ગાંધીનગરમાં મળેલી રાજ્યકક્ષાની સ્ટીયરીંગ કમિટીની બેઠકમાં શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજયભરની તમામ શાળાઓના વિદ્યાર્થીઓના 18 વર્ષ સુધીના દોઢ કરોડથી વધુ વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.આ ચકાસણી દરમ્યાન ગંભીર બિમારી ધરાવતાં વિદ્યાર્થીઓને લાખો રૂપિયાની વિનામૂલ્યે સારવાર રાજ્ય સરકાર દ્વારા પુરી પાડવામાં આવશે. જેની વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત 18 વર્ષની ઉમરના શાળાએ જતા અને ન જતા વિદ્યાર્થીઓને આવરી લેવાતા હતા. આ વર્ષે 18 વર્ષની ઉમરના કોઈપણ ક્ષેત્રે અભ્યાસ કરતા એટલે કે, આઇ.ટી.આઇ., કોલેજ, ડીગ્રી-ડીપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ આવરી લેઇને વિનામૂલ્યે સારવાર આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓને બોલવામાં અને સાંભળવામાં તકલીફ હોય તેવા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે કોકલીયર ઇમ્પ્લાન્ટ પુરા પાડવામાં આવે છે. આ કોકલીયર ઈમ્પ્લાન્ટનું કોઈ સાધન તુટી જાય, ખોવાઈ જાય કે ચોરાઇ જાય તો તેવા કિસ્સામાં દર્દીને સહાયરૂપ થવા રાજ્ય સરકાર દ્વારા પચાસ ટકા સહાય આપવાનો પણ નિર્ણય કરાયો છે.
ગંભીર રોગોની સારવાર પણ વિનામૂલ્યે મળશે
તેમણે ઉમેર્યુ કે, જે વિદ્યાર્થીઓને કિડની, હ્રદય, કેન્સર જેવા ગંભીર રોગોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય તેમને પણ રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે સારવાર પુરી પાડવામાં આવે છે. જે અંતર્ગત કેટલાક ગંભીર રોગોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનું થાય તે અંગેનું નિદાન 18 વર્ષ પહેલા થઇ ગયુ હોય પરંતુ ટ્રાન્સપ્લાન્ટ અંગેનું ઓર્ગન 18 વર્ષ બાદ મળે તો પણ આવા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સારવાર આપવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે તે મુજબ રાજ્ય સરકાર દ્વારા સારવાર પણ પુરી પડાશે.
આટલા બાળકોને રાજ્ય સરકારે મફતમાં સારવાર આપી
ગત વર્ષે કોરોનાના સંક્રમણને પરિણામે આરોગ્ય ચકાસણી કાર્યક્રમ શાળાઓમાં બંધ રહ્યો હતો. આ કાર્યક્રમ હેઠળ વર્ષ 2019-20માં 1 કરોડ 59 લાખ 61 હજાર 906 બાળકોના આરોગ્યની તપાસ કરાઇ હતી. જેમાં 28 લાખ 55 હજાર 447 બાળકોને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી તથા 2 લાખ 65 હજાર 004 બાળકોને સંદર્ભ સેવાનો લાભ અપાયો છે. 98 હજાર બાળકોને વિના મૂલ્યે ચશ્માનું વિતરણ કરાયુ હતું. આ ઉપરાંત 20 હજાર 674 બાળકોને હૃદયરોગ, 2869 બાળકોને કિડનીરોગ, 1855 બાળકોને કેન્સર રોગ, 822 ક્લેપ લીપ-પેલેટ, 1152 ક્લબ ફૂટની સારવાર અપાઇ હતી. જ્યારે 25 બાળકોને કિડનીનું પ્રત્યારોપણ, 163 કોકલીયર ઇમ્પલાન્ટ તથા 22 બાળકોના બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટની સંપૂર્ણ સારવાર વિના મૂલ્યે રાજ્ય સરકાર દ્વારા પૂરી પડાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.