અમદાવાદ જિલ્લાના ધોળકામાં અગાઉ નોંધાયેલા ગુનામાં તપાસ માટે વાહનો તથા મોબાઈલ કબ્જે કરાયા હતા. ત્યારે તે પરત મેળવવા કોર્ટમાં અભીપ્રાય આપવાનો હોય છે. જેથી આ અભિપ્રાય આપવાને બદલે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે પૈસાની માગણી કરી હતી. જોકે આ સમગ્ર મામલો એસીબી સુધી પહોંચ્યો હતો અને એસીબીએ છટકું ગોઠવીને તે હેડ કોન્સ્ટેબલને રૂ.25 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો.
પોલીસે વાહન તથા મોબાઈલ કબ્જે કર્યા હતા
મળતી વિગતો મુજબ, ફરિયાદી તથા તેમના મિત્રો વિરૂદ્ધ અગાઉ ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા હતા. જેથી તપાસ અધિકારી દ્વારા ફરિયાદી તથા તેમના મિત્રોના મળી ત્રણ વાહનો તથા મોબાઈલ તપાસ માટે કબ્જે કરવામાં આવ્યા હતા. જોકે આ તમામ વાહન તથા મોબાઈલ પરત મેળવવા કોર્ટમાં પોલીસે અભિપ્રાય આપવાનો હોય છે.
અગાઉ 50 હજારની માગણી કરી હતી
કોર્ટમાં અભિપ્રાય આપવાને બદલે ઘોળકા રૂરલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અરવિંદ ફતુભાઇ પટેલે રૂ.50 હજારની માગણી કરી હતી. ત્યારે ફરિયાદી સાથે રકજકના અંતે રૂ.25 હજાર લેવાનું નક્કી કરાયું હતું. પરંતુ ફરિયાદી આ લાંચની રકમ આપવા માગતા નહોતા. જેથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર મામલા વિશે જાણ કરી હતી.
કોન્સ્ટેબલે લાંચ સ્વિકારતા જ એસીબી ધસી આવી
એસીબીએ તમામ વિગતો મેળવી ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં જ છટકું ગોઠવવાનું આયોજન કર્યો હતું. ત્યારે ફરિયાદીએ આવી હેડ.કો.અરવિંદ પટેલ સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.25 હજાર કાઢીને આપ્યા હતા. જોકે આ લાંચની રકમ હેડ.કોએ સ્વિકારતા જ એસીબીના કર્મીઓ ધસી આવ્યા હતા અને હેડ.કો. અરવિંદ પટેલને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.