એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ:'એમને જે જવાબદારી સોંપાય તેમને કાયમ સારી રીતે નિભાવે છે' નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પત્ની

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: આનંદ મોદી
  • ક્યારેય વિચાર્યું ન હતું કે મારા પતિને આટલી મોટી જવાબદારી સોંપવામાં આવશે: હેતલબેન પટેલ
  • ભૂપેન્દ્ર પટેલના પુત્ર અને જમાઈ બંને કન્સ્ટ્રક્શનના બિઝનેસ સાથે સંકળાયેલા છે

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ આજે 2.20 મિનિટે સમયસર શપથ ગ્રહણ કર્યાં હતા. રાજભવનમાં યોજાયેલા આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલે તેમને શપથ લેવા માટે આમંત્રિત કર્યાં હતા. ત્યારે આ ખાસ પ્રસંગે હાજરી આપવા માટે રાજનેતાઓની સાથે ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પરિવાર પણ હાજર રહ્યો હતો. પ્રથમ હરોળમાં તેમના પત્ની, પુત્ર તથા પુત્રવધુ હાજર રહ્યા હતા.

ગુજરાતના નવા મુખ્યમંત્રીના પત્નીનો એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂ
આ દરમિયાન ભુપેન્દ્રભાઈના પત્નીએ Divya Bhaskar સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, ક્યારેય વિચાર્યું ન હતું કે મારા પતિને આટલી મોટી જવાબદારી સોંપાશે, અત્યાર સુધી તેમને જે પણ જવાબદારી સોંપાઈ છે તેમને કાયમ જવાબદારી નિભાવી છે. ભૂપેન્દ્ર પટેલની પત્નીએ જણાવ્યું હતું કે, ક્યારેય વિચાર્યું જ નહોતું, એટલું હતું કે ભૂપેન્દ્રને જે જવાબદારી સોંપશે તે પૂરી કરશે પરંતુ આટલી મોટી મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપશે તેવું ક્યારેય નહોતું વિચાર્યું. અત્યારે ખૂબ આનંદ છે, પાર્ટીએ વિશ્વાસ મૂકીને જવાબદારી આપી છે, જેથી ભૂપેન્દ્ર વિશ્વાસ પર ખરે ઉતરે એ જ આશા છે.

શપથવિધિમાં પરિવાર પહેલી હરોળમાં બેઠો
શપથવિધિમાં પરિવાર પહેલી હરોળમાં બેઠો

'ઘર-પરિવારની જેમ રાજ્યને પણ સાચવશે'
દરમિયાનમાં ગઈકાલે જ્યારે ભૂપેન્દ્ર પટેલને આકસ્મિક CM પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ત્યારે તેમના પત્નીએ કહ્યું હતું કે, તેઓ જે પ્રમાણે ઘર-પરિવારને સાચવે છે એ જ પ્રમાણે રાજ્યને પણ સાચવશે. તેઓ જે રીતે કામ કરતા હતા એ જોતાં મને વિશ્વાસ હતો કે કોઈક વખત તો તેમને જવાબદારી સોંપાશે જ.

ટીવી પર ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી બનવાની ખબર પત્નીને મળી
‘દિવ્ય ભાસ્કર’એ જ્યારે નવનિયુક્ત સીએમનાં પત્નીને પૂછ્યું કે તેમને ક્યારે ખબર પડી ત્યારે તેમણે ભૂપેન્દ્રભાઇ જેવો જ જવાબ આપ્યો હતો કે અમને તો તેની ખબર ન હતી. તેમણે જણાવ્યું હતું કે સાંજે 4.05 વાગ્યે અમને ટીવી દ્વારા ખબર પડી કે તેમનું નામ મુખ્યમંત્રી તરીકે જાહેર થયું છે. મેં તરત જ મારા પુત્રને ઊંઘમાંથી ઉઠાડીને સમાચાર આપ્યા. અમારા ઘરમાં કોઈ જ રાજકારણની વાતો થતી નથી, કેમ કે પરિવારમાં તેઓ માત્ર જ રાજકારણમાં છે. મંત્રીમંડળમાં તેમને ક્યારેક પદ મળે એવી અમને આશા હતી, પરંતુ તેઓ ચીફ મિનિસ્ટર બનશે એ તો ક્યારેય નહોતું વિચાર્યું.

ટીવી પર સમાચાર જોઈને પતિના મુખ્યમંત્રી બનવાની ખબર મળી
ટીવી પર સમાચાર જોઈને પતિના મુખ્યમંત્રી બનવાની ખબર મળી

પુત્ર અને જમાઈ કન્સ્ટ્રક્શન બિઝનેસ સાથે સંકળાયેલા
ભૂપેન્દ્ર પટેલના પુત્ર અને જમાઈ કન્સ્ટ્રક્શન બિઝનેસ સાથે સંકળાયેલા છે. ભૂપેન્દ્ર પટેલ અને હેતલબેનના પુત્રનું નામ અનુજ છે. તે પણ પોતાના પિતાના પદચિહ્નો પર ચાલીને ડિપ્લોમાં એન્જિનિયર બન્યો હતો. અત્યારે તે કન્સ્ટ્રક્શન બિઝનેસમાં છે. તેમની દીકરી સુહાની પટેલ ડેન્ટિસ્ટ છે અને જમાઈ પાર્થ પટેલ છે. ઉલ્લેખનીય છે કે અનુજ અને પાર્થ બંને તેમની કંપની વિહાન એસોસિએટ્સનું કામકાજ સંભાળી રહ્યા છે. તેમના જમાઈ પાર્થ પટેલ બોપલ-આંબલી ખાતે વસવાટ કરે છે.

ભૂકંપ પછી આર્થિક તકલીફમાં મુકાયા
સિવિલ એન્જિનિયરિંગ ભણનારા ભૂપેન્દ્રભાઇ 1988થી કન્સ્ટ્રક્શન લાઇન સાથે જોડાયેલા છે. તેમના પત્ની હેતલબેન સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે 2000ની સાલ સુધી તેઓ ફ્લેટની સ્કીમો બનાવીને સારું કમાયા. જોકે 2001માં ભૂકંપ આવ્યા પછી તેમના તૈયાર ફ્લેટો ન વેચાતાં તેઓ ફાઇનાન્સિયલી ડિસ્ટર્બ થઇ ગયા હતા. 10 વર્ષે તેમનો ધંધો પાટે ચડ્યો હતો.

મુખ્યમંત્રી પદના શપથ લેતા ભૂપેન્દ્ર પટેલની તસવીર
મુખ્યમંત્રી પદના શપથ લેતા ભૂપેન્દ્ર પટેલની તસવીર

91 વર્ષનાં સાસુ દીકરાની જેમ રાખે છે
ભૂપેન્દ્રભાઇનાં પત્ની હેતલબેન તેમનાં માતા-પિતાના એકના એક સંતાન હોઇ તેમના પિતાના અવસાન પછી તેમનાં માતા હાલમાં તેમની સાથે જ રહે છે. છેલ્લાં 15 વર્ષથી સાથે રહેતા ભૂપેન્દ્રભાઇનાં સાસુ હાલમાં એકદમ સ્વસ્થ છે અને તેઓ તેમને દીકરાની જેમ રાખે છે.

ભૂપેન્દ્ર પટેલ 33 વર્ષ પહેલાં દરિયાપુરમાં ફટાકડા વેચતા હતા
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની વરણી થતાં ઘાટલોડિયા વિસ્તારમાં જાણે વહેલી દિવાળી આવી ગઇ હોઇ એવો માહોલ સર્જાયો હતો. ઘાટલોડિયામાં તેમના કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તો તેમના ઘરે સગાં-મિત્રો ઊમટી પડ્યાં હતાં અને શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો હતો. નવા ચીફ મિનિસ્ટરને ઘરે ખુશીનો માહોલ એવો હતો કે લાપસીના આંધણ મુકાયા હતા, જેથી તેઓ ઘેર આવે તો મોઢું મીઠું કરીને શુકન થાય.

અન્ય સમાચારો પણ છે...