તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાઇકોર્ટની સુનાવણી:ગુજરાતમાં માસ્કનો દંડ ઘટાડવા હાઇકોર્ટનો ઈનકાર, 'રૂ.1000નો દંડ રાખ્યો છતાં બીજી લહેર તો આવી'

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટની ફાઈલ તસવીર. - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટની ફાઈલ તસવીર.
  • પર્યાપ્ત વેક્સિનેશન બાદ માસ્કના દંડમાં ઘટાડા અંગે વિચારીશું: કોર્ટ

કોરોનાની સંભવિત ત્રીજી લહેર અને મ્યુકોરમાઇકોસિસ અંગે રાજ્ય સરકારે ગઈકાલે હાઇકોર્ટમાં સોગદનામું રજૂ કર્યું હતું. ત્યારે આજે હાઇકોર્ટમાં દાખલ કરાયેલી PIL પર આ અંગે સુનાવણી શરૂ કરવામાં આવી છે, જેમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને કોરોનાની ત્રીજી લહેર ન આવે એ માટેના પ્રયાસો કરવાની ટકોર કરી છે, સાથે જ લોકોને માસ્ક પહેરવા જાગ્રત કરવા કહ્યું છે, જેથી કોરોનાનું સંક્રમણ ફરી ન વધે. ઉપરાંત રાજ્યમાં માસ્કનો દંડ ઘટાડવા અંગે હાઇકોર્ટે ઇનકાર કર્યો છે.

માસ્કનો દંડ ઘટાડવાનો હાઇકોર્ટનો ઇનકાર
રાજ્યમાં માસ્ક ન પહેરવા પર વસૂલાતો દંડ ઘટાડવા અંગે ગુજરાત હાઇકોર્ટે ઈનકાર કરી દીધો હતો. રાજ્ય સરકારે માસ્કનો દંડ ઘટાડવા અંગે રજૂઆત કરી હતી. જોકે હાઇકોર્ટે કહ્યું હતું કે
'પર્યાપ્ત વેક્સિનેશન બાદ માસ્કના દંડ ઘટાડા અંગે વિચારીશું. માસ્ક પર 1 હજાર દંડ રાખ્યો છતાં બીજી લહેર આવી.'

એડવોકેટ જનરલ: કોરોનાના કેસો પીક પર હતા ત્યારે આપણે દંડ વસૂલ્યો જ છે. હવે પ્રમાણમાં કેસો ઓછા છે, માટે દંડની રકમ ઓછી કરવામાં આવે.
હાઇકોર્ટ: હજુ કોરોના ગયો નથી અને ત્રીજી લહેર અપેક્ષિત છે. જો માસ્કની રકમ ઓછી કરો તો શું લોકો શિસ્તમાં રહેશે? લોકો શિસ્તમાં રહેશે એની જવાબદારી રાજ્ય સરકાર લેશે? લોકોએ માસ્ક પહેરાવું એ જ વિકલ્પ છે. દંડની રકમ વધારે છે એટલે લોકો શિસ્તમાં છે.
એડવોકેટ જનરલ: લોકો હવે પૈસા નથી એવું કહીને ઊભા રહી જાય છે.

આ પણ વાંચો: પ્રજાના ખિસ્સામાંથી અંદાજે 200 કરોડથી વધુ ખંખેર્યા બાદ હવે સરકારની માસ્કનો દંડ રૂ.1000માંથી રૂ.500 કરવાની વિચારણા

અરજદાર: સરકાર કહે છે હાલ અમારી જોડે 6 લાખ ડોઝ છે, AMC કહે છે 25000 ડોઝ અમે એક દિવસમાં આપીશું. કોર્ટે પહેલાં પૂછ્યું હતું કે વેક્સિનેશનનો પ્લાન બતાવો. કેવી રીતે રાજ્યમાં વેક્સિનેશન કરશો? પણ હજી સુધી તેઓ નીતિઓ બદલે છે. એક દિવસે વેક્સિન હોય છે તો બીજા દિવસે નથી હોતી.
હાઇકોર્ટ: અમે આ બાબતને ધ્યાનમાં લઈશું અને સરકાર પાસેથી જવાબ માગીશું.

