સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા દર્દીનાં સગાં સાથે સર્જરી વિભાગની મહિલા રેસિડેન્ટ ડોક્ટરે બોલાચાલી બાદ ગાળ બોલવાનો વીડિયો વાઇરલ થતાં હોબાળો મચી ગયો છે. હોસ્પિટલ તંત્રે ઘટનાની ગંભીરતાથી નોંધ લઈને ઉચ્ચ અધિકારીની મીટિંગ બોલાવી હતી, જેમાં મહિલા ડોક્ટરે કામના ભારણને લીધે ભૂલથી ગાળ બોલાઈ ગયાની કબૂલાત કરીને માફી માગી છે. જોકે હોસ્પિટલે મહિલા ડોક્ટરને તાત્કાલિક અસરથી દર્દીને તપાસવાની કામગીરીથી અળગી કરીને વિભાગના વડા અને યુનિટના વડાને 7 દિવસમાં તપાસ કરવાનો લેખિત આદેશ આપ્યો છે.
વારંવાર માથાકૂટ થતાં ડોક્ટર ગાળ બોલ્યાં
રવિવારે સાંજે હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં પારિવારિક ઝઘડો થતાં બે દર્દીને લવાયા હતા. દર્દીની સાથે તેમનાં 25થી વધુ સગાં પણ ટ્રોમા સેન્ટરમાં ધસી આવ્યાં હતા, જેમાં બેમાંથી એક દર્દીનો કેસ કાઢવામાં 20 મિનિટથી વધુ સમય લાગ્યો હતો, જ્યારે બીજા દર્દીનો કેસ ઝડપથી નીકળી ગયો હતો એ મુદ્દે બોલાચાલી થઇ હતી. ત્યાર બાદ બંને દર્દીને રિપોર્ટ કરાવવા માટે મોકલ્યા હતા, આ દર્દી રિપોર્ટ કરાવીને પરત આવ્યા એ સમયે ટ્રોમા સેન્ટરમાં હેડ ઇન્જરીના દર્દી આવ્યા હતા, જેથી ડોક્ટર તેમને તપાસતા હતા, જ્યારે આ બંને દર્દીને મોટી ઇજા થઇ ન હતી. જેથી બંને દર્દીનાં સગાએ તેને કેમ ઝડપથી તપાસતાં નથી એ મુદ્દે મહિલા ડોક્ટર સાથે વારંવાર માથાકૂટ કરતા હતા. મહિલા ડોક્ટરે આવેશમાં આવીને દર્દીનાં સગાંને ગાળ બોલ્યાં હતાં.
વીડિયો પણ વાઇરલ થયો હતો
સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી જણાવે છે, હોસ્પિટલમાં સેકન્ડ યર રેસિડેન્ટ મહિલા ડોકટરે દર્દીનાં સગાં સાથે બોલાચાલી દરમિયાન ગાળ બોલી હોવાનો વીડિયો વાઇરલ થયાની ઘટના ચલાવી ન શકાય, જેથી અમે તેની તપાસ હાથ ધરી હતી. સર્જરી વિભાગના વડા અને યુનિટના વડાને 7 દિવસમાં તપાસનો લેખિતમાં આદેશ કરાયો છે. ઘટનાની વિગતો જાણવા મહિલા ડોક્ટરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો, પણ સંપર્ક થઈ શક્યો નથી.
મહિલા ડોક્ટરે જાહેરમાં માફી માગવા તૈયારી બતાવી
દર્દીનાં સગાંને મહિલા ડોક્ટરે ગાળ બોલ્યાનો વીડિયો વાઈરલ થતાં હોસ્પિટલ તંત્ર દ્વારા ઉચ્ચ અધિકારીઓની તાકીદની મીટિંગ બોલાવી હતી. આ મીટિંગમાં મહિલા ડોક્ટરે કબૂલ્યું હતું કે દર્દીની સાથે એકસાથે વધુ સગાં ધસી આવ્યાં હતાં તેમજ મારી સાથે ખોટી માથાકૂટ કરતાં હતાં, ત્યારે કામના બોજને કારણે મારાથી આ ભૂલ થઇ ગઇ છે, જેની માફી માગું છું અને જાહેરમાં પણ માફી માગવાની તૈયારી દર્શાવી હોવાની માહિતી ડો. રાકેશ જોષીએ આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.