તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

HCની ઓનલાઈન સુનાવણી:લગ્ન અને ધાર્મિક કાર્યક્રમો 15 દિવસ માટે પ્રતિબંધિત કરવામાં આવે, કેસ ઘટ્યા છે, પણ હજુ લોકોની ભીડ થાય છે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટે BU પરમિશન વગરની સીલ કરાયેલી પાંચ હોસ્પિટલને શરૂ કરવા ઇન્કાર કર્યો
  • કેટલીક હોસ્પિટલમાં ફાયર NOC નથી અને હજી પણ એ માટેની કોઈ કાર્યવાહી નથી થતી

આજે ગુજરાત હાઇકોર્ટમાં ભરૂચ હોસ્પિટલમાં લાગેલી આગ અને ફાયર સેફ્ટી તેમજ લગ્ન તેમજ ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવા પરની સુનાવણી થઈ હતી. કાર્ટે ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં આગ મામલે 25 મે સુધી પોતાનો જવાબ રજૂ કરવા માટે કહ્યું હતું. એની સાથે ભરૂચ નગરપાલિકાને પક્ષકાર તરીકે જોડવામાં આવે એવું તેણે કહ્યું હતું. આ લાપરવાહીમાં જવાબદારી નક્કી કરવી જ પડે. કોર્ટે આ મામલે ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર, હોસ્પિટલ ટ્રસ્ટ અને ફાયર NOC માટેના નોડલ ઓફિસરને નોટિસ મોકલી છે અને પોતાનો પક્ષ રજૂ કરવા માટે કહેવા આવ્યું છે. હવે હાઇકોર્ટની સુઓમોટો અંગેની સુનાવણી 17મી મેએ હાથ ધરવામાં આવશે.

સરકારને 24 કલાક પહેલાં સોગંદનામું આપવા રજૂઆત
નામદાર કોર્ટમાં મોટા ભાગના વકીલોએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે સરકારને સુનાવણીની આગલી રાતે સોગંદનામું રજૂ કરાતાં અભ્યાસ કરવાનો સમય ઓછો મળે છે, તેથી આજની સુનાવણી સમાપ્ત કરાઈ. હવેથી નામદાર કોર્ટમાં સરકાર 24 કલાક પહેલાં સોગંદનામું રજૂ કરે એવી અપીલ કરાઈ.

એડવોકેટ શાલીન મહેતા: અમારી સરકારને અપીલ છે કે લગ્ન અને લોકો ભેગા થાય એવા કાર્યક્રમો 15 દિવસ માટે પ્રતિબંધિત કરવામાં આવે, કારણે કે કેસ ઘટ્યા છે, પણ કેટલાક ધાર્મિક અને લગ્નના કાર્યક્રમોમાં ભીડ થાય છે એ બંધ થવું જોઈએ.

અમિત પંચાલ: રાજ્ય સરકારે તેમના એફિડેવિટમાં સ્વીકાર્યું છે કે કેટલીક હોસ્પિટલમાં ફાયર NOC નથી અને હજી પણ એ માટેની કોઈ કાર્યવાહી નથી થતી.

હાઇકોર્ટ: હા, આ ગંભીર બાબત છે, રાજ્ય સરકારે આ બાબતે પગલાં લેવાં જોઈએ, 161 હોસ્પિટલમાં ફાયર NOC નથી. એ માટે ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર NOC વગરની હોસ્પિટલની મુલાકાત લે.

સરકારી વકીલ કમલ ત્રિવેદી: તપાસ પંચના રિપોર્ટની એક-બેવાર ચર્ચા થાય અને એની પર એક્શન લેવા માટે સરકાર તેને જાહેર ન કરે, કારણે કે તેને સ્ટડી કરવો પડે. હોસ્પિટલમાં જ્યારે કોવિડ ડેઝિગ્નેટેડ ડિક્લેર કરી ત્યારે NOC હોવાની વાત સામે આવી છે, પરંતુ 2 બિલ્ડિંગ છે એટલે એકનું NOC નહિ હોય.

હાઇકોર્ટ: ત્યાં કોણે તપાસ કરી? શું તપાસ કરી એનો રિપોર્ટ લાવો. તમે કોઈ કાર્યવાહી નથી કરતા એનો લોકોમાં આક્રોશ છે. તમે અગાઉ પણ આવું કર્યું છે. ખાલી પેપર પર કાર્યવાહીની વાત થાય છે, તમે એક્શન લેતા નથી. રાજ્ય સરકાર કેમ ચૂપ રહે છે.

ભરૂચ હોસ્પિટલમી NOCની તપાસ કેમ તંત્રએ ન કરી: અમિત પંચાલ
એડવોકેટ અમિત પંચાલે જણાવ્યું હતું કે 18 લોકોનાં આગ લાગવાને કારણે મોત થયાં છે, જેમાં કોની બેદરકારી છે એ માટે પંચ તપાસ કરી રહ્યું છે. હોસ્પિટલમાં ફાયર NOC નથી. નોડલ ઓફિસર બનાવ્યા છે. આ મામલે રાજ્ય સરકારે તપાસ પંચ બનાવ્યું છે, તેઓ રિપોર્ટ લોકો સમક્ષ નથી રાખતા. તેઓ લોકોને સાચી માહિતી કેમ નથી આપતા. આ રિપોર્ટ કેમ સિક્રેટ રાખે છે. અમદાવાદની શ્રેય હોસ્પિટલના તપાસ પંચમાં પણ આવું થયું હતું. આ કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી ત્યારે NOCની તપાસ કેમ તંત્રએ ન કરી.

હાઇકોર્ટ: ભરૂચની હોસ્પિટલમાંનાં 2 બિલ્ડિંગ છે, જેમાં નવા બિલ્ડિંગમાં NOC ન હતું. આ PILમાં તમારે ભરૂચ નગરપાલિકાને આ સુનાવણીમાં જોડવી જઈએ તો તેઓ જવાબ આપી શકે.

રાજ્ય સરકારે સુઓમોટો મામલે સોગંદનામું રજૂ કર્યું હતું
હાઇકોર્ટમાં સુઓમોટો અરજીમાં ગુજરાત સરકારે પણ સોગંદનામું રજૂ કર્યું હતું. ગુજરાત સરકારે 56 પેજનું રાજ્ય સોગંદનામું ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કર્યું હતું, જેમાં સરકારે જણાવ્યું હતું કે RT-PCRના નવા મશીનમાં વધારો કર્યો છે. 9 યુનિવર્સિટીમાં RT-PCR ટેસ્ટ ચાલુ કર્યા હોવાનો દાવો કર્યો છે. સરકારને 1 દિવસના 16,115 ઇન્જેકશન કેન્દ્ર સરકાર આપશે. સોગંદનામામાં અમદાવાદને એપ્રિલમાં 1,83,257 રેમડેસિવિર ઇન્જેકશન આપ્યાનો ઉલ્લેખ કર્યો છે. હાલ 2547 હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ હોવાનો દાવો પણ કર્યો છે. તો રાજ્યમાં 2547 હોસ્પિટલમાં 1 લાખ 7 હજાર 707 બેડ ઉપલબ્ધ હોવાની પણ વાત કરી છે.

રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામાના મુદ્દા
* 60 હજાર 176 ઓક્સિજન બેડ, 13 હજાર 875 ICU બેડ
* રાજ્યમાં 6 હજાર 562 વેન્ટિલેટર બેડ ઉપલબ્ધ
* ગામડાંમાં સંક્રમણ અટકવવા કર્યા પ્રયાસ
* સરકારે મારું ગામ કોરોનામુક્ત ગામ અભિયાન શરૂ કર્યાનો ઉલ્લેખ
* 103 લેબોરેટરી સમગ્ર રાજ્યમાં હોવાનો ઉલ્લેખ
* ગ્રામ્ય સ્તરે પણ RT-PCR ટેસ્ટ પર સરકારે ભાર મૂક્યો
* રાજ્યમાં ઓક્સિજન પૂરતો જથ્થો મળી રહેશેઃ સરકાર
* રાજ્ય સરકાર નવા ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરી રહી છેઃ સરકાર

અન્ય સમાચારો પણ છે...