અરજદાર: સરકારે મ્યુકોરમાઇકોસિસ અંગે એફિડેવિટમાં કોઈ ઉલ્લેખ કર્યો નથી, જેના માટે તો પિટિશન દાખલ થઈ હતી.
હાઇકોર્ટ: અમે એ બાબતે આપેલા આદેશને ધ્યાનમાં લઈશું અને સરકારને પૂછીશું.

હાઇકોર્ટ: સરકારને હજી લાગે છે કે ત્રીજી વેવ આવશે જ એટલે તૈયારી કરે છે. તેઓ વેવ ન આવે એ માટે પ્રયત્ન નથી કરી રહ્યા એવું લાગે છે. લોકોને માસ્ક પહેરવા માટે જાગ્રત કરો, વેવ ફરીથી ન આવે એવું કરો.
એડવોકેટ જનરલ: અમે પૂરતા પ્રયત્ન કરીએ છે, પરંતુ લોકો ક્યાંય ને ક્યાંક બેદરકારી રાખે છે, અમે સંક્રમણ રોકવા નિયમો બનાવ્યા છે.

હાઇકોર્ટ: બીજા દેશોમાં જુઓ માસ્ક ન પહેરવા પર શું કાર્યવાહી કરે છે, જ્યાં સુધી પૂરેપૂરું વેક્સિનેશન ન થાય ત્યાં સુધી વેવ સામે સક્ષમ થઈને લડી નહીં શકાય.

અરજદાર: પોલીસ માસ્ક માટે લોકોને દંડી જ રહી છે, રિકવેસ્ટ નથી કરતી કે માસ્ક પહેરે તો જવા દેશે. પોલીસને તો દંડ લેવામાં રસ છે. લોકોને ઘર્ષણ થાય છે પોલીસ સાથે.
હાઇકોર્ટે: એવું ન હોય, માસ્કનો દંડ તો લેવો જ જોઈએ. નહીં તો લોકો એનો ફાયદો ઉઠાવશે અને બેદરકારી સર્જાશે એટલે માસ્ક તો પહેરવું જ જોઈએ.

અરજદાર: સરકારે કોરોના મહામારીમાં ઘણા વેપારીઓ અને ઉદ્યોગકારોને રાહત આપી અને આર્થિક રીતે લોનની સ્કીમથી મદદ કરી છે, પણ સરકારે રિક્ષાચાલકોને 500 રૂપિયાની મદદ નથી કરી. આ મહામારી રિક્ષાચાલક અને અન્ય છૂટક મજૂરીવાળા કામદારોને એક રૂપિયાની મદદ નથી મળી. બીજા રાજ્યોમાં જુઓ, તેમને આર્થિક મદદ સરકારે કરી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ, આ લોકોને મદદ મળવી જોઈએ.

એડવોકેટ જનરલ : અરજદારે રાશનકિટના વિતરણની બાબતને ધ્યાનમાં લીધી નથી. તેઓ આર્થિક મદદની માગ કરે છે. તેઓ સરકારની આત્મનિર્ભર યોજનાનો લાભ લઇ શકે છે.
હાઇકોર્ટ: જો આ તમામ સહાય મળે તો પછી શું જોઈએ. કેસડોલની ડિમાન્ડ યોગ્ય નથી. કયા રાજ્યએ કેસડોલ આપી છે એ કહો.
અરજદાર: આત્મનિર્ભર યોજનામાં આ રિક્ષાચાલકોને સરળતાથી લોન નથી મળતી, એ પણ અમને જાણવા મળ્યું છે.

એડવોકેટ જનરલ: મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શનનો સ્ટોક છે. હાલ એની ડિમાન્ડ ઘટી છે
હાઇકોર્ટ: મ્યુકોરમાઇકોસિસ અંગે તમે એફિડેવિટમાં ઉલ્લેખ કેમ નથી કર્યો? તમારે એ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ.
એડવોકેટ જનરલ: અમે અગાઉ એફિડેવિટ રજૂ કર્યું હતું, હાલ 10થી પણ ઓછા કેસ નોંધાતા હશે.​હાઇકોર્ટ: તમે મ્યુકોરમાઇકોસિસને લઈને એક એફિડેવિટ રજૂ કરો, જેમાં દર્દીઓની સંખ્યા અને ઇન્જેક્શનનો સ્ટોક બંનેની ડિટેલ હોવી જોઈએ અને 1 અઠવાડિયામાં કોર્ટમાં એને સબમિટ કરો.

