વિરોધ પ્રદર્શન:હેડ ક્લાર્કની ભરતી પરીક્ષાના પેપર લીક મામલે NSUI મેદાનમાં,કહ્યું, સરકાર ઉમેદવારો સાથે રમત રમવાનું બંધ કરે

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હેડ ક્લાર્કની ભરતી પરીક્ષાના પેપર લીક મામલે આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો

ગૌણ સેવા પસંદગી મંડળનું હેડ કલાર્કનું પેપર લીક થયું હોવાનું સામે આવ્યું હતું જે મામલે આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો છે. હવે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIએ પણ વિરોધ કર્યો છે.NSUI એ સરકાર પર પ્રહાર કરતા કહ્યું છે કે સરકાર ઉમેદવારો સાથે રમત રમવાનું બંધ કરે અને ત્વરિત પગલાં ભરે જેથી ઉમેદવારો સાથે અન્યાય ના થાય.NSUI દ્વારા પણ પેપર લીક મામલે વિરોધ કરવામાં આવ્યો છે.NSUI ના નેતા નારાયણ ભરવાડે જણાવ્યું હતું કે પેપર લીક થવા મામલે હજુ સુધી સરકારે કોઈ કાર્યવાહી કરી નથી. નાની બાબતોમાં સરકાર મોટી જાહેરાત કરે છે. પરંતુ પેપર લીક મામલે મૌન છે. સરકારે ઉમેદવારો સાથે રમત રમવાનું બંધ કરવું જોઈએ અને તાત્કાલિક પગલાં ભરવા જોઈએ.

NSUI ના નેતા નારાયણ ભરવાડ
NSUI ના નેતા નારાયણ ભરવાડ

આમ આદમી પાર્ટીએ ગૌણ સેવા પસંદગી મંડળને આવેદનપત્ર આપ્યું
રવિવારે લેવાયેલી હેડક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાનો આક્ષેપ આમ આદમી પાર્ટી(AAP)ના નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે. આ બાબતે આજે 15 ડિસેમ્બરના રોજ આમ આદમી પાર્ટીના યુથ વિંગ દ્વારા ગૌણ સેવા મંડળને આવેદનપત્ર આપી યોગ્ય ન્યાયની માગણી તેમજ જવાબદારો અને કસુરવારો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે. બીજી તરફ ગૃહમંત્રીની અધ્યક્ષતામાં બેઠક શરૂ થઈ હતી. હવે સરકાર બપોર પછી પેપર ફૂટ્યું છે કે કેમ એનો ખુલાસો કરી શકે છે.

આમ આદમી પાર્ટીએ ગૌણ સેવા પસંદગી મંડળને આવેદન આપ્યું
આમ આદમી પાર્ટીએ ગૌણ સેવા પસંદગી મંડળને આવેદન આપ્યું

પરીક્ષાની આગલી રાત્રે નવ વાગ્યે જ પેપર આવી ગયું હતું
આમ આદમી પાર્ટીના નેતા યુવરાજના જણાવ્યા અનુસાર ઊંછા ફાર્મ હાઉસમાં સાબરકાંઠાના 16 ઉમેદવારની પાસેથી વ્યક્તિદીઠ 12 લાખ રૂપિયા લઇ રાત્રે નવ વાગ્યે પેપર હાથમાં આપ્યાં હતાં. એ સાથે કેટલાંક સોલ્યુશનનાં પુસ્તકો આપી એમાંથી જવાબ પણ શોધી લેવાયા હતા, પરંતુ 200માંથી અમુક પ્રશ્નોના જવાબ ન મળતાં કેટલાક ભરતી પરીક્ષાના ટ્રેનરોને બોલાવીને તેમના થકી બાકીના પ્રશ્નો સોલ્વ કરાયા હતા.

186 જગ્યા માટે 2.41 લાખ ઉમેદવારો મેદાનમાં
અગાઉ કોરોનાને કારણે મોકૂફ રાખવામાં આવેલી સરકારી ભરતી માટેની પરીક્ષાઓ હવે શરૂ થઈ છે. ત્રણ દિવસ પહેલાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્ક માટેની 186 જગ્યાએ માટે પરીક્ષા યોજાઈ હતી. જેમાં 2,41,400 ઉમેદવારો પરીક્ષા માટે ફોર્મ ભર્યાં હતાં. પરીક્ષા માટે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને જામનગરમાં કેન્દ્ર ફાળવવામાં આવ્યા હતાં. ગુજરાતના તમામ ઉમેદવારો 6 જિલ્લાના 782 કેન્દ્રો પર પરીક્ષા આપી હતી.