તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાયો:અમદાવાદ સહિત રાજ્યનાં 6 શહેરમાં ગરમી 42 ડિગ્રી પાર; અમદાવાદ-સુરેન્દ્રનગર 42.8 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેરો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

રાજ્યમાં છેલ્લાં ચાર દિવસથી પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમના ગરમ સૂકા પવનનું જોર વધતાં છેલ્લાં બે દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગનાં શહેરોમાં ગરમી વધી છે. અમદાવાદ સહિત રાજ્યના 6 શહેરોમાં ગરમીનો પારો 42 અને 3 શહેરમાં 41 ડિગ્રી પાર કરી જતાં લોકો કાળઝાળ ગરમી અનુભવી રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં અમદાવાદ-સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. જો કે, આગામી બે દિવસો દરમિયાન દક્ષિણ-ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાંક વિસ્તારોમાં 30-40 કિ.મી.ના પવન સાથે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

આગામી દિવસોમાં ગરમીનું જોર રહેશે
હવામાનના આંકડા મુજબ, શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.4 ડિગ્રી વધીને 42.8 અને લઘુતમ તાપમાન 3.7 ડિગ્રી વધીને 30.0 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે અમદાવાદમાં દિવસ દરમિયાન ચાલુ રહેલા સૂકા ગરમ પવનને લીધે લોકોએ ચામડી બળવાની સાથે માથું ફાડી નાખતી કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો. આગામી દિવસોમાં પણ શહેરમાં ગરમીનું જોર યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

બે દિવસમાં વાતાવરણમાં પલટો થાય તેવી શક્યતા
સૂકા ગરમ પવનની અસરથી દરિયાકાંઠાના વિસ્તારોને બાદ કરતાં રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. ખાસ કરીને રાજ્યના મધ્ય અને ઉત્તર ગુજરાતના શહેરો સૂકા ગરમ પવનની લપેટમાં આવી જતાં દિવસ દરમિયાન ચામડી બળતરાની સાથે અસહ્ય બફારાથી લોકો ત્રસ્ત થયા હતા. આગામી બે દિવસ દરમિયાન વાતાવરણમાં પલટાની શક્યતા છે. તેમજ દક્ષિણ ગુજરાતના ડાંગ-વડોદરા-તાપી-નર્મદા, બનાસકાંઠા, સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી-જુનાગઢ અને કચ્છના વિવિધ ભાગોમાં 30થી 40 કિ.મી.ના પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.

સૂકા પવનથી તાપમાન વધતા ગરમીમાં વધારો
વાતાવરણના ઉપલા લેવલ પર પ્રવર્તતા સૂકા ગરમ પવનને કારણે ભેજનું પ્રમાણ ઘટ્યું છે, જેના લીધે મહત્તમની સાથે લઘુતમ તાપમાનમાં પણ વધારો થતાં સૂકા ગરમ પવન સીધા જમીન તરફ આવતાં વાતાવરણ સૂકું બન્યું છે, જેથી ગરમ પવનની અસરને કારણે ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું છે.

અન્ય સમાચારો પણ છે...