પારસી વિધિથી અંતિમ સંસ્કારની મંજૂરીની માગ
પારસી ધર્મના લોકો જેમના કોરોનાને લીધે મોત થયા હોય તેમને તેમના ધર્મ પ્રમાણે અંતિમવિધિ કરવા માટે હાઇકોર્ટમાં દાદ માગી હતી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ દરેકને તેમના ધર્મ પ્રમાણે અંતિમવિધિ કરવા માર્ગદર્શિકા ઘડી છે. તેમને અગ્નિદાહ કે દફનવિધિની ફરજ પાડી શકાય નહી. હજુ સુધી વૈજ્ઞાનિક પુરાવા નથી મળ્યા કે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહથી ચેપ લાગે છે.

રાત્રી કર્ફ્યૂ ઊઠાવી લેવાની પણ દલીલ
ખંડપીઠ સામે એવી દલીલ કરાઇ હતી કે, રાત્રે કર્ફ્યૂ રાખવાનો અર્થ નથી. રેસ્ટોરન્ટ વહેલી બંધ થઇ ગયા પછી લોકો બહાર ટોળે વળતા નથી. તેથી રાત્રે 10 વાગે કર્ફ્યૂ રાખવાથી કોરોના ઘટી શકે તેનો કોઇ મતલબ નથી. સરકારે રાત્રી કર્ફ્યૂના નિયત્રંણો ઉઠાવી લેવા જોઇએ.કોરોના મામલે થયેલી 8 થી વધુ મુદ્દાઓ પર થયેલી અરજી પર સુનાવણી પૂર્ણ થતા ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે.

રિક્ષા ડ્રાઇવરોને આર્થિક પેકેજ આપવા રજૂઆત
ઓટો રિક્ષા ડ્રાઇવરોને આર્થિક વળતર મામલે થયેલી અરજીમાં એડવોકેટ ખેમચંદ કોષ્ટીએ એવી રજૂઆત કરી હતી કે, લોકડાઉન સમયે અન્ય રાજયોની સરકારે ઓટોરીક્ષા ડ્રાઇવરોને આર્થિક મદદ આપતું પેકેજ આપ્યુ છે પરતું ગુજરાત સરકારે કોઇ રીતે ઓટોરીક્ષા ડ્રાઇવરોને કોઇ મદદ કરી નથી. એટલું જ નહીં રીક્ષા ખરીદનારોની લોનને માફી આપવામાં આવી છે. પણ આપણા રાજયમાં કોઇ મદદ મળી નથી.

ત્રીજી લહેર માટે 1,45,285 રેમડેસિવિર ઇન્જેક્શન અને 6911 વેન્ટિલેટર સ્ટોક કર્યાં છે
કોરોના મામલે સુઓમોટો અરજીમાં સરકારે ત્રીજી લહેરને રોકવા કયાં પગલાં લીધાં છે એ અંગે સોગંદનામું રજૂ કર્યું હતું. સોગંદનામામાં એવી રજૂઆત કરી હતી કે સરકારે કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા વેરહાઉસમાં 1,45,285 ઇન્જેકશનનો સ્ટોક કર્યો છે અને 6911 વેન્ટિલેટરને પણ તૈયાર કર્યાં છે. દરેક ઓફિસ, મોલ, સિનેમાઘરો અને તમામ જગ્યાએ કર્મચારીઓને ફરજિયાત 10મી જુલાઇ સુધીમાં વેક્સિન લેવાના આદેશ કરી દેવામાં આવ્યા છે. અત્યારસુધીમાં 2 કરોડ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે, જ્યારે સપ્ટેમ્બર સુધીમાં 80 ટકા લોકોને વેક્સિન આપી દેવાનું સરકારનું લક્ષ્ય છે.