ઉત્તર-પૂર્વના ગરમ પવનોને કારણે એપ્રિલથી રાજ્યમાં હીટવેવ ફરી વળતાં અમદાવાદમાં ગરમીનો પારો 42થી 45 ડિગ્રીની આસપાસ પહોંચ્યો હતો. જોકે, પવનની દિશા બદલાતા શરૂ થયેલાં દક્ષિણ-પશ્ચિમના પવનોની અસરથી 10 દિવસ બાદ મંગળવારે અમદાવાદમાં ગરમી 42 ડિગ્રીથી ઓછી નોંધાઈ. આગામી 24 કલાકમાં ગરમી ફરી બે-ત્રણ ડિગ્રી વધવાની વકી છે, જ્યારે રાજ્યમાં 22 મે પછી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને આઠ જૂન બાદ રાજ્યમાં ચોમાસુ બેસવાની શક્યતા છે એવું હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે.
હવામાન વિભાગના આંકડા મુજબ,છેલ્લાં 16 દિવસમાં અમદાવાદમાં 42થી 45 ડિગ્રી ગરમી નોંધાઈ છે, પરંતુ દિવસે દક્ષિણ-પશ્ચિમના પવનોની અસરથી મંગળવારે અમદાવાદમાં ગરમી 41.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન 27.2 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે સાંજે 6.00 વાગ્યા બાદ પ્રતિ કલાક 20 કિ.મી.ની ઝડપે પવનો સાથે ધૂળની ડમરી ઉડતાં વાતાવરણ ધૂંધળું બન્યું હતું. હવે ગુરુવાર અને શુક્રવારે ગરમી બે ડિગ્રી જેટલી વધશે અને તાપમાન 42-43 ડિગ્રીની આપપાસ રહી શકે છે.
દક્ષિણ-પશ્ચિમના પવનોની અસરથી રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમી ઘટતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. રાજકોટ અને સુરેન્દ્રનગરને બાદ કરતાં અન્ય શહેરોમાં ગરમી 42 ડિગ્રીથી નીચે નોંધાઈ હતી. સમગ્ર રાજ્યમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42.3 ડિગ્રી ગરમી નોંધાઇ હતી. આગામી દિવસોમાં અમદાવાદ, ગાંધીનગર, સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારોમાં હીટવેવ ફરી વળવાની વકી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
24 એપ્રિલ બાદ અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીથી નીચે નોંધાતા શહેરવાસીઓને રાહત ઉત્તર-પૂર્વના ગરમ પવનોની અસરથી અમદાવાદમાં 24 એપ્રિલથી ગરમીનો પારો ઉંચકાયો હતો અને 12 મે સુધી શહેરમાં હીટવેવનું જોર વધતાં રાજ્યમાં 41થી 45 ડિગ્રીની વચ્ચે કાળઝાળ ગરમી પડી હતી. પરંતુ 14 મેથી પવનની દિશા બદલાતા ગરમીનો પારો ગગડીને ક્રમશ 43થી 41 ડિગ્રીએ પહોંચ્યો હતો. શહેરમાં ગત 7 મેના રોજ ગરમીનો પારો 41.3 ડિગ્રી નોંધાયો હતો. ત્યારબાદ 17 મે, મંગળવારના રોજ અમદાવાદનું મહત્તમ તાપમાન 42 ડિગ્રીથી નીચે નોંધાયું છે.
વર્ષ 2019માં ચોમાસુ મોડું બેઠું હતું પણ વરસ્યું વધુ હતું
વર્ષ | વરસાદ | સરેરાશ વરસાદ |
2017 | 35.77 ઇંચ | 112.18% |
2018 | 25.1 ઇંચ | 76.73% |
2019 | 46.95 ઇંચ | 146.17% |
2020 | 44.77 ઇંચ | 136.85% |
2021 | 32.56 ઇંચ | 98.48% |
મોન્સૂન 2013માં 9 જૂને, 2019માં 25 જૂને આવ્યું
વર્ષ | તારીખ |
2011 | 13 જૂન |
2012 | 17 જૂન |
2013 | 9 જૂન |
2014 | 15 જૂન |
2015 | 13 જૂન |
2016 | 22 જૂન |
2017 | 12 જૂન |
2018 | 23 જૂન |
2019 | 25 જૂન |
2020 | 14 જૂન |
2021 | 9 જૂન |
22 મે પછી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જવાથી ગરમીમાં રાહત મળશે
સોમવારથી આંદામાન- નિકોબારમાં ચોમાસુ સક્રિય થયું છે અને 27 મેની આસપાસ કેરળમાં ચોમાસુ બેસવાની શક્યતા છે. જ્યારે ગુજરાતમાં 22 મે પછી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે.જ્યારે 8થી 15 જૂન વચ્ચે રાજ્યમાં વિધિવત ચોમાસુ બેસવાની પ્રબળ શક્યતા છે. તેમાં 8 જૂનની આસપાસ દક્ષિણ ગુજરાતમાં તેમજ રાજ્યના અન્ય ભાગોમાં 15થી 25 જૂન વચ્ચે ચોમાસુ બેસી શકે છે. જોકે, આ વખતે ચાર-પાંચ દિવસ વહેલું ચોમાસુ બેસી શકે છે. - અંકિત પટેલ, હવામાન નિષ્ણાત
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.