રાજ્યના આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પડતર માંગણીઓ બાબતે એક પત્ર લખવામાં આવ્યો છે. જેમાં આગામી 8 ઓગસ્ટથી હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આરોગ્ય કર્મચારી મહાસંઘે જણાવ્યું છે કે, ગઈ 27 જુલાઈએ મંત્રી કક્ષા તેમજ અધિક મુખ્ય સચિવની સંયુક્ત મિટિંગ બાબતે નિર્ણય ન આવતાં તેમજ તેમની પડતર માંગણીઓ મુદ્દે આજે ગુરૂવારે મળેલી સાધારણ સભામાં નિર્ણય લેવામાં આવ્યો છે.
પત્રમાં કર્મીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવી જી.આર. કરવા માગ
આરોગ્ય મહાસંઘે પત્ર લખીને જણાવ્યું છે કે, 27-07-2022ના રોજ થયેલી પંચાયત અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રી બ્રિજેશ મીરજાના અધ્યક્ષ સ્થાને સંયુક્ત મિટિંગ અગ્ર સચિવ, પંચાયત, આરોગ્ય, સામાન્ય વહીવટ વિભાગ (જી.એ.ડી.) નાણાં વિભાગ જોડે થયેલી મિટિંગમાં અમારા પ્રશ્નો દર્શાવેલી કેડરોના મુખ્ય ત્રણ માંગણી પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારીના ઘણા લાંબા સમયથી પડતર પ્રશ્નોની વારંવાર રજુઆત કરવા છતાં હજી સુધી અમારા પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવતાં તા.8-8-2022ના રોજ સોમવારથી ગુજરાત રાજ્યના 33 જિલ્લાના આરોગ્યના મ.પ.હે.વ., ફી.હે.વ., મ.પ.હે.સુ., ફિ.હે.સુ., ટી.એચ.એસ., ટી.એચ.વી. જિલ્લા કક્ષાના સુપરવાઈઝર ભાઈઓ-બહેનો જેવા આરોગ્યના ફિલ્ડના તમામ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળમાં જોડાશે. જેની જાણ આપને કરવામાં આવે છે. વધુમાં જણાવવાનું કે, અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે જી.આર. તાત્કાલિક ધોરણે કરવા આપને અમારી નમ્ર વિનંતી છે.
બે કિસ્સામાં આરોગ્ય કર્મીઓ જોડાશે
1) ફક્ત હર ઘર તિરંગા દેશ પ્રેમને પ્રગટ કરવાનો એક અવસર છે. જેથી આ કાર્યક્રમમાં અમારા ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી જોડાશે.2) ગુજરાત રાજ્યમાં કયાંય પણ એપેડેમિક જાહેર થશે તો તાત્કાલિક ધોરણે જે તે વિસ્તારના કર્મચારી જન આરોગ્ય હિતાર્થે કામ કરી લેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.