિયાપુર, મણિનગર, વટવા સહિતનાં વિસ્તારમાં એક ઇચ વરસાદ પડ્યો હતો. વાસણા બેરેજનાં ચાર ગેટ ખુલ્લા કરાયા હતા. જેમાં 2 ગેટ 2 ફૂટ અને બીજા 2 ગેટ ત્રણ ફૂટ ખોલાયા છે.

24 કલાકમાં 34 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 34 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં વાપીમાં 3 ઈંચ, વલસાડમાં, અઢી ઈંચ, કપરાડામાં અઢી ઈંચ, પારડીમાં બે ઈંચ, વડોદરામાં પોણો ઇંચ, લખપતમાં એક ઈંચ, વાલોદમાં એક ઈંચ, બારડોલીમાં એક ઈંચ, વાઘોડિયામાં અડધો ઈંચ, કપડવંજમાં અડધો ઈંચ, મહુઆમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આજે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, વલસાડ, નવસારી, ડાંગ, વડોદરા, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં વરસાદ થઈ શકે છે.

207 ડેમમાં 84.44 ટકા જળસંગ્રહ થયો
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વચ્ચે 207 ડેમોમાં 84.44 ટકા જળસંગ્રહ થયો છે. હાલમાં ગુજરાતમાં 64 ડેમ ઓવરફ્લો થયા છે, 100 ટકા ભરાયેલા આ ડેમ પૈકી સૌરાષ્ટ્રના 34,કચ્છના 13, દક્ષિણ ગુજરાતના 8, મધ્ય ગુજરાતના 6 અને ઉત્તર ગુજરાતના 3 ડેમનો સમાવેશ થાય છે. રાજ્યમાં અત્યારે 98 ડેમ હાઈએલર્ટ ઉપર મુકાયા છે, કારણ કે ત્યાંના ડેમમાં 90 ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 86.56 ટકા પાણીનો સંગ્રહ થયો છે, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 79.88 ટકા, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 78.94 ટકા, કચ્છના 20 ડેમમાં 74.68 ટકા, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 73.84 ટકા અને રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 93.39 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

આગામી ત્રણ કલાકમાં ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી.
આગામી ત્રણ કલાકમાં ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી.

ગુજરાતમાં સીઝનનો 101.07% વરસાદ નોંધાયો છે
ગુજરાતમાં સીઝનનો 101.07% વરસાદ નોંધાયો છે, એટલે કે રાજ્યમાં સીઝનનો 859.19 મિમી વરસાદ નોંધાયો. રાજ્યના 66 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 122 તાલુકામાં 20થી 40 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના 62 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ પડ્યો. તો રાજ્યના માત્ર એક તાલુકામાં જ 10થી 20 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. આટલો વરસાદ થયો હોવા છતાં 15 તાલુકામાં 50 ટકાથી ઓછો વરસાદ નોંધાયો છે.