મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:અમદાવાદ સહિત અનેક શહેરોમાં હીટવેવની આગાહી, હાર્દિકે BJPમાં એન્ટ્રી કર્યા બાદ કહ્યું, 'બે મહિનામાં 14 શહીદ પરિવાર માટે નોકરીની વ્યવસ્થા કરીશું'

અમદાવાદ25 દિવસ પહેલા

નમસ્કાર,

આજે શુક્રવાર છે, તારીખ 3 જૂન, જેઠ સુદ-ચોથ (વિનાયક ચતુર્થી).

આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) કાશ્મીરી પંડિતોની હત્યાઓ પર ગૃહમંત્રી અમિત શાહ આજે સમીક્ષા બેઠક કરશે 2) ADR આજે ગુજરાતના ધારાસભ્યોનું રિપોર્ટ કાર્ડ રજૂ કરશે 3) આજે અમદાવાદ સહિત અનેક શહેરોમાં હીટવેવની આગાહી 4) આજથી ઓખા-દિલ્હી, સરાઈ-રોહિલ્લા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) હાર્દિક પટેલે ભાજપમાં એન્ટ્રી કર્યા બાદ કહ્યું, 'બે મહિનામાં 14 શહીદ પરિવાર માટે નોકરીની વ્યવસ્થા કરીશું'

પાટીદાર અનામત આંદોલનથી પાટીદારનો ચહેરો બનેલા હાર્દિક પટેલે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદેથી રાજીનામું આપીને હવે 12.39ના વિજય મુહૂર્તમાં ભાજપનો કેસરિયો ખેસ પહેરી લીધો છે. તેમણે સવારે એસપીજી ગુરુકુળ ખાતે રામ, શ્યામ અને ઘનશ્યામનાં દર્શન કરીને સાધુ-સંતોની હાજરીમાં ગાયની પૂજા કરી હતી. કોબાથી કમલમ સુધી તેમનો રોડ શો યોજાયો હતો. બીજી તરફ, કોંગ્રેસનાં પૂર્વ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટને ભાજપ-પ્રમુખ સી.આર. પાટીલે કેસરિયો ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું.

વાંચો સમાચાર વિગતવાર

2) હાર્દિક પટેલ ભાજપમાં જોડાતા ંકોંગ્રેસે કહ્યું, 'હાર્દિકે શક્તિપ્રદર્શન નહીં, પણ બુદ્ધિપ્રદર્શન કર્યું'

કોંગ્રેસના પૂર્વ નેતા હાર્દિક પટેલે આજે ગાંધીનગરમાં કમલમ ખાતે વિજય મહૂર્તમાં કેસરીયો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાઈ ગયા. જે બાદ હવે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરીને આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી તથા ઈન્દ્રવિજય ગોહિલે પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિક પટેલ પર આકરા પ્રહાર કર્યા હતા અને તેણે ભાજપમાં જોડાઈને 'શક્તિ પ્રદર્શન નહીં, પણ બુદ્ધિ પ્રદર્શન કર્યું' હોવાનું પણ જણાવ્યું હતું.

વાંચો સમાચાર વિગતવાર

3) વડોદરાની 24 વર્ષની યુવતી પોતે જ પોતાની સાથે લગ્ન કરશે, તમામ રીતિ-રિવાજ નિભાવીને હનિમૂન પર પણ જશે

ભારતમાં લગ્નને સાત જન્મનો સંબંધ માનવામાં આવે છે, જેને કારણે આ દિવસને લોકો ખાસ બનાવવાનો પ્રયાસ કરે છે. વડોદરા શહેરની 24 વર્ષની ક્ષમા બિંદુ આગામી 11 જૂને લગ્ન કરવા જઇ રહી છે, પરંતુ તેમના આ લગ્ન હાલ ખૂબ જ ચર્ચામાં છે. હકીકત એવી છે કે ક્ષમા પોતાની સાથે જ લગ્ન કરવા જઇ રહી છે. તેના આ લગ્ન રીતિ-વાજ અને ફેરાથી લઈને ભારતીય પરંપરા પ્રમાણે જ થશે, પરંતુ એમાં બસ વરરાજા નહીં હોય. આ લગ્ન ગુજરાતના પહેલા આત્મ-વિવાહ કહેવામાં આવી રહ્યા છે.

