હવામાન વિભાગની આગાહી:આગામી 24 કલાક રાજ્યમાં વરસાદી ઝાપટાંની સંભાવના, ઉત્તર પશ્ચિમી પવનને કારણે ગરમી 2 ડિગ્રી ઘટી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમી ઠંડા પવન શરૂ થયા છે, જેને કારણે અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીમાં સામાન્ય ઘટાડો થયો છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની સાથે વરસાદી છાંટીથી લઈ ઝાપટાં પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

આગામી 24 કલાક દરમિયાન બનાસકાંઠા, આણંદ, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ અને સુરત તેમ જ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ગીર-સોમનાથ અને જૂનાગઢ જેવા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે તેમ જ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડશે. વાતાવરણમાં પલટો આવતાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના આંકડા મુજબ, અમદાવાદનું મહત્તમ તાપમાન સોમવાર કરતાં 1.1 ડિગ્રી ગગડી 41.2 ડિગ્રી, લઘુતમ તાપમાન 25.3 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યનાં પાંચ શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. જ્યારે 41.8 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ગરમ શહેર રહ્યું હતું.