મેઘમહેર:ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની પધરામણી, અનેક જિલ્લોમાં ભારે પવન સાથે વરસાદ, મહેસાણાના વિસનગરમાં વીજળી પડતા 2ના મોત

અમદાવાદ2 મહિનો પહેલા
  • આગામી 4 દિવસ અમદાવાદ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે
  • વરસાદી જપતા પડતા ખેડૂતોના મુરજાતાં પાકોને નવું જીવન મળવાની આશા જાગી

અમદાવાદમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી રહ્યો છે. શહેરના એસજી હાઈવે, ઘાટલોડિયા, વસ્ત્રાપુર તેમજ પૂર્વના નરોડા, નિકોલ, કૃષ્ણનગર, એસપી રિંગ રોડ, સરદારનગર, કુબેરનગર, એરપોર્ટ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. બીજીતરફ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદ વરસી રહ્યો છે. તો સૌરાષ્ટ્રના પણ અનેક જિલ્લાઓમાં મેઘ રાજાની એન્ટ્રી થતા લોકોને ઉકળા અને બફારાથી રાહત મળી છે. દરમિયાન મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગણપતપુરા ગામમાં વીજળી પડતાં 2ના મોત થયા હતા

જેતપુર અને આસપાસના વિસ્તારમાં લાંબા સમય સુધી વિરામ બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો
જેતપુર અને આસપાસના વિસ્તારમાં લાંબા સમય સુધી વિરામ બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો

સૌરાષ્ટ્રમાં મેઘમહેર
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે સવારથી જ વાદળછાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. પરંતુ બપોર બાદ જેતપુરમાં વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો. જેતપુરમાં બપોર બાદ ધીમીધારે વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસતા કપાસ, મગફળી, મગ, મકાઇ, અડદ, એરંડા સહિતના પાકને નવું જીવનદાન મળ્યું છે. જેતપુરમાં સવારથી જ વાદળછાંયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે બપોર બાદ જેતપુર અને આસપાસના વિસ્તારમાં લાંબા સમય સુધી વિરામ બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ધોધમાર વરસાદની આશા બંધાણી છે. વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી અને લોકોને અસહ્ય ઉકળાટમાંથી રાહત મળી છે.

વરસાદી જપતા પડતા ખેડૂતોના મુરજાતાં પાકોને નવું જીવન મળવાની આશા જાગી હતી.
વરસાદી જપતા પડતા ખેડૂતોના મુરજાતાં પાકોને નવું જીવન મળવાની આશા જાગી હતી.

ઉત્તર ગુજરાતમાં મેઘમહેર
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડુતો સહિત પશુપાલકો ચિંતિત બન્યા છે અને વરસાદ ન થવાને કારણે દિવસભર ઉકળાટ અને બફારો પણ રહેતો હતો. જોકે ગઈ કાલે શીતળા સાતમના દિવસે બપોર બાદ એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને સમી સાંજે મેઘરાજાએ પધરામણી કરી હતી. ફરી આજે જન્માષ્ટમી ના દિવસે અચાનક વાતાવરણ પલટો આવતા અમીરગઢ ઇકબાલગઢ સહિતના પંથકમાં વરસાદી જપતા પડતા ખેડૂતોના મુરજાતાં પાકોને નવું જીવન મળવાની આશા જાગી હતી. દિવસભર ઉકળાટ અને બફારા બાદ સાંજના સુમારે મેઘરાજાએ પધરામણી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોએ પણ રાહત અનુભવી હતી. જો કે મેઘરાજાએ જે પ્રમાણે મોડે મોડે પણ પધરામણી કરીને લોકોમાં ફરી એક આશા બંધાવી છે તે આશા નિષ્ફળ ન નીવડે અને સારો એવો વરસાદ થાય તેવી લોકો આશા કરી રહ્યાં છે.

સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે
રાજ્યમાં 31મી ઓગસ્ટ બાદ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં આણંદ અને ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ખેડા, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ થઈ શકે છે. પહેલી સપ્ટેમ્બરના રોજ રાજ્યના ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, રાજકોટ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ 3 થી 10 સપ્ટેમ્બરની વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.

ચોમાસાની સિઝન પુરી થવામાં દોઢ મહિનો બાકી
રાજ્યમાં ચોમાસાની સિઝન પુરી થવામાં હવે માંડ એકથી દોઢ મહિનાનો સમય બાકી રહ્યો છે. જૂનમાં 120 મિમી, જુલાઈમાં 177 મિમી અને ઓગસ્ટમાં 54 મિમી મળીને કુલ 352 મિમી વરસાદ થયો છે. ગુજરાતમાં થતાં 840 મિમી વરસાદની સામે માંડ 42 ટકા જેટલો વરસાદ થયો છે. હવે ચોમાસામા બાકી રહેતા દિવસોમાં ઘટ જેટલો વરસાદ પડવો જરૂરી છે. નહીંતર રાજ્યમાં દુષ્કાળના ડાકલા વાગશે. હાલની સ્થિતિએ રાજ્યના 12 જિલ્લા એવા છે જ્યાં ખેતીની સિંચાઈ માટે પાણી આપવા તો ઠીક પરંતુ પીવાના પાણીના પણ ફાંફાં થાય તેવી સંભાવના પણ નકારી શકાય એવી નથી. બીજી બાજુ ડેમોમાં પાણી ઓછું હોવાના કારણે ખેતીના પાકને પણ ભારે નુકસાન થવાની ભિતી છે.

અન્ય સમાચારો પણ છે...