વાંચો સમાચાર વિગતવાર

4) વડોદરાના નંદેસરીમાં દીપક નાઇટ્રેટ કંપનીમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળી, ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે

વડોદરાના નંદેસરી વિસ્તારમાં આવેલી દિપક નાઇટ્રેટ નામની કંપનીમાં આજે સાંજે 6 વાગ્યા આસપાસ બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળી છે. ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયરબ્રિગેડ પહોંચ્યું છે અને આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. આગની ઘટના હાલમાં કેટલી જાનહાનિ કે ઇજા થઇ તે અંગેની તપાસ જારી છે. આગના ધૂમાડાના ગોટેગોટા હાઇવે પરથી દૂર દૂર સુધી દેખાઇ રહ્યા છે.

વાંચો સમાચાર વિગતવાર

5) હાર્દિક પોતાના સ્વાર્થ માટે અલગ અલગ પાર્ટીઓ બદલી રહ્યો છે, બધાને ખબર પડી ગઈ છે કે આ માણસ પર વિશ્વાસ કરવા જેવો નથી: લાલજી પટેલ

કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખપદેથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલે આજે વિજય મુહૂર્તમાં કેસરિયો ખેસ ધારણ કરી લેતાં એસપીજીના લાલજી પટેલ નારાજ થયા છે. લાલજી પટેલે હાર્દિકને સ્વાર્થી કહ્યો હતો અને કહ્યું હતું કે સમાજમાં બધાને ખબર પડી ગઈ છે કે આ માણસ પર વિશ્વાસ કરવા જેવો નથી.

વાંચો સમાચાર વિગતવાર

6) કાશ્મીરમાં વધુ એક ટાર્ગેટ કિલિંગ:રાજસ્થાનના વતની બેન્ક-મેનેજરની ગોળી મારીને હત્યા, ત્રણ દિવસ પહેલાં શિક્ષિકાની હત્યા કરાઈ હતી

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ફરી એકવાર ટાર્ગેટ કિલિંગનો મામલો સામે આવ્યો છે. આ વખતે આતંકવાદીઓએ એક બેંક-મેનેજરને નિશાન બનાવીને તેની હત્યા કરી છે. બેંક-મેનેજરનું નામ છે વિજય કુમાર છે અને તેઓ રાજસ્થાનના વતની છે. અગાઉ સાંબામાં રહેતી શિક્ષિકા રજની બાલાની હત્યા કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસમાં આ બીજી ઘટના છે.

વાંચો સમાચાર વિગતવાર

7) દિલ્હીના CMએ કહ્યું- વડાપ્રધાનજી કૃપા કરીને AAPનાંતમામ નેતાઓની ધરપકડ એકસાથે કરી લો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે ફરી કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. પત્રકાર પરિષદમાં તેમણે આરોપ લગાવ્યા હતા કે સત્યેન્દ્ર જૈન બાદ મનીષ સિસોદિયા પર સરકાર ખોટો કેસ કરીને તેમની ધરપકડ કરવા જઈ રહી છે. એક દિવસ પહેલા સ્મૃતિ ઈરાનીએ દિલ્હી સરકારને સવાલ કર્યો હતો કે સત્યેન્દ્ર જૈન ધરપકડ થયા પછી પણ મંત્રીપદે કેમ રહ્યા છે. બીજી તરફ, ગુરુવારે, દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનને ફાળવવામાં આવેલો વિભાગોને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને સોંપવામાં આવ્યા હતા. મની લોન્ડરિંગ કેસમાં જૈન 9 જૂન સુધી EDની કસ્ટડીમાં છે.

વાંચો સમાચાર વિગતવાર

8) લોરેન્સનો ભાણિયો સચિન બિશ્નોઈ બોલ્યો- મેં જ મૂસેવાલાને ગોળી મારી; મિડ્ડૂખેડાની હત્યાનો બદલો લીધો

પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની લોરેન્સ ગેંગ દ્વારા હત્યા કરવામાં આવી છે. આ અંગે ગેંગસ્ટર લોરેન્સના ભાણેજ સચિન બિશ્નોઈએ દાવો કર્યો છે કે મેં આ હત્યા કરી છે. તેણે કહ્યું, 'મેં જાતે જ સિદ્ધુ મૂસેવાલાને ગોળી મારી હતી.' પોતાને સચિન બિશ્નોઈ કહેનારા એક શખસે વર્ચ્યુઅલ આઈડી દ્વારા એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં આ દાવો કર્યો હતો. તેણે કહ્યું કે અમે મોહાલીમાં વિકી મિડ્ડૂખેડાની હત્યાનો બદલો લીધો છે.

વાંચો સમાચાર વિગતવાર

9) KKના નિધનથી બંગાળમાં રાજનીતિ, BJPના દિલીપ ઘોષે કહ્યું- તેમની હત્યા થઈ છે, TMCએ કર્યો વળતો પ્રહાર

સિંગર કૃષ્ણકુમાર કુન્નથ (KK)ના મોત વિશે પશ્ચિમ બંગાળમાં રાજકીય વિવાદ શરૂ થઈ ગયો છે. વિપક્ષની ભારતીય જનતા પાર્ટી સતત સરકાર અને પ્રશાસન પર આકરા પ્રહાર કરી રહી છે. હવે બીજેપીએ સિંગરની હત્યા થઈ હોવાનો આરોપ લગાવ્યો છે. મંગળવારે પાટનગર કોલકાતામાં આયોજિત કોન્સર્ટ પછી કેકે બેભાન થઈને પડી ગયા હતા. ત્યાર પછી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ અલ્પેશ કથીરિયાએ કહ્યું-'તેણે પાસ ટીમ સાથે બેઠક નથી કરી' 2) અમદાવાદમાં નરોડા રેલવે ઓવરબ્રિજના 8 જૂને લોકાર્પણ પહેલા જ સંત રોહિદાસ બ્રિજના નામની તકતી મારી દેવામાં આવી 3) વડોદરામાં ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનની ચાકૂના ઘા મારી હત્યા, બહેને કહ્યું: 'હત્યારાઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારીશું નહીં' 4) નસવાડીમાં પોલીસકર્મી પતિ અને પત્નીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી, 6 પુત્રી અને 1 પુત્ર નોંધારા બન્યા 5) રાજકોટ ડેરી દૂધ મંડળીઓને કિલો ફેટે વધારાના 10 રૂપિયા આપશે, 17 દિવસમાં ત્રીજી વખત ભાવવધારો કરાયો 6) સોનિયા ગાંધી કોરોના પોઝિટિવ, ગઈકાલે જ સેવાદળના કાર્યક્રમમાં સામેલ થયા હતા 7) નેતાઓના સંતાનોને ભાજપ ટિકિટ નહીં આપે; નડ્ડાએ કહ્યું- પિતા અધ્યક્ષ અને પુત્ર મહાસચિવ, પરિવારવાદની આ નીતિ ભાજપમાં નહીં ચાલે 8) ફરી કાશ્મીર છોડવા મજબૂર પંડિતો; બિસ્તરા-પોટલાં બાંધતા દેખાયા, અધિકારીઓને કહ્યું- અમને સુરક્ષીત જગ્યાએ લઈ જાઓ 9) રેપ મુદ્દે કેરળ હાઇકોર્ટનો અણિયારો સવાલ; લગ્નની લાલચ આપી પુરુષ જાતીય સુખ માણે તો રેપનો કેસ થાય, મહિલા આવું કરે તો કંઈ નહિ... આવો કાયદો શું કરવાનો?

આજનો ઈતિહાસ
3 જૂન 1984નાં દિવસે ઓપરેશન બ્લૂ સ્ટારનો પ્રારંભ. ભારત સરકાર દ્વારા હરમંદિર સાહિબમાં સૈન્ય આક્રમણ શરૂ.

અને આજનો સુવિચાર
બાળકો સાથે સફળતાપૂર્વક કામ પાડવાનું રહસ્ય એના વડીલ ન બનવામાં રહેલું છે